મોરબીમાં સંકલ્પ નવરાત્રી મહોત્સવ – આર્મીના જવાનો અને સર્વધર્મની બાળાઓના હસ્તે ઉદઘાટન થશે

- text


દેશ ભક્તિના ગીતોથી ગરબાની શરૂઆત : બીજા નોરતે થી આર્મીના જવાનો માટે દિવાળીની શુભેચ્છાઓ પાઠવતા પત્રો લખવામાં આવશે

૧૦ વર્ષથી માંડીને ૭૫ વર્ષના વૃદ્ધાએ ફ્રી રજીસ્ટ્રેશન કરાવ્યું
મોરબીમાં દર વર્ષે ધૂમધામથી નવરાત્રીનો ઉત્સવ મનાવવામાં આવે છે. ત્યારે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા સંચાલીત સંકલ્પ નવરાત્રી મહોત્સવ છેલ્લા ૮ વર્ષથી મોરબીમાં સર્વધર્મ સમભાવની ભાવના સાથે જોરસોરથી નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે સંકલ્પ નવરાત્રી મહોત્સવ નવમાં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યું છે, આ સાથે મોરબીના લોકો માટે કઈક નવીન લઈને ફરી આયોજન કરવામાં આવ્યું છે.
આ વર્ષે આશરે ૧૮૦૦ થી ૨૦૦૦ સુધીની મહિલાઓએ ફ્રી રજીસ્ટ્રેશન કર્યું છે. જેમાં ૧૦ વર્ષની બાળાથી માંડીને ૭૫ વર્ષના વૃદ્ધાનો સમાવેશ થાય છે. આ સાથે નવરાત્રીના ગરબાનું આર્મીના જવાનો અને સર્વધર્મની બાળાઓના હસ્તે ઉદઘાટન કરવામાં આવશે. અને દેશ ભક્તિના ગીતો સાથે રાસગરબાની શરૂઆત કરવામાં આવશે. અહી આપણી સંસ્કૃતિની ઝાંખી જોવા મળે છે. અર્વાચીન ગરબા સાથે ખેલેયાઓ રાસ ની રમઝટ બોલાવશે. આ મહોત્સવમાં અર્વાચીન ગરબા રાસ, અઘોર નગારા, તાલીરાસ જેવા પ્રાચીન ગરબા સાથે રાસોત્સવની ખેલૈયાઓ મજા માણશે.
બીજા નોરતે એક બોક્સ રાખવામાં આવશે. જેમાં દેશની રક્ષા માટે સરહદ પર ફરજ બજાવતા આર્મીના જવાનો માટે દિવાળીની શુભેચ્છાઓ પાઠવતા પત્ર લખીને તે બોક્સમાં નાખવામાં આવશે. બાદમાં આ પત્રોનું મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપ કલેકશન કરી આર્મીના જવાનો સુધી પહોચાડવાનું અભિયાન હાથ ધરશે.
યંગ ઇન્ડિયા ગ્રુપના સંસ્થાપક દેવેનભાઈ રબારી વધુમાં જણાવે છેકે, આ મહોત્સવમાં સ્લમ વિસ્તારની સરકારી શાળાની બાળાઓ અને પછાત વિસ્તારોની બાળાઓને અહી ગરબા રમવા માટે લઇ આવવામાં આવશે, જેથી આ નિર્દોષ બાળાઓ અર્વાચીન ગરબા પર રાસોત્સવ કરશે. સંકલ્પ નવરાત્રી મહોત્સવ મોરબીમાં એક માત્ર મહોત્સવ છે. જેમાં સર્વધર્મ સમભાવ સાથે તમામખેલૈયાઓ કોઈ પણ જાતના ભેદભાવ વિના ગરબા રમે છે. આ મહોત્સવનો હેતુ માત્ર એટલો છેકે, કોઈ સ્વાર્થ વિના મોરબીની સર્વજ્ઞાતિના લોકો નવરાત્રીના ઉત્સવને મન ભરીને માણી શકે.

- text

- text