મારી ટીકીટ મોહનભાઈ કુંડારીયાએ કપાવી : અરવિંદ બારૈયા

- text


ભાજપના યુવા નેતા અરવિંદ બારૈયાની ટીકીટ કપાતા હવે અપક્ષમાં લડવાની જાહેરાત કરી

મોરબી : ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં યોજાનાર ચૂંટણી માટે ગઈકાલે ભાજપની બીજી યાદી ડિકલેર થતા જ ૬૬-ટંકારા બેઠકમાં ભડકો થયો છે. આ બેઠકના પ્રબળ દાવેદાર ગણાતા યુવા ભાજપ અગ્રણીએ ખુલમ ખુલ્લા બંડ પોકારી પોતાની ટીકીટ કપાવવામાં સાંસદ મોહનભાઇ કુંડારીયાનો હાથ હોવાની ઓડિયો કલીપ વાઇરલ કરી અપક્ષ લડવા તૈયારી શરૂ કરી છે.

જાણવા મળ્યા મુજબ ગઈકાલે ભારતીય જનતા પક્ષ દ્વારા વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે વધુ ૩૬ ઉમેદવારોના નામ જાહેર કરી મોરબી જિલ્લાની ૬૬- ટંકારા બેઠક માટે જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારાનું નામ જાહેર કરવામાં આવતા જ ટંકારા બેઠક માટે દાવેદારી નોંધાવનાર યુવા ભાજપ અગ્રણી અરવિંદ બારૈયાએ નારાજગી વ્યક્ત કરી પોતાની ટીકીટ મોહનભાઇ કુંડારીયાએ કપાવી હોવાની ઓડિયો કલીપ વાઇરલ કરી હતી.

- text

આ અંગે અરવિંદ બારૈયાનો ટેલિફોનિક સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે મને કમલમમાંથી ટીકીટ ફાઇનલ હોવાનો ફોન પણ આવી ગયો હતો પરંતુ છેલ્લી ઘડીએ સાંસદ મોહનભાઇ કુંડારીયાએ મારી જગ્યાએ રાઘવજીભાઈ ગડારાનું નામ ફાઇનલ કરાવ્યું હતું.

વધુમાં અરવિંદ બારૈયાએ જણાવ્યું હતું કે કઈ વાંધો નહિ, મારી ટીકીટ ભલે કપાઈ મેં પાટીદારો અને અન્ય જ્ઞાતિના મતદારો સાથે સંપર્ક સાધી ભાજપના હિતમાં મહેનત કરી એનું મને આવું ફળ મળ્યું છે પરંતુ વાંધો નહિ હવે હું ટંકારા બેઠક ઉપરથી અપક્ષ લડી લઈશ.

આમ,ભાજપની બીજી યાદી જાહેર થતા જ મોરબી જિલ્લાની ટંકારા બેઠક ઉપર ભાજપમાં ભડકો થયો છે અને દાવેદાર અરવિંદ બારૈયાએ બગાવતના સુર છેડતા ટંકારા બેઠક ઉપર હવે ભાજપને કોંગ્રેસ, પાસની સાથો સાથ ભાજપના જ બાગી બનેલા યુવા નેતાના રોષનું ભોગ બનવું પડશે. જોકે સૂત્રોના જણાવ્યા મુજબ ભાજપનું મોવડી મંડળ અરવિંદને અપક્ષ ઉમેદવારી કરતા રોકી માનવી લેશે.

- text