મોરબી : કિન્નરે પાડોશી પરિવારનાં ચાર સંતાનોનું કાળજીપૂર્વક જતન કરીને ઉછેર્યા

- text


પહેલો સગો પડોશી ઉક્તિને સાર્થક કરતા કિન્નર દિવાળી મા

મોરબી : કિન્નરોને સમાજમાં ઉપેક્ષિત નજરે જોવામાં આવે છે. પરંતુ ઘણાં કિન્નરો એવા હોય છે કે જે નિરાધાર લોકોની સારસંભાળ લેવામાં પોતાની જાતને ઘસી નાખે છે. મોરબીમાં એક કિન્નરે પાડોશી પરિવારનાં મોભીનાં અવસાન બાદ તેમના ચાર સંતાનોનું કાળજીપૂર્વક જતન કરીને ચારેય જીવની જિંદગીને ખરાબ થતી અટકાવી નવી જિંદગી આપી તેના ભવિષ્યને સુરક્ષિત કરી આપ્યુ છે. આજે કિન્નર દિવાળીમા હયાત નથી, પરંતુ ચારેય સંતાનો પૈકીનાં એક વિષ્ણુભાઈ કહે છે કે, અત્યારે હું સુખી છું તો એ માત્ર દિવાળીમાને કારણે જ છું.
મોરબીની ચૌહાણ શેરીમાં રહેતા ૬૦ વર્ષીય વિષ્ણુભાઈ ભૂગડોમલભાઈ કિષ્નાણી સાત વર્ષના હતા ત્યારે તેમના પિતાનું અવસાન થયું હતું. આથી તેમના પરિવાર સંકટમાં મુકાય ગયા હતાં. પરિવારમાં કોઈ ક્માવાવાળું રહ્યું ન હતું. વિષ્ણુભાઈ સહિતના ચાર સંતાનો અને તેમની માતાનું ભાવિ અંધકાર તરફ ધકેલાય રહ્યું હતું. પરંતુ કહેવાય છે ને કે “પહેલો સગો પડોશી”  તે ઉક્તિ અહીં સિધ્ધ થતી જોવા મળી છે. વિષ્ણુભાઈના પાડોશમાં કિન્નર દિવાળીમાં એ તેમનો હાથ જાલ્યો હતો ચારેય સંતાનને કાળજી પૂર્વક ઉછેરીને મોટાં કર્યા અને પિતા જેવી જવાબદારી નિભાવી પિતાની ખોટ સાલવા ન દીધી. વિષ્ણુભાઈ દિવાળીમાનાં વિશેષ લગાવ દાખવતાં કહે છે કે પિતાનું અવસાન થયું ત્યારે અમે ઘણાં નાના હતા. ઘરનું ગુજરાન ચાલે તે માટે કમાવા જાય તેવી સ્થિતિ હતી નહી. માતા છૂટક મજૂરી કરતાં હતા. પરંતુ તેમાંથી પણ આખા પરિવારનું ભરણ પોષણ થતું નહિ. ત્યારે દિવાળીમાં એ અમારા માટે પિતાની જવાબદારી નિભાવી છે. દિવાળીમાં આખો દિવસ ભીખ માંગીને આવે તેમાંથી પોતે ભૂખ્યા રહીને અમારું પેટ ભરતા હતા. આવી રીતે તેમણે અમારું ૧૫ વર્ષ સુધી અમારું જતન કર્યું હતું. ત્યાર બાદ હું ચાની રેકડીમાં કામે લાગી ગયો અને ધીમે ધીમે સંઘર્ષ કરીને પાનની દુકાન બનાવી છે. તેમની ૧૫ વર્ષની ઉમર થઈ ત્યારે દિવાળીમાંનું દેહાન્ત થયું. પછી કિન્નર હિરાબાએ તેમને સાચવ્યાં. વિષ્ણુભાઈ વિશેષ જણાવતાં કહે છે કે અમારી આર્થિક પરિસ્થિતિ સાધારણ હતી આથી વધુ અભ્યાસ કરી શક્યા નથી પરંતુ ચારેય ભાઈ–બહેનો લગ્ન કરીને સુખેથી જીવન વિતાવી શકીએ છીએ તે માત્ર દિવાળીમાંને કારણે જ શક્ય બન્યું છે. આમ એક કિન્નરે સમાજસેવાનું ઉત્તમ ઉદાહરણ આપણે સૌને આપ્યુ છે.

- text

- text