મોરબી : ૩૦૨ ગામો અને હળવદ તથા માળિયા.મી.માં પાણી વિતરણ બંધ કરાશે ?

- text


ગ્રામપંચાયત અને નગરપાલિકાનાં વાંકે નિર્દોષ નાગરિકો આફતમાં : પાણી પુરવઠા બોર્ડ પાણીવેરો વસૂલવા આકરા પાણીએ

- text

મોરબીમાં પાણી પુરવઠા બોર્ડ પાણીવેરો ન ભરનાર સામે આકરા પાણીએ થયું છે. પાણી પુરવઠા બોર્ડે જિલ્લાના ૩૦૨ ગામોમાં અને હળવદ, માળીયા(મી) ખાતે વાર્ષિક પાણીવેરો સાત દિવસમાં ભરી આપવાની મુદત આપી હતી. આ મુદત પૂરી થઈ જવા છતાં ગ્રામપંચાયતો અને નગરપાલિકાએ વેરો ભરવામાં ઉદાસીન વલણ દાખવતા પાણી પુરવઠા વિભાગે ૩૦૨ ગામો અને ૨ શહેરોમાં આવતીકાલે પાણી વિતારણ બંધ કરી દેવાની ચેતવણી આપી છે.
મોરબી જિલ્લાના પાણી પુરવઠા વિભાગ દ્વારા પાણીની જુદી જુદી યોજના હેઠળ જિલ્લાના ગામોમાં અને પાંચ તાલુકામાં પાણી પુરવઠાનો જથ્થો પૂરો પાડવામાં આવે છે. ત્યારે દર વર્ષે ગ્રામપંચાયત અને નગરપાલિકાને પાણીવેરો પાણી પુરવઠા વિભાગને ભરવાનો હોય છે. પરંતુ ગ્રામપંચાયત અને નગરપાલિકાને પાણીવેરો ભરવામાં ડાંડાઈ કરે છે. જેમાં મોરબી જિલ્લાના ૩૦૨ ગામોનો રૂ.૩૮ લાખ અને હળવદ શહેરનો રૂ.૩.૫૪ કરોડ તથા માળીયા(મી)નો રૂ.૨.૬૦ કરોડનો વર્ષોથી વેરો બાકી છે. પાણી પુરવઠા બોર્ડ દ્વારા વારંવાર નોટિસ મોકલવામાં આવતી હોવા છતાં તેની અસર વર્તાતી જોવા મળતી નથી. આથી પાણી પુરવઠા બોર્ડે બાકી પાણી વેરો વસૂલવા માટે લાલ આંખ કરી છે. જો પાણીવેરો વસૂલવામાં નહીં આવે તો પાણી વિતરણ બંધ કરવાની નોટિસ ફટકારવામાં આવી છે ત્યારે પાણી પુરવઠા વિભાગના રાકેશભાઈએ મોરબી અપડેટને જ્ણાવ્યું હતું કે, આ નોટિસની મુદત તા.૬ ના રોજ પૂરી થઈ ગઈ છે તેમ છતાં ગ્રામપંચાયત અને નગરપાલિકાઓ વેરો ભરવા આગળ આવી નથી. પરિણામે તા.૭ થી ૩૦૨ ગામો અને હળવદ તથા માળીયા(મી)માં પાણી વિતરણ બંધ કરવામાં આવશે તેની પણ નોટિસ આપવામાં આવી છે. આમ ગ્રામપંચાયત અને નગરપાલિકાની બેદરકારી અને અડોડાય આમ જનતાને ભોગવવી પડશે.

- text