ટંકારામાં એક જ રાત્રીના ત્રણ ત્રણ સ્થળે ચોરી કરી પોલીસને પડકાર ફેકતા તસ્કરો

- text


લક્ષ્મીનારાયણ નગરમાં બે બંધ મકાન અને અયોધ્યાપુરીમાં રામાપીર મંદિરને નિશાન બનાવતા તસ્કરો : ત્રણ તસ્કરો સીસી ટીવીમાં કેદ

ટંકારા : ટંકારામાં અઠવાડિયા પૂર્વે સરદાર નગરમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ કરનાર તસ્કરોએ ગતરાત્રીના એક સાથે ત્રણ – ત્રણ સ્થળે હાથ મારી રોકડ, ટીવી તથા દાગીના અને રામાપીર મંદિરને નિશાન બનાવી પોલીસને પડકાર ફેંક્યો છે.

જાણવા મળ્યા મુજબ ગતરાત્રીના ટંકારાના લક્ષ્મીનારાયણ નગરમાં તસ્કરો ત્રાટકયા હતા અને સાવડી ગામના રહીશ હાર્દિકભાઈ ખીમજીભાઈ ભેસદડીયાના બંધ મકાનને નિશાન બનાવી ઘરમાંથી રૂપિયા ૧૭૦૦૦ ની કિંમતનું ટીવી ઉઠાવી ગયા હતા, આશ્ચર્ય તો એ વાત નું છે કે આ અગાઉ તસ્કરો ગત મહિને ૧૦ તારીખે આજ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું.

ચોરીના બીજા બનાવમાં બાજુની શેરીમાં રહેતા અને મેઘપર ઝાલા ખાતે પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા ઝાલા જીતેન્દ્રસિંહ પ્રવિણસિંહ બહાર ગામ ગયા હોય તસ્કરોએ મકાનને નિશાન બનાવી રૂપિયા ૨૦૦૦૦ રોકડા અને ચાંદીના સિક્કા સહિતની ચીજવસ્તુઓ ઉઠાવી ગયા હતા.

- text

આ ઉપરાંત તસ્કરોએ બાદમાં અયોધ્યાપુરી વિસ્તારમાં આવેલ રામાપીર મંદિરમાં આવેલ દાનપેટી તોડી રોકડ રકમ ઉઠાવી ગયા હતા જેમાં અંદાજે ચારવર્ષથી એકત્રિત થયેલ દશથી પંદર હજાર જેટલી રોકડ હોવાનું જણાવાયું હતું.

ઉલ્લેખનીય છે કે ગઇકાલની ચોરીની આ ઘટનામાં આજુ બાજુમાં આવેલ સીસીટીવીમાં તસ્કરો કેદ થઈ ગયા હતા અને ચોરીની ઘટનાને અંજામ આપવા ત્રણ તસ્કરો આ કેમેરામાં કેદ થયા હોય પોલીસે સીસી ટીવી ફુટેજના આધારે તસ્કરોની ઓળખી કાઢવા તજવીજ હાથ ધરી છે.

- text