મોરબી : ૨૦ જુલાઈથી નગરપાલિકાના કર્મચારીઓ અચોક્ક્સ મુદતની હડતાલ પર

- text


મોરબી : સાતમા પગારપંચની માંગ સાથે લડત ચલાવી રહેલા મોરબી નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા આગામી ૨૦ જુલાઈથી અચોક્કસ મુદ્દતની હડતાલ પર જવા નિર્ણય કર્યો છે અને આવતીકાલે આ મામલે બાટવા ખાતે સૌરાષ્ટ્ર ઝોનની 30 નગર પાલિકાના કર્મચારી આગેવાનોની બેઠક યોજવામાં આવી છે.

રાજ્ય નગરપાલિકા કર્મચારી મહામંડળના ઉપપ્રમુખ એવા મોરબી નગરપાલિકાના નરેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા શિક્ષકો અને પાણી પુરવઠા બોર્ડના કર્મચારીઓને સાતમા પગારપંચનો લાભ આપી દીધો છે પરંતુ નગરપાલિકાના કર્મચારીઓની માંગણી સ્વીકારવાને બદલે ઉલટું નગરપાલિકાના કર્મચારીઓની અગાઉની ત્રણ દિવસ ની હડતાલ બાદ અમારા અવાજને દબાવી દેવા માટે સરકારે નગરપાલિકાની પાણી, ગટર વ્યવસ્થાની સેવાઓ આવશ્યક સેવા હેઠળ લઇ આ સેવા ખોરવાય તો પાલિકાના સત્તાધીશોને પગલાં લેવા માટે ખાસ પરિપત્ર કર્યો છે. ૨૦ જુલાઈથી નગરપાલિકાના કર્મચારીઓ સાતમું પગારપંચ ન મળે ત્યાં સુધી અચોક્કસ મુદતની હડતાલ પર જવા નક્કી કર્યું છે આ માટે આવતીકાલે બાટવા ખાતે સૌરાષ્ટ્ર ઝોનની 30 નગરપાલિકાના કર્મચારી આગેવાનોની બેઠક મળનાર છે જેમાં અનેક મહત્વની બાબતોને લઈ ચર્ચા વિચારણા કરવામાં આવશે. નગરપાલિકાની સેવાઓ આવશ્યક સેવા હેઠળ લે કે ન લે પાલિકાના કર્મચારીઓને કદાચ જેલમાં પુરવામાં આવશે તો પણ સાતમા પગારપંચને લઇ અમારી આ લડત ચાલુ જ રહેશે.⁠⁠⁠⁠

- text

હડતાળના પગલે લાઈટ,પાણી અને સફાઈ સહિતની સેવાઓને આવસ્યક સેવા જાહેર કરતી સરકાર

રાજ્ય સરકાર દ્વારા સાતમા પગાર પંચ મૂદે લડત ચલાવી રહેલા કર્મચારીઓ પર નિયંત્રણ લાવવા આજે તાકીદની અસર થી ખાસ પરિપત્ર રુપી જાહેરનામું અમલી બનાવી નગરપાલિકાની લાઈટ,પાણી,સફાઈ,ફાયર બ્રિગેડ સહિતની સેવાઓને આવસ્યક સેવા જાહેર કરી આવી સેવા ખોરવાઈ તો આવસ્યક સેવાનો ભંગ ગણી પગલાં ભરવા હુકમ કરી નિયામક નગરપાલિકા માંરફતે આ નવા નિયમને અમલી બનાવ્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ રાજ્યના શહેરી વિકાસ વિભાગના નાયબ સચિવ સ્મિતા શાહ દ્વારા રાજ્યની તમામ નગરપાલિકાઓ માટે ખાસ પરિપત્રરૂપી જાહેરનામું બહાર પાડી નગર પાલિકાની સફાઈ,ગટરવ્યવસ્થા, લાઈટ,પાણી અને ફાયર સર્વિસ ને ગુજરાત રાજ્યના 1972ના આવાસ્યક સેવા ધારાની કલમ 23 હેઠળ સમાવી લેતો હુકમ જારી કર્યો છે આ હુકમને પગલે નગરપાલિકા ના કર્મચારીઓ ઉપરોક્ત આવસ્યક સેવાઓ ખોરવી નહિ શકે અને જો આવી સેવા ખોરવવા પ્રયાસ કરે તો નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર કાયદેસરના પગલાં ભરવા માટેના પાવર્સ આપવામાં આવ્યા છે. દરમિયાન શહેરી વિકાસ વિભાગના આ જાહેરનામાનો તમામ નગરપાલિકામાં તાકીદે અમલ કરાવવા માટે નગરપાલિકા નિયામક દ્વારા તમામ પાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખ ને મોકલી આપવામાં આવ્યો છે. સરકારના આ પરિપત્ર અંગે મોરબી નગરપાલિકાના કર્મચારી અને રાજ્ય નગરપાલિકા કર્મચારી મહા મંડળના ઉપપ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે સરકાર અમારી સાતમા પગાર પંચ ની લડત ને કચડવા માટે જ આ પરિપત્ર અમલી કર્યો છે પરન્તુ આવા પરિપત્રથી અમારી લડતને કોઈ ફર્ક નહિ પડે સરકાર ને જે કરવું હોય તે કરે અમારી આ લડત ચાલુ જ રહેશે.

 

- text