ટંકારા : ગરીબ બ્રાહ્મણની દિકરીને રંગેચંગે પરણાવતો પાટીદાર પરિવાર

- text


નાના ખીજડિયાના બારૈયા પરિવારે સતત ત્રીજા વર્ષે ગરીબ કુટુંબની દીકરીનું કન્યાદાન કર્યું

ટંકારા : આજે ભલે કલિયુગ ચાલતો હોય છતાં પણ માનવતા મરી પરવારી નથી લોકો એક મેકના સુખ-દુઃખના સાથીદાર બની માનવતા મહેકાવી રહ્યા છે ત્યારે ટંકારામાં આવો જ અજીબો-ગરીબ કિસ્સો બન્યો જેમાં દરિદ્ર બ્રાહ્મણ પરિવારની કોડભરી કન્યાને પાટીદાર અગ્રણીએ કન્યાદાન આપી રંગેચંગે ઝાકમઝોળ ભર્યો લગ્નપ્રસંગ ઉકેલ્યો હતો.

ટંકારાના નાના રામપર ગામે રહેતા ગોરદાદા જયંતીલાલ ગિરધારલાલ જાનીના ઘેર કોડભરી કન્યા મયુરીબેનના લગ્ન તો લેવાયા પરંતુ કર્મકાંડ અને ગોરપદુ કરતા જયંતિભાઈની ચિંતા વધી ગઈ કારણકે સત્યનારાયણ ભગવાનની કથાના એક ગરીબ બ્રાહ્મણ જેવા જયંતીદાદા લગ્નનો આટલો મોટો ખર્ચ કાઢવો કેમ તેની ચિંતા માં પડી ગયા પરંતુ ઈશ્વર બધાની ચિંતા કરે ! ગોરદાદાના ઘરે લગ્નપ્રસંગની જાણ ટંકારાના નાના ખીજડિયા ગામના પાટીદાર અગ્રણી ગણેશ મંડપ વાળા પ્રવીણભાઈ અને અરવિંદભાઈને થતા જ સમગ્ર લગ્નપ્રસંગનો ખર્ચ તેમણે ઉપાડી લીધો અને માંડવિયા બની મયુરીબેનનું કન્યાદાન પણ બારૈયા પરિવારે કર્યું.

- text

વધુમાં કોડભરી કન્યા મયુરીબેનને કે ગોરદાદા જયંતિભાઈને લગ્નપ્રસંગમાં જરાપણ ઉણપ ન રહે તેની ખાસ કાળજી રાખી અરવિંદભાઈ અને પ્રવીણભાઈ બારૈયાએ લાખેણા લગ્નના આયોજનને ટક્કર મારે તેવા મંડપ સજાવી હર્ષભેર બ્રાહ્મણ પરિવારનો પ્રસંગ ઉકેલી દીધો હતો.

ઉલ્લેખનીય છે કે બારૈયા પરિવાર છેલ્લા ત્રણ વર્ષથી ગરીબ દિકરીઓનું કન્યાદાન કરી પુણ્યનું કાર્ય કરી રહ્યા છે અને અરવિંદભાઈ બારૈયા તો ટંકારા લગ્નોત્સવ સમિતિના અધ્યક્ષ પણ છે અને સંકટ સમયે સમાજની મદદ માટે સદાય તત્પર રહે છે.

- text