નેચરલ ગેસ જીએસટીના દાયરામાં લો : સીરામીક ઉદ્યોગની બજેટ માંગ

- text


સીરામીક ઉદ્યોગ માટે સ્માર્ટ સીટી જેવું ઈન્ફ્રાસ્ટ્રક્ચર આપવા અને ચાઇના પર એન્ટી ડંપીંગ ડ્યુટી નાખી એક્સપોર્ટરના રિફંડ તાકીદે છુટા થાય તેવી વ્યવસ્થા ગોઠવવા કેન્દ્ર સરકાર સમક્ષ આશા

મોરબી : આગામી કેન્દ્રીય બજેટ ઉપર મોરબીના સીરામીક ઉદ્યોગને બહુ મોટી આશા છે, સીરામીક ઇન્ડસ્ટ્રીઝ આગામી બજેટમાં નેચરલ ગેસના ભાવ ઘટે તે માટે ગેસને જીએસટીના દાયરામાં સમાવી લઈ સરકાર એક્સપોર્ટરના સીજીએસટીના રિફંડ તાત્કાલિક છુટા થાય તેવી વ્યવસ્થાની સાથે સાથે સ્માર્ટ સિટીની જેમ સીરામીક ઇન્ડસ્ટ્રીઝ વિસ્તાર માટે વધારાની ઈન્ફ્રાસ્ટ્રક્ચર ગ્રાન્ટ પણ ઝંખી રહ્યું છે.

વિશ્વમાં ૯૦ ટકા સીરામીક ટાઇલ્સનું ઉત્પાદન કરનાર અને ચાઈના ને ટક્કર આપનાર મોરબીનો સીરામીક ઉદ્યોગ આગામી બજેટ માં ઘણી આશા અપેક્ષા રાખી રહ્યો છે, સીરામીક ટાઇલ્સ ઘરનું ઘર બનાવવામાં મહત્વની વસ્તુ છે, મોરબી માં ૬૦૦ થી વધારે સીરામીક યુનિટો આવેલા છે જેમાં મોટા ભાગના યુનિટો ટાઇલ્સ એક્સપોર્ટ કરે છે. મોરબી સીરામીક ઉદ્યોગ ને બજેટમાં સૌથી વધુ અપેક્ષા ગેસના ભાવમાં રાહત ની છે કારણ કે રાજ્ય સરકારે સીરામીક ઉદ્યોગ માટે વપરાતો નેચરલ ગેસ પર પ્રતિ ક્યુબિક પર રૂ. ૨.પ૦ પૈસાનો વધારો ઝીકી દીધો છે જેના કારણે ઉદ્યોગકરો પર કરોડો રૂપિયાનું ભારણ આવ્યું છે ગેસના ભાવમાં સમયાંતરે ભાવવધારો થતો રહે છે અને સીરામીક ઉદ્યોગને કમરતોડ ફટકો પડે છે, જેથી સીરામીક ઉદ્યોગ દ્વારા ગેસને જીએસટીના દાયરામાં સમાવી લઈ રાહતની માંગ ઉઠાવી છે.

આગામી બજેટમાં કેન્દ્ર સમક્ષ હકારાત્મક આશા સાથે મોરબી સીરામીક સીરામીક એસોસિએશન પ્રમુખ કે.જી.કુંડારીયાએ જણાવ્યું હતું કે અમારા ઉદ્યોગને માળખાકીય સવલતોનો સદંતર અભાવ છે. પાણી અને રસ્તા જેવી સવલતોના અભાવે મજૂરોને ભારે હાલાકી ભોગવવી પડે છે અને રસ્તા ખરાબ હોવાથી ટ્રાન્સ્પોર્ટરોને ખુબ જ નુકશાન થાય છે.

મોરબીમાં ઉદ્યોગનો જે રીતે વિકાસ થઇ રહ્યો છે તે જોતા વિદેશથી ગ્રાહકો અહીં આવી રહ્યા છે મોરબીના રોડ માટે પણ સ્પેશિયલ બજેટ ફાળવવું જોઈએ જે રીતે સ્માર્ટ સીટી અંતર્ગત જે તે શહેરોને કરોડો રૂપિયાની વધારાની ગ્રાન્ટ આપવામાં આવે છે એ જ રીતે મોરબીના સીરામીક ઉદ્યોગ માટે આવી સ્પેશિયલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ગ્રાન્ટની જોગવાઈ બજેટમાં થવી જોઈએ.

- text

વધુમાં શ્રી કુંડારીયાએ જણાવ્યું હતું કે મોરબી ટાઉન ઓફ ધ એક્સિલન્સીઝ સીટી ડિક્લેર થયેલ છે. તેથી રાજ્ય અને કેન્દ્ર સરકાર બજેટ માં સીરામીક ઉદ્યોગ ને એક ક્લસ્ટરમાં સમાવી ઉદ્યોગને જોડતા દરેક રસ્તા સીસી રોડ બનાવવા માટે સ્પેશિયલ ગ્રાન્ટ ફાળવે તેવી બજેટમાં જોગવાઈ કરે તે જરૂરી છે.

સૌથી મહત્વની બાબત પર પ્રકાશ ફેકતા પ્રમુખ કે.જી.કુંડારીયાએ ઉમેર્યું હતું કે કેન્દ્ર સરકાર ચાઈનાથી આયાત થતા માલ પરની એન્ટિ ડમ્પીંગ ડ્યુટીને અસર કારક બનાવે તે જરૂરી છે. વિશ્વના બીજા દેશો કરતા ભારત દેશની ડમ્પિંગ પ્રક્રિયા કોમ્પ્લિકેટેડ અને ખરાબ છે વિશ્વના દેશોમાં આયાત થતા માલ પર અસરકારક ડ્યુટી લગાવવામાં આવે છે જયારે ભારત દેશમાં એન્ટી ડમ્પિંગ ડ્યુટી જ ન હોય તે રીતે ચાઈનાનો માલ ભારતમાં ખુબ જ વેચાઈ છે. ખાસ કરીને દક્ષિણ ભારતમાં ચાઈનાના માર્કેટ સામે સીરામીક ઉદ્યોગનું માર્કેટ નબળું પડે છે તેથી કેન્દ્ર સરકાર આગામી બજેટ માં એન્ટી ડમ્પિંગ ડ્યુટી અન્ય દેશો જેવી જ અસરકારક રીતે લાગુ કરે તે જરૂરી છે.
મોરબીના સિરામિક ઉદ્યોગે સમગ્ર દેશ અને વિદેશ માં ડંકો વગાડી દીધો છે અને સરકારને વર્ષ દહાડે કરોડો રૂપિયાનું હૂંડિયામણ આપે છે. પરંતુ રાજ્ય કે કેન્દ્ર સરકારનું આ ઉદ્યોગના હિતમાં કશો જ રસ ન હોય તેમ આ ઉદ્યોગ ને પ્રોત્સાહન આપવા ખુબ જ ઓછી નીતિઓ અમલમાં મૂકે છે. સીરામીક ઉદ્યોગ ને ગેસ, એન્ટી ડમ્પિંગ ડ્યુટી, માળખાકીય સવલતો, કન્ટેનરો માટે ખાસ રેલવે સુવિધા સહીત ના અનેક પ્રશ્નો નડી રહ્યા છે. દર વર્ષે બજેટ આવે છે અને જાય છે પરંતુ આ ઉદ્યોગને ખુબ જ ઓછું પ્રોત્સાહન આપે છે ત્યારે આ વખતે સીરામીક ઉદ્યોગકારોને અનેક પ્રશ્નો માટે મોટી અપેક્ષા છે.

હવે જોવું એ રહ્યું કે રાજ્ય અને કેન્દ્ર સરકાર સીરામીક ઉદ્યોગકારોની આશા અપેક્ષા પર ખરી ઉતરશે કે નહીં !!!

 

- text