મોરબી : પુસ્તક પરબને વાંચકોએ વધાવ્યો

- text


૨૦૦ પુસ્તકો ભેટમાં અને ૯ હજાર રૂ. પુસ્તકો ખરીદવા દાનમાં આપતા સરસ્વતી પ્રેમીઓ

મોરબી : સરદારબાગમાં સરસ્વતી પ્રેમીઓએ છેલ્લા કેટલાક મહિના શરૂ કરેલા પુસ્તક પરબને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. રવિવારનાં રોજ પુસ્તક પરબની આશરે ૧૦૦ જેટલાં લોકોએ મુલાકાત કરી તેમને પ્રિય હોય એવાં ૧૫૦ જેટલાં પુસ્તકો પોતાનાં ઘરે વાંચવા માટે લઈ ગયા હતાં. સોશિયલ મીડિયાનાં માધ્યમથી આ પુસ્તક પરબને ૨૦૦ જેટલા પુસ્તકો ભેટમાં મળ્યાં અને રૂ. ૯ હજારની રોકડ રકમ પુસ્તકો ખરીદવા માટે સરસ્વતી પ્રેમીઓ તરફથી દાનમાં મળી હતી.
દરેક વર્ગનાં લોકો અને ખાસ કરીને યુવાનોમાં વાચનવૃત્તિ કેળવાય અને જીવનપયોગી તેમજ મનગમતા પુસ્તકો વાંચવા સૌ પ્રેરાય તે હેતુસર મોરબીમાં પુસ્તક પ્રેમીઓએ થોડા સમય અગાઉ સદરબાગમાં પુસ્તક પરબ શરૂ કર્યું છે. આ પુસ્તક પરબ દર મહિનાનાં પ્રથમ રવિવારે સરદારબાગમાં ભરાઈ છે. જેમાં પુસ્તક પ્રેમીઓ વિવિધ વિષયોનાં પુસ્તકો વાંચકો સમક્ષ ખુલ્લા મૂકે છે. લોકોઓ પુસ્તક પરબની મુલાકાત લઈને તેમને મનગમતા પુસ્તકો પોતાની ઘરે વાંચવા લઈ જઈ શકે છે. આ પુસ્તકો પરબમાં ગઈકાલે મહિનાનો પ્રથમ રવિવાર હોવાથી સરદારબાગમાં ભરાયો હતો જેમાં ૧૦૦ લોકોએ મુલાકાત કરી તેમને મનગમતા ૧૫૦ પુસ્તકો ઘરે વાંચવા માટે લઈ ગયા હતા.
પુસ્તક પ્રેમીઓએ જણાવ્યું હતું કે, પુસ્તક પરબને સારો આવકાર મળી રહ્યો છે. શરૂઆતમાં પુસ્તક પરબમાં ૧૫૦ પુસ્તકો હતા. લોકો તરફથી ૪૦૦ પુસ્તકો ભેટમાં મળ્યાં છે. જ્યારે વિજય ત્રિવેદીએ ફેસબુકમાં પોસ્ટ કરી લોકોને આ પુસ્તક પરબમાં પુસ્તકો ભેટમાં આપવાની અપીલ કરી હતી. જેથી ગુજરાત અને ગુજરાત બહારથી ૨૦૦ પુસ્તકો ભેટમાં મળ્યાં છે. આમ, હાલનાં સમયમાં પુસ્તકોની સંખ્યા ૮૦૦ જેટલી થઈ ગઈ છે. આજના નેટસેવીઓ પુસ્તકો વાંચવા પ્રેરાય તે હેતુથી કૉલેજમાં જઈને યુવાનોને આ વિશે માહિતગાર કરવામાં આવશે એવું પુસ્તકપ્રેમીઓએ જણાવી આ પુસ્તક પરબનો વાંચનપ્રિય જનતાને લાભ લેવા જણાવ્યું હતું.

- text