હળવદ સ્વયંભુ બંધ : પોલીસ કાફલો તૈનાત : શાળા-બજારો બંધ : નેટબંધી સાંજના ૬ વાગ્યા સુધી લંબાવાઈ

મોરબી જિલ્લાનાં હળવદ ગામમાં ગઈકાલે બનેલા જૂથ અથડામણનાં બનાવ પછી આ અંગે અન્ય કોઈ ઘટના બન્યાનાં સામચાર હાલ સુધી નથી. મોરબી જિલ્લામાં શાંતિ અને સલામતી જળવાઈ રહે તે માટે પોલીસ અધિકારીઓનું પેટ્રોલિંગ અને પ્રયત્નો સતત ચાલુ છે. હળવદ સહિત સમગ્ર મોરબી જિલ્લામાં એસપી સહિત પોલીસ અધિકારીઓએ જડબેસલાટ બંદોબસ્ત ગોઠવી કોઈપણ પ્રકારનાં અનીચ્છનીય બનાવ ન માટે તે માટે સુરક્ષા વધારી આપી છે. શાંતિ અને સલામતિનાં ભાગસ્વરૂપે મોરબી જિલ્લામાં લગાવવામાં આવેલી નેટબંધી આજે શુક્રવારે ૧૨ વાગ્યા સુધી હતી જે લંબાવીને ૬ વાગ્યા સુધી કરવામાં આવી છે. આ ઉપરાંત સમગ્ર મોરબી જિલ્લામાં ૧૪૪ કલમ લગાવી ચારથી વધુ લોકોને ભેગા થવા મનાઈ ફરમાવવામાં આવી છે.જયારે ઘટનાના બીજા દિવસે આજે આજે હળવદમાં સ્વયંભૂ બંધ જોવા મળ્યો છે. બજારોની સાથે હળવદની શાળા કોલેજો પણ બંધ રહી હતી. જોકે હવે હળવદ સહિતના વિસ્તારોમાં સ્થિતિ સામાન્ય થઇ રહી છે.

હળવદ જૂથ અથડામણ હિંસા મામલે પોલીસે રામાભાઈ રેવાભાઈ ભરવાડ ઉ.વ. ૩૨ની ફરિયાદ પરથી પોલીસે ૪૦થી ૫૦ અજાણ્યા લોકોનાં ટોળા વિરુદ્ધ તિક્ષ્ણ હથિયાર, પાઈપ, ધોકા, પિસ્તોલ જેવા હથિયારો વડે હુમલો કરી રાણાભાઈ ભાલુભાઈ ભરવાડની હત્યા કરી તેમજ રામભાઈ રેવાભાઈ ભરવાડ, નારણભાઇ ગેલાભાઇ ભરવાડ, ખેતાભાઈ નાગજીભાઈ ભરવાડ અને વાલાભાઇ નાગજીભાઈ ભરવાડને ઇજા તેમજ 25થી વધુ વાહનોમાં તોડફોડ અને આગજની કર્યાની પોલીસે ફરિયાદ નોંધી છે. પોલીસે હાલ અજાણ્યા ટોળા સામે રાયોટીંગ, હત્યા અને મારામારીનો ગુન્હો નોંધી સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલા વિડીયો અને ફોટાને આધારે આરોપીને પકડવાની તજવીજ હાથ ધરી છે. જૂથ અથડામણ સમયે હાજર રહેલા વાહનોની નંબર પ્લેટ પરથી પણ આરોપીને ઓળખવાના પ્રયાસો શરુ થઈ ચૂક્યા છે.

જયારે હળવદ જૂથ અથડામણમાં મૃત્યુ પામેલા રાણાભાઈ ભલુભાઈ ભરવાડની ડેથ બોડી પીએમ માટે મોરબી લાવવામાં આવી છે.જ્યાં હોસ્પિટલે એસપી સહિતના પોલીસ કાફલાના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે પીએમ કરવામાં આવ્યું હતું. આજે બપોર બાદ તેમની અંતિમ યાત્રા ગોલાસણ ગામમાંથી નીકળશે. જેમાં પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. સાથોસાથ મોરબી પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ અને કલેકટરશ્રી પટેલે લોકોને અફવાઓ પર ધ્યાન ન દેવા અને શાંતિ જાળવવા અપીલ કરી છે.

હળવદ જૂથ અથડામણથી સમગ્ર મોરબી જિલ્લામાં અજંપાભરી સ્થિતિ છે ત્યારે ખાસ આઈજી તરીકે અજયકુમાર ચૌધરીની નિમણુક કરવામાં આવી છે. જેઓ હળવદ જૂથ અથડામણનાં જ્ઞાતિનાં આગેવાનો અને ગામનાં લોકો વચ્ચે વાતચીત કરી શાંતિ જાળવાના પ્રયાસોમાં કરવામાં આવી રહ્યા છે.

ટંકારા : પોલીસ દ્વારા અનિચ્છનીય બનાવ ન બને તે માટે સઘન પ્રયાસ
ગત સાંજથી જ હળવદ તોફાનનાં પગલે ટંકારા, લતીપર અને ખીજડિયા ચોકડી બંધ કરાવવામાં આવી હતી. આખી રાત ભરવાડ સમાજ જાગી અને એકઠા થયા હતા જોકે ટંકારા તાલુકામાં શાંતિનું વાતાવરણ હતુ. ટંકારામા કોઈ અનિચ્છનીય બનાવ ન બને માટે પોલીસે દ્વારા ગત સાંજે ચોકડીની તમામ દુકાનો બધ કરી ટોળા ભેગા ન થાય માટે ફોજદાર ગોસ્વામીબેને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો અને આખી રાત સતત પેટ્રોલિંગ કરવામા આવ્યું હતું. હળવદ બનાવને પગલે ભરવાડ સમાજ દેરીનાકા પાસે એકઠા થયા હતા જેને પણ ભેગા ન થવા આદેશ કર્યો હતો⁠.⁠⁠⁠

મોરબી અપડેટ દ્વારા મોરબી જિલ્લાવાસીઓને શાંતિ જાળવવા અપીલ
શાંતિપ્રિય અને વિકાસશીલ જિલ્લામાં ગણતરી થતા મોરબી જિલ્લાનાં હળવદ ગામમાં ગત સાંજનાં બે જૂથ વચ્ચે અથડામણની ઘટના બની હતી. જેમાં એક વ્યક્તિનું મૃત્યુ અને અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આટલું જ નહીં પરંતુ જોતજોતામાં આ સ્થિતિ એટલી હદે વણસી ગઈ હતી કે હળવદની ઘટનાથી સમગ્ર મોરબી જિલ્લાની શાંતિ અને સલામતી ડહોળાઈ ગઈ હતી. જેમાં સમગ્ર મોરબી જિલ્લા સહિત સામાન્ય, નિર્દોષ લોકોને હેરાન થવું પડ્યું હતું ત્યારે મોરબી અપડેટ મોરબી જિલ્લાનાં તમામ લોકોને શાંતિ, સલામતિ અને ભાઈચારો રાખવાની અપીલ સાથે મોરબી જિલ્લાવાસીઓની પ્રેમભાવ, સેવા, કરુણા અને દયાની વિચારધારાને વ્યવહારમાં મૂકવા અરજ કરે છે અને મોરબી જિલ્લાવાસીઓ સ્વયં શિસ્ત, શાંતિ અને સલામતિ દાખવી અફવાઓ, આક્રોશોથી ખુદ બચે અને અન્યોને અને બચાવે તેવી મોરબી અપડેટ અપીલ કરે છે.

હળવદ બંધ