મોરબી લાયન્સ કલબના જન્મથી બહેરા મૂંગા બાળકોને બોલતા કરવાનો પ્રોજેકટ વિશ્વકક્ષાએ પસંદ

- text


આગામી ૧૬ થી ૧૯ ડિસેમ્બરે કલકતા ખાતે યોજાનાર એરિયા કોરમમાં મોરબીનું નામ વિશ્વકક્ષાએ છવાઈ જશે.
મોરબી : લાયન્સ કલબ મોરબી અને લાયન્સ કલબ નજરબાગ મોરબી દ્વારા જન્મથી મુંગા- બહેરા બાળકોને બોલતા સાંભળવા કરવાના પ્રોજેકટને લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ દ્વારા વિશ્વકક્ષાએ પસંદ કરવામાં આવતા મોરબીનું નામ સમગ્ર વિશ્વમાં સેવા પ્રકલ્પ માટે ગુંજતું થયું છે.

મોરબી લાયન્સ કલબના સભ્ય અને સૌરાષ્ટ્ર કચ્છના વાઇસ ગવર્નર ચંદ્રકાંતભાઈ દફ્તરી દ્વારા છેલ્લા દોઢ વર્ષથી જન્મથી મુક બધીર બાળકોને બોલતા કરવા માટેના ૪૬૮ જેટલા બાળકોને કોકિલિયર ઈંપ્લાન્ટ સર્જરીના અતિ ખર્ચાળ સફળ ઓપરેશન કરાવવામાં આવ્યા છે. આ ઓપરેશન પાછળ અંદાજે ૧૦ થી ૧૨ લાખનો ખર્ચ થાય છે પરંતુ સુરેન્દ્રનગરની સી.યુ.શાહ હોસ્પિટલ આ ઓપરેશન વિનામૂલ્યે કરી આપી બાદમાં બે માસ સુધી સ્પીચ થેરાપી પણ ફ્રી માં કરી આપે છે.

- text

વિશ્વના ૨૧૪ દેશોમાં લાયન્સ કલબ ઇન્ટરનેશલ દ્વારા ચાલતા આવા સેવા કાર્યના પ્રોજેકટમાં કુલ ૧૨૪૧ જેટલા પ્રોજેકટ પસંદ કરવામાં આવ્યા હતા જેમાંથી ૫૬ દેશોના ૧૫ સર્વશ્રેષ્ઠ પ્રોજેકટમાં મોરબી લાયન્સ કલબના આ પ્રોજેકટને સ્થાન પ્રાપ્ત થયું છે અને આગામી ૧૬ થી ૧૯ ડિસેમ્બર દરમિયાન કલકતા ખાતે યોજાઈ રહેલા એરિયા ફોરમમાં આ પ્રોજેકટને સ્થાન મળ્યું છે.

ઉલ્લેખનીય છે કે સમગ્ર ગુજરાતમાંથી પ્રથમ વખત જ આ સેવા પ્રોજેક્ટ પસંદ થયો છે અને ભારત જ નહીં બલ્કે સમગ્ર વિશ્વમાં આ પ્રોજેકટ હાઇલાઇટ થઈ રહ્યો છે.

વધુમાં લાયન્સ ઇન્ટરનેશનલ દ્વારા આ પ્રોજેકટને આગળ ધપાવવા માટે સહાયરૂપ થવામાં આવશે .

જન્મથી બહેરા મૂંગા બાળકોને બોલતા સાંભળતા કરવાના આ પ્રોજેકટમાં ચન્દ્રકાંતભાઈ દફ્તરી, આર.એસ.મેવાડા, મગનભાઈ સંઘાણી, કેશુભાઈ દેત્રોજા તથા લાયન્સ કલબ મોરબી પરિવાર અને સૌરાષ્ટ્ર કચ્છ લાયન્સ પરિવાર ખુબજ જહેમત ઉઠાવી રહ્યો છે.

- text