મોરબી : વૃદ્ધ દંપતી અશક્ત છતાં શ્રદ્ધાબળ સાથે 15 વર્ષથી કરે છે આશાપુરમાતાની પદયાત્રા

- text


અનેક યુવાનો પદયાત્રા દરમિયાન સેવા કેમ્પોમાં મેડિકલ સેવા કેમ્પનો લાભ લે છે, પરંતુ વૃદ્ધ દંપતીએ ક્યારેય મેડિકલ સેવાનો લાભ લીધો નથી.

મોરબી : કહેવાય છેકે, દેવી દેવતાઓ પ્રત્યે અડગ શ્રદ્ધા વિશ્વાસ હોય તો દરેક માણસ માટે અશક્ય લાગતું કામ પણ શક્ય બની જાય છે. ખાસ કરીને વૃદ્ધોને 80 વર્ષની વય વટાવી ચૂકેલા વૃદ્ધ દંપતી અશક્ય હોવા છતાં એક બે નહિ પણ પુરા 15 વર્ષથી 350 કીમીથી વધુ લાંબા અંતરની કષ્ટદાયક માં આશાપુરાની પદયાત્રા કરીને માતાની ભક્તિભાવ પૂર્વક આરાધના કરે છે. જોકે ઘણા યુવાનો કડેધડે હોવા છતાં પણ પદયાત્રા દરમિયાન સેવા કેમ્પોમાં મેડિકલ સેવાનો લાભ લ્યે છે. પરંતુ આ વૃદ્ધ દંપતીએ 15 વર્ષની પદયાત્રા દરમ્યાન ક્યારેય મેડિકલ સેવાનો લાભ લીધો નથી.
મોરબીના સામાકાંઠે આવેલા ત્રાજપર ખારી વિસ્તારમાં યોગીનગરમાં રહેતા વ્યાસ દિલીપભાઈ રતિલાલ વ્યાસ (ઉ.વ.83) તેમના પત્ની રુક્ષ્મણીબેન દિલીપભાઈ વ્યાસ (ઉ.વ.73) આશાપુરા ,માતા પ્રત્યે અપાર શ્રદ્ધા ધરાવે છે. મૂળ ધાંગધ્રાના વતની અને હાલ નિવૃત જીવન ગાળતા દિલીપભાઈ વ્યાસ ધો. 1 થી 9 સુધીનું મુંબઈમાં શિક્ષણ લીધું હતું. ત્યારબાદ તેઓ ધંધા અર્થે અહીં વસવાટ કરી 35 વર્ષથી માળિયામાં મીઠાના અગરમાં નોકરી કરી હતી.તેમને જીગ્નેશભાઈ વ્યાસ અને જગદીશભાઈ વ્યાસ એમ બે પુત્રો છે. આ વૃદ્ધ દંપતીને જગત જનની માતા આશાપુરા પ્રત્યે અપાર શ્રદ્ધા વિશ્વાસ હોવાથી તેમના માટે કપરી લાગતી આશાપુરા માતાની પદયાત્રા શ્રદ્ધાબળથી શક્ય બની છે. આ વૃદ્ધ દંપતી છેલ્લા 15 વર્ષથી આશાપુરા માતાની પદયાત્રા કરે છે. દરવર્ષની જેમ આ વર્ષે પણ તેઓ તા.11 સોમવારથી મોરબીથી સમગ્ર પરિવારને મળીને પદયાત્રા શરુ કરશે. મોરબીથી કચ્છ માતાનું મંદિર 350 કીમીથી વધારે અંતરે આવેલું છે. તેમ છતાં હૈયામાં હામ રાખીને વૃદ્ધ દંપતી અનેક કષ્ટો વેઠીને દરવર્ષે નવરાત્રી દરમિયાન પગપાળા માતાના દરબારમાં પહોંચે છે. આ અંગે દિલીપભાઈ વ્યાસ કહે છેકે, હું અને મારી પત્ની 15 વર્ષથી દરવર્ષે નવરાત્રી પહેલા આશાપુરા માતાના પદયાત્રાનો આરંભ કરીએ છીએ.અને દરરોજ 35 થી 40 કિમીનું અંતર કાપી છીએ. મોટાભાગે સાંજ અને વહેલી સવારે ચાલે છે.તેમજ તડકામાં આરામ કરે છે. પદયાત્રા દરમિયાન અનેક શારીરિક તકલીફો પડે છે. અને ઘણો થાક પણ લાગે છે, પરંતુ માતા પ્રત્યે અતૂટ શ્રદ્ધાને કારણે આ થાક અને તકલીફોની મન પાર જરા પણ અસર થતી નથી. શ્રદ્ધાને કારણે ચાલવામાં હિંમત અને જુસ્સો વધે છે. મોટાભાગે પદયાત્રામાં જોડાતા યુવાનો પણ થાકી જાય છે. અને માનતા રાખી હોય તેવા લોકો પણ પીડાથી થાકીને વાહનમાં બેસી જાય છે. ઘણા યુવાનો પણ સેવા કેમ્પોમાં મેડિકલ સેવાનો લાભ લે છે પરંતુ આ વૃદ્ધ દંપતીની શ્રદ્ધાને કારણે હિંમત એવી વાસી ગઈ છેકે તેઓ ક્યારેય કોઈ મેડિકલ સેવાનો લાભ લેતા નથી. મોટાભાગે તેઓ પદયાત્રા દરમિયાન સાદો ખોરાક જ લ્યે છે. આ વૃદ્ધ દંપતીની પગપાળા યાત્રા કરવાની હિંમત જોઈને સોસાયટીમાંથી દર વખતે કોઈને કોઈ વ્યક્તિ તેમની સાથે યાત્રામાં જોડાય છે. દિલીપભાઈ વ્યાસ વધુમાં જણાવે છે કે, હમણાંથી તબિયત નાદુરસ્ત રહે છે, પરંતુ માતા પ્રત્યે શ્રદ્ધા એટલી અપાર છેકે તબિયતને ગણકાર્યા વગર પગપાળા યાત્રા કરીશ અને જયાં સુધી જીવતા રહીશુ ત્યાં સુધી આ રીતે માતાની આરાધના કરીશું.

- text

- text