હુડીયાવારા આયવા અને અમને બચાવી લીધા નહીંતર અમે બધાય તો મરી ગ્યા હોત : ટંકારા પૂર અસરગ્રસ્તોની આપવીતી

- text


ટંકારા : “ભાઇસાબ ખરા સમયે જ સરકારના હુડીયાવારા આયવા અને બચાવી લીધા નહીંતર અમે બધાય તો મરી ગ્યા હોત” એમ જણાંવતા મોરબી જિલ્લાના ટંકારાના લક્ષ્મીનગર વિસ્તારમાં રહેતા અને મજુરી કામ કરતા વિજયભાઇ ભારમલ આજે પણ એ ગોઝારી રાતને યાદ કરી ભયથી કાંપી ઉઠે છે.

વાત છે ૧ લી જુલાઇની જયારે મોરબી જિલ્લાના ટંકારા, વાંકાનેર, મોરબી તાલુકામાં ભારે વરસાદને કારણે નિચાણવાળા વિસ્તારમાં પુર જેવી પરિસ્થિતી સર્જાઇ હતી. તા.૧-૭-૧૭ના રોજ સવારના સાત વાગ્યાથી બપોરના બે વાગ્યા દરમિયાન ટંકારા તાલુકામાં ૨૮૦ એમએમ, વાંકાનેરમાં ૧૬૨, મોરબીમાં ૧૪૧, હળવદમાં ૧૨૧ અને માળિયા તાલુકામાં ૪૫ એમએમ વરસાદ પડ્યો હતો. ખાસ કરીને ટંકારા તાલુકામાં ૧૧ ઇચ વરસાદ પડવાના કારણે અતિવૃષ્ટિની સ્થિતિ ઉદ્દભવી હતી. ટંકારા તાલુકાના ખાખરા તથા લક્ષ્મીનગરના ઝૂંપડા વિસ્તારમાં ભારે પાણી ભરાઇ ગયા હતા. આ બાબતની જાણકારી મળતાં જ ત્યાંથી લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરી દેવામાં આવી હતી. મોરબી જિલ્લામાં પાણીમાં ફસાયેલી કુલ ૧૯ વ્યક્તિને એનડીઆરએફ તથા મોરબી-રાજકોટની ફાયર બ્રિગેડની ટીમો દ્વારા બચાવી લેવામાં આવી હતી. માત્ર એટલું જ નહીં મોરબી જિલ્લામાં આવા અસરગ્રસ્ત કુલ ૧૫૨૯ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. જેમાં ટંકારા તાલુકામાં ૧૫૦ પરિવારોના ૭૦૦ લોકો, વાંકાનેર તાલુકાના ૫૫ પરિવારોના ૨૫૦ લોકો, મોરબી તાલુકાના આમરણ, ધૂળકોટ અને બેલા ગામના ૫૭૯ લોકોને તાત્કાલીક સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા અને ત્યાં તેમના માટે ભોજનની અને તાત્કાલીક મેડીકલ સારવારની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.
ટંકારા ગામના લક્ષ્મીનગર વિસ્તારમાં ઝુંપડામાં રહેતા પરિવારના કુલ ૧૧ લોકોને પાણીમાં ફસાઇ જતાં તત્કાળ બચાવ રાહતની કામગીરી કરી બચાવી લેવાઇ હતી આજે પણ આ પરિવારોના લોકોને એ ગોઝારી ઘટનાની યાદ આવતાં ભયનું લખલખું ફરી વળે છે. પાણીમાં તેઓની તમામ ઘરવખરી અને અનાજ પણ ડુબી જતાં નકામા બની ગયા છે. આ ઘટનાના સાક્ષી અને બચાવકામમાં સહભાગી બનેલા સેવાભાવી બિપીનભાઇ પ્રજાપતિ સમગ્ર ઘટનાક્રમને વર્ણવતા જણાવે છે કે, ટંકારામાં સાંબેલાધાર વરસાદને કારણે નીચાણવાળા વસ્તારોમાં પાણી ભરાઇ જતાં અનેક લોકો ફસાઇ ગયા હતા. જે પૈકી લક્ષ્મીનગર વિસ્તારમાં રહેતા ૧૧ લોકો જેમાં નાના-નાના ભૂંલકાઓ પણ સામેલ હતા તેઓ વિકટ પરસ્થિતીમાં હોવાની જાણ થતાં તેઓ તુરત જ ત્યાં દોડી ગયા હતા. પરિસ્થિતીનો તાગ મેળવી તેઓએ તુંરત જ આ બાબતે જિલ્લા કલેકટરશ્રી આઇ. કે. પટેલને જણાવતા તેઓએ સ્તવરે જિલ્લા વહિવટી તંત્રના સ્ટાફ અને મોરબી ખાતે મોકડ્રીલ માટે આવેલ એન.ડી.આર.એફ.ની ટીમને બચાવ અને રાહતના સાધનો સાથે ઘટના સ્થળે મોકલી આપી હતી. નીચે પાણી અને ઉપર આભ એવી વિકટ પરિસ્થિતીમાં ઝુંપડાઓની છત પર બચાવની આશાની મીટ માંડીને બેઠેલા અસરગ્રસ્ત લોકોને તેઓએ પળવારનો પણ વિલંબ કર્યા વગર બચાવી સલામત સ્થળે મોકલી આપ્યા હતા.
આ દુર્ઘટનામાં બચી જનાર પત્ની અને ચાર સંતાનોનો પરિવાર ધરાવતા રોજનું રોજ મજુરી કરી પેટીયું રળતાં વિજયભાઇ ભારમલ રાજય સરકાર અને ખાસતો મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીનો આભાર માનતા કહે છે કે, પહેલા વરસાદ શરૂ થયો એટલે અમે ખુબ જ ખુશ થયા હતા. પછી ધીમે-ધીમે વરસાદનું પાણી અમારા ઝુંપડામાં ભરાવા લાગ્યું અને પાણીની સપાટી ખુબ જ વધી ગઇ હતી. એટલે હું, મારા ચાર બાળકો અને મારી ૫ત્ની ઝુંપડાની ઉપર ચડી ગયા હતા. અમે બચાવો બચાવોને ખુબ જ રાડો પાડી કોઇ નો આવ્યું પછી ક્યાંકથી ખરાસમયે જ સરકારી હુડીયા વારા આવ્યા અને અમને બચાવી લીધા નહીંતર અમે બચી શક્યા ન હોત. સરકાર અમારા જેવા નાના માણસોનું પણ ધ્યાન રાખે છે તે જાણીને અમને ખુબ જ આનંદ થયો. ભગવાનનો અને સરકારનો ખુબ આભાર.
મોતને વેંત છેટું ભાળી ગયેલા કુકાભાઇ જેરામભાઇ કહે છે કે ગળાડુબ પાણીમાં જો વખતસર બચાવ ટીમે આવીને અમારા કુટુંબને બચાવ્યા ન હોત તો અમે સૌ પાણીમાં ડુબી ગયા હોત…….કેમકે જેરીતે પાણી ફરી વળ્યું હતું બચાવના આધુનિક સાધનો સિવાય બચાવ મુશ્કેલ હતો. સરકારની અને ખાસ કરીને એનડીઆરએફનોતેઓ જીવ બચાવવા બદલ ઋણ સ્વિકાર કરે છે.
આવા જ એક અન્ય અસરગ્રસ્ત મનુબેન પાણી ભરાઇ જતાં ઉભી થયેલી મોતના તાંડવ જેવી પરિસ્થિતીને યાદ કરતાં જણાવે છે કે, પાણીની સપાટી ખુબ જ વધતાં વરસાદનું પાણી અમારા ઝુંપડામાં ભરાવા લાગ્યું હતું બચાવનો કોઇ ઉપાય ન મળતાં અમે એટલે કે હું, મારા બાળકો અને મારા ૫તિ ઝુંપડાની છત પર ઉપર ચડી ગયા હતા. બચાવ માટે ભગવાનને પાર્થના કરતા હતાં ત્યાંજ સરકારની બચાવ ટીમો હોડી રસ્સા અને અન્ય સાધનો લઇને અમારી વ્હારે આવી ચડી અને અમને બધાને બચાવી લીધા માત્ર એટલું જ નહીં અમને સલામત જગ્યાએ લઇ જઇને મને અને મારા બાળકોને ગરમ નાસ્તો, જમવાનું, કપડા, દવા આપી તેમજ અમારૂં ખુબ જ ધ્યાન રાખ્યું. અમારા જીવમાં જીવ આવ્યો અને થયું કે માનવતા હજી મરી પરવારી નથી સરકારે અમારી વિકટ પરીસ્થિતીમાં આટલી દરકાર લીધી એ માટે સરકારનો આભાર માનીએ તેટલો ઓછો છે.
છ માણસો ના કુટુંબના મોભી એવા ૭૦ વર્ષના કાનાભાઇ લુહારીયા કહે છે કે અમે તો ગરીબ માણસો છીએ રોજની લુહારીકામની છુટક મજૂર પર નભીએ છીએ તેઓ વેરવીખેર ઘરવખરી બતાવતાં કહે છે કે ફરી વળેલા પાણીમાં મોતનું તાંડવ જોઇ અમે સૌ કોઇ હિંમત હારી ગયેલા પણ સરકાર દ્વારા મોકલાવેલી ત્વરીત બચાવ અને રાહતની ટીમે અમને સૌ કોઇને બચાવી લીધા માટે રાજય સરકાર અને બચાવવાવાળા સૌ કોઇનો ખુબ ખુબ આભાર.
સરકાર અને વહિવટી તંત્ર તો ફરજ બજાવે છે પણ સમાજમાં રહેતા બીપીનભાઇ પ્રજાપતિ જાગૃત નાગરીકોને કારણે આવા કપરા સમયની કામગીરી પણ આસાન બનાવી જાય છે તેમ જણાવતાં ટંકારા ખાતે લાયઝન અધિકારી અને ડે. કલેટકર રેખાબા સરવૈયા કહે છે કે આવી કુદરતી હોનારતોમાં વહિવટી તંત્ર તો તેની કામગીરી સુપેરે બજાવે જ છે પરંતુ જાગૃત અને સેવાભાવી નાગરીક બિપીનભાઇએ સમયસર પહોંચી પરિસ્થિતીનો તાગ મેળવી સ્તવરે વહિવજ્ટી તંત્રને જાણ કરી એટલે બચાવની કામગીરી સંભવ અને આસાન બની તેમજ જાનમાલનું નુકશાન બચાવી શકાયું. વધુમાં તેઓ જણાવે છે કે મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં સાંબેલાધાર વરસાદ વરસતા અતિવૃષ્ટી તથા પૂરનો માહોલ સર્જાયો હતો. જેને કારણે નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા આશરે ૨૦૦ થી ૩૦૦ જેટલા લોકોની જીંદગી ભયસ્થાનમાં મુકાઇ હતી. આવા સંજોગોમાં સ્થાનિકોની મદદ લઇને ઉમીયાનગર તથા લક્ષ્મીનગર વિસ્તારના લોકોની મદદથી સમયસર મદદ પહોંચાડી શક્યા હતા. તદઉપરાંત, NDRF –રાજકોટ તથા મોરબીની ટીમની સૌથી અગત્યની મદદ મળી રહેતા જાનમાલનું કોઇ જોખમ થયું ન હતું પરંતુ ૩૫ જેટલા પશુઓના મૃત્યુ બદલ અસરગ્રસ્તોને પશુ સહાય પૈકી અંદાજીત રકમ રૂ ૩,૮૪,૦૦૦/- ની તેમને સહાય કરવામાં આવી છે.તેમજ તંત્ર દ્વારા કેશ ડોલ્સનુ વિતરણ કરવામાં આવ્યું હતું. આ વિસ્તારમાં રોગચાળો ના ફેલાય તે હેતુસર મેડીકલની ટીમો દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.
આ બચાવ કાર્યમાં સહભાગી એવા ટંકારાના નાયબ મામલતદારશ્રી પી.આર.ગંભિર બચાવ કામગરીની અને રાજય સરકારના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગની મહત્તા વર્ણવતા કે છે કે ત્વરીત આધુનિક બચાવના સાધનો સાથેની ટીમને કારણે આ સૌ કોઇ અસરગ્રસતોને બચાવી શકાયા છે. જે પ્રમાણે પાણીનો પ્રવાહ તેઓના રહેઠાણ આસાપાસ ફરી વળ્યો હતો. તે જોતા સમાન્ય સંજોગોમાં આધુનિક સાધનો સાથે તાલિમબધ્ધ NDRF –રાજકોટના જવાનો વગર બચાવ મુશ્કેલ હતો. એમાંય ખાસ કરીને મોરબીના રહેવાસી એવા ત્રણ વ્યકતીઓ રમેશભાઇ વસીયાણી, દલપતભાઇ જેરામભાઇ અને રાજેશભાઇ બાવરવા ખાખરા ગામ પાસે મારૂતીમાં મુસાફરી કરતા હતા અને કારમાં પાણી ભરાઇ જવાથી બચાવ અર્થે બાવળના ઝાડ અને થાંભલાના સહારે કાંઠાથી ૨૦૦ થી ૩૦૦ મીટરની દુરી પર જીંદગી બચાવવા મથી રહયા હતાં. ખાખરાના સરપંચ દ્વારા તંત્રને જાણ થતાં જ સત્વરે બચાવની ટીમને જાણ કરી હતી. પણ એક દોઢ કલાકથી જીંદગી બચાવવા મથામણ કરી રહેલા આ લોકો કુદરતની આફત સામે બાથ ભીડી થાકી ગયેલા હતા. આથી તેઓએ સ્થાનિક લોકોની અને બીપીનભાઇ જેવા સેવાભાવી લોકોની મદદથી માનવ સાંકળ રચી તે તમામને બચાવવામાં સફળતા મેળવી હતી.
ભૂતકાળમાં કચ્છમાં ભૂકંપ અને અન્ય કુદરતી આફતો બાદ સરકાર દ્વારા વિશેષરૂપે શરૂ કરાયેલા ડીઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ અને વહિવટી તંત્રની આગોતરી આયોજનનિતિએ મોરબી જિલ્લાના ટંકારા જેવી અનેક આપાતકાલિન પરિસ્થિતઓમાં મહત્વપુર્ણ કામગીરી કરી રાજય સરકારની સઘન ડિઝાસ્ટર મેનેજનેન્ટ નિતિને સાર્થક અને અગત્યની પુરવાર કરી છે. ઉલ્લેખનીય છે કે દર વર્ષે પ્રત્યેક જિલ્લામાં જિલ્લા વહિવટી તંત્ર દ્વારા ગ્રામ્ય કક્ષા સુધી માઇક્રો પ્લાનીંગ કરી કુદરતી આફતો અને તેમાંય ખાસ કરીને ચોમાસાની ઋતુમાં અતિવૃષ્ટીના સંજોગોમાં જાનમાલનું નુકશાન ન થાય તે માટે આગવી વ્યવસ્થા ગોઠવવામાં આવે છે.
આ કુદરતી આપત્તીમાં રાજય સરકાર પ્રજાની સતત સાથે રહી તેઓને કોઇપણ નુકશાની ન ઉઠાવવી પડે તેનું ધ્યાન રાખી રહી છે. ટંકારા ખાતે આવેલ આ કુદરતી આફતમાં ધારસભ્યશ્રી બાવનજીભાઇ મેતલીયા અને સાંસંદશ્રી મોહનભાઇ કુંડારીયાના માર્ગદર્શન હેઠળ ૩૫ જેટલા પશુઓના મૃત્યુ બદલ અસરગ્રસ્તોને પશુ સહાય પૈકી અંદાજીત રકમ રૂ ૩,૮૪,૦૦૦/- ની તેમને સહાય કરવામાં આવી છે તેમજ તંત્ર દ્વારા કેશ ડોલ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ વિસ્તારમાં રોગચાળો ના ફેલાય તે હેતુસર મેડીકલની ટીમો દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.

- text

માનવતા મહેકી ઉઠી : ટંકારાના રહેવાસી અને પત્ની તથા બે બાળકો નો પરિવાર ધરાવતા બીપીનભાઇ પ્રજાપતિ હાલ ટંકારા ખાતે ઓઇલ મીલ ધરાવે છે તથા લેન્ડ ડેવલ્પર તરીકે નામના ધરાવે છે. તેઓ એ ટંકારા ખાતે સર્જાયેલી કુદરતી આફતમાં લોકોના જીવ બચાવવામાં મહત્વપૂર્ણ સહયોગ વહિવટીતંત્રને આપ્યો હતો. લક્ષ્મીનગર ખાતે પાણીમાં ફસાયેલા લોકોનો જાતે રૂબરૂ જઇ પરિસ્થિતીનો તાગ મેળવી તેમણે ત્વરીત નિર્ણયશક્તિનો પરિચય આપતાં વહિવટી તંત્રને જાણ કરી હતી જેના પરિણામે જીવનમરણ વચ્ચે ઝોલા ખાતા ૧૧થી વધુ માનવજીંદગી બચાવી શકાઇ હતી. આ ઉપરાંત તેઓએ મોરબીના ખાખરા ગામે ફસાયેલા ત્રણ વ્યક્તિઓને બચાવવા જાનના જોખમે સ્થાનિક લોકોના સહયોગ સાથે નાયબ મામલતદારશ્રી પી.વી.ગંભીર સાથે રહી ૨૦૦ થી ૩૦૦ મીટરના અંતરે ફસાયેલા લોકોને પણ બચાવ્યા હતા.
દ્રરીદ્રનારાયણની સેવાને પરમોધર્મ માનતા બિપીનભાઇએ ૬૦ જેટલા અસરગ્રસ્ત લોકોને પોતાના ઘરે આશરો આપી ભોજન અને અન્ય સુવિધાની વ્યવસ્થા પણ ખડે પગે રી માનવતાની મ્હેંક પ્રસરાવી હતી. તેઓ આ ઉપરાંત રાત્રે રખડતા ગાંડાઓને પણ નવડાવી કપડા પહેરાવી તેમને તથા ભીક્ષાવૃતિ કરતા લોકોને ભોજન આપવનો સેવાયજ્ઞ છેલ્લા છ વર્ષથી એકલા હાથે કરી રહયા છે. જેમાં તેમના પરિવારજનોનો પણ તેમને સાથ આપી રહયા છે.
બીપીનભાઇની આ સેવભાવી પ્રવૃતિની સાથે સાથે તેઓ હાલમાં જિલ્લા વહિવટી તંત્રની પુરવઠા સલાહકાર સમિતિમાં સભ્ય તરીકે પણ સેવા આપે છે. જેમાં તેઓ આવા કુદરતી આફત ના સમયે તંત્રની સાથે રહી માનવસેવા બજાવે છે. વહીવટીતંત્ર વતી તેઓની આ સેવાને સમગ્ર જિલ્લા વહિવટી તંત્ર મોરબીએ બીરદાવી છે.

- text