આગામી બજેટમાં જીએસટીનું સરળીકરણ સારું ઈન્ફાસ્ટ્રક્ચર ઝંખે છે મોરબીનો ઘડિયાળ ઉદ્યોગ

દર માસને બદલે દર ત્રણ મહિને રિટર્નની જૂની સિસ્ટમ શરૂ કરો : શશાંક દંગી

મોરબી : આગામી કેન્દ્રીય બજેટનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ચૂક્યું છે ત્યારે મંદીમાં ગરક થયેલ મોરબીનો ઘડિયાળ ઉદ્યોગ જીએસટીનું સરળીકરણ અને સારા ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સરકાર પાસે આશા રાખી રહ્યો છે.

હાલ મોરબીની આગવી ઓળખ સમાં ઘડિયાળ ઉદ્યોગને ગ્રહણ લાગ્યું હોય તેમ જીએસટી અમલવારી બાદ સંપૂર્ણપણે મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે આગામી કેન્દ્રીય બજેટમાં મોરબી ક્લોક એન્ડ ગિફ્ટ આર્ટિકલ એસોસિએશન પ્રમુખ શશાંકભાઈ દંગી દ્વારા જીએસટી કાયદાનું ખરા અર્થમાં સરળી કરણ થાય અને ઘડિયાળ ઉદ્યોગમાં રહેલા ૮૦ થી ૯૦ ટકા ઉદ્યોગકારોને દર મહિને રિટર્ન ફાઈલ કરવાને બદલે દર ત્રણ મહિને રિટર્ન ભરવાની જૂની સિસ્ટમ આમલી બનાવવા માંગ ઉઠાવી છે.

વધુમાં તેમને ઉમેર્યું હતું કે સરકાર નાના ઉદ્યોગોને પ્રોત્સાહન પૂરું પાડવા વિવિધ યોજનાઓ લાવી રહી છે ત્યારે ખાસ કરીને મોરબીનો સૌથી મોટો લઘુ ઉદ્યોગ જ્યાં આવેલ છે તે લાતીપ્લોટ વિસ્તારમાં રોડ, રસ્તા, લાઈટ, પાણી જેવી પ્રાથમિક સુવિધા વિકસાવે અને દેશભરમાં જ્યાં જ્યાં આવા નાના ઉદ્યોગો હોય ત્યાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા બજેટમાં ખાસ જોગવાઈ કરે તેવી માંગણી તેમણે અંતમાં ઉઠાવી કેન્દ્ર સરકાર પાસે મોરબીના ઘડિયાળ ઉદ્યોગ માટે હકારાત્મક અભિગમની આશા સેવી હતી.