આગામી સમયમાં રાજ્યભરની નગર પાલિકાઓમાં વાલ્મિકી આંદોલન કરાશે : મેવાણી

- text


મોરબીમાં જીગ્નેશ મેવાણીની જાહેર સભા : ૧૪ એપ્રિલ કે ૧ લી મેથી સફાઈ કર્મચારીઓના હક માટે આંદોલનની શરૂઆત : મોરબીમાં રવાપરરોડ જેવો દલિત એરિયાનો વિકાસ થાય તો ગુજરાતનો વિકાસ માનું : જીગ્નેશ મેવાણી

મોરબી : આજે મોરબીના મહેમાન બનેલા વડગામના ધારાસભ્ય અને દલિત આંદોલનકારી નેતા જીગ્નેશ મેવાણીએ દલિતો અને વાલ્મિકી સમાજના પ્રશ્ને તડાપીટ બોલાવી આગામી ૧૪ એપ્રિલ અથવા ૧ લી મેંના રોજ રાજ્યભરની નગરપાલિકાઓમાં આંદોલન છેડી વાલ્મિકી સમાજના પ્રશ્ને નિર્ણાયક લડત લડાશે.

વડગામના ધારાસભ્ય અને દલિત આંદોલનકારી નેતા જીગ્નેશ મેવાણીનું આજે મોરબીમાં સમસ્ત મોરબી જિલ્લા દલિત સમાજ દ્વારા જાહેરસભા અને સન્માન સમારોહનું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને ધારાસભ્ય જીગ્નેશ મેવાણીનું રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. તેમેજ મોરબી જિલ્લા  પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર મનોજ પનારાએ પણ સભામાં હાજરી આપી જીગ્નેશ મેવાણીનું સન્માન કર્યું હતું.

વધુમાં આ તકે જનમેદનીને સંબોધન કરતા ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ દલિત અને વાલ્મિકી સમાજના પ્રશ્ને લડત લડવાની જાહેરાત કરતા જણાવ્યું હતું કે ૧૪ એપ્રિલ અથવા ૧ લી મેં ગુજરાત સ્થપના દીને સમગ્ર રાજ્યમાં વાલ્મિકી સમાજના હિતમાં લડત છેડાશે જે અભૂતપૂર્વ હશે.

- text

વધુમાં ભાજપ ઉપર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે ભાજપ પાસે મનુ સ્મૃતિ છે અને આપણી પાસે બંધારણ છે, હું રાજકારણી માત્ર ૨ ટકા છું અને ૯૮ ટકા આંદોલનકારી છું માટે દલિત સમાજ અને વાલ્મિકી સમાજના પ્રશ્ને અસરકારક લડત ચલાવશું અને વિધાનસભાના આગામી સત્ર પહેલા જ સરકારને મારી લડતની અસરકારકતા જોવા મળશે. અને વિધાન સભામાં રાજકોટ અને મોરબીના પ્રશ્નો પણ ઉઠાવીશું. હું વડગામ એક નો ધારાસભ્ય નથી હું ધારાસભ્ય તરીકે ગુજરાત આખાના પ્રશ્નો ઉઠાવતો રહીશ.

દરમિયાન આંતકવાદી હાફિઝ સૈયદની ધરપકડનો મુદ્દો ઉછાળી જણાવ્યું હતું કે ૧૦૦ દિવસમાં આંતકીને પકડવાની જાહેરાત કરનાર છપન્નની છાતીવાળા ક્યાં ગયા ? વધુમાં હાફિઝ મુદ્દે જુદા જુદા ૧૨ રાજ્યોમાં જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી ઝુંબેશ ચલાવવામાં આવનાર હોવાનું જાહેર કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે કર્ણાટકમાં હેગડે દ્વારા દલિત સમાજની શ્વાન સાથે સરખામણી કરતા નિવેદનની આકરી ઝાટકણી પણ કાઢી હતી અને આ બાબતનો વિરોધ કર્યો હતો. મેવાણીએ ભાજપ સરકારની સાથે વડાપ્રધાન મોદી પર પોતાની આગવી શૈલીમાં પ્રહારો કર્યા હતા. અને મોદીને 2019માં ફરીથી પ્રધાનમંત્રી નહિ બનાવા દેવાનો હુંકાર કર્યો હતો. તેમેજ આ તકે ગુજરાત સરકારના વિકાસ મોડેલની હવા કાઢતા તેમને જણાવ્યું હતું કે મોરબીના રવાપર રોડનો જેવો વિકાસ છે તેવો વિકાસ જ્યારે દલિત વિસ્તારોમાં થશે ત્યારે સાચું વિકાસ મોડલ ગણાશે.

 

- text