સિરામિક ઉદ્યોગ પર લગાવાયેલા ૨૮ ટકા GSTથી શું થશે ગંભીર અસર ? મોરબી અપડેટનો એક્સલ્યુસિવ રિપોર્ટ

- text


સિરામિક પ્રોડક્ટ પર ૨૮ ટકા જીએસટીથી મોંઘવારીને પ્રોત્સાહન, ગરીબ-મધ્યમ વર્ગને પીડા પહુંચશે : મોરબી અપડેટ

– સિરામિક ઉદ્યોગકારોમાં જીએસટી અંતર્ગત લગાવાયેલા ૨૮ ટકા ટેક્સથી દેશવ્યાપી ફાટી નીકળેલો રોષ, પ્રજા પણ જીવનજરૂરી વસ્તુઓમાં ઉપયોગી સેનેટરી આઈટમ મોંઘી બનવાના વાવડથી દુ:ખી
મોરબીનાં સિરામિક એસો.નાં વિરોધ બાદ ઈન્દોર ટાઈલ્સ અને સેનેટરી એસો.નાં પ્રમુખ ગોવિંદ અગ્રવાલ અને સચિવ પ્રેમ માહેશ્વરીએ સિરામિક ઉદ્યોગ પર ૨૮ ટકા જીએસટી દર લાગુ કરવાનાં કેન્દ્ર સરકારનાં નિર્ણયનો કડક વિરોધ કર્યો છે. વર્તમાન સમયમાં સિરામિક ઉદ્યોગ પર ૧૨૫ ટકા એક્સસાઈસ, ૨ ટકા સીએસટી અને ૨ ટકા વેટ સાથે કુલ મળી ૧૮ ટકા ટેક્સ લાગે છે. ત્યારે એ ૧૮ ટકા ટેક્સ પર જીએસટી હેઠળ સીધો ૧૦ ટકા ટેક્સ વધારો તદ્દન ગેરવાજબી છે. જો આ ટેક્સ યથાવત રહેશે તો સરકારની ૨૦૨૧ સુધી નાગરિકને ઘરનું ઘર આપવાની યોજના સાથે સ્વચ્છ ભારત અભિયાન સહીત અનેક યોજનાઓને નુકસાન થઈ એકંદરે સામાન્ય વેપારી અને નાની પ્રજાનું શોષણ થશે. આ તબક્કે ૨૦ મેનાં રોજ તમામ સિરામિક વેપારીઓ બપોરે ૨ વાગ્યે સિરામિક ઉદ્યોગની જમીની પરિસ્થિતિનો પરિચય દેશનાં જીએસટી ટેક્સ અધિકારી અને સરકારશ્રીને કરાવવા માટે પ્રધાનમંત્રી તથા દરેક નાના-મોટા સાંસદનાં નામે પત્ર લખવા જણાવાયું છે.
– જીએસટી દ્વારા વેપારીઓને ચૂકવવા પડતા જંગી ટેક્સથી આમ આદમીનું ઘરનું ઘર બનાવવાનું સપનું માત્ર સપનું જ રહી જશે.
સિરામિક ઉદ્યોગ પર ૨૮ ટકા ટેક્સ જીએસટી ટેક્સ લગાડાતા મોરબી અપડેટ દ્વારા થયેલા એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે, સિરામિક નિર્મિત વસ્તુઓ જેમ કે, સિરામિક વાલ, વિકટ્રીફાઇડ ફ્લોર, સિમેન્ટ ટાઈલ્સ અને સિમેન્ટથી બનતા પેવર બ્લોક, ઢાકણા વગેરે મોંઘા બનશે. જેથી આમ આદમીનું ઘરનું ઘર બનાવવાનું સપનું માત્ર સપનું જ રહી જશે. આટલું જ નહીં પરંતુ સરકાર દ્વારા લગાવાયેલા ૨૮ ટકા જીએસટીથી સિરામિક વેપારીઓને કમ્મરતોડ નુકસાની થવાનું નક્કી છે. આ કારણે સિરામિક વેપારીઓના મત મુજબ મકાન બનાવવા જરૂરી ચીજવસ્તુઓનાં ભાવમાં ૩૦ ટકા સુધીનો વધારો આવશે. જેની સીધી અસર અને બોજો ગરીબ અને મધ્યમ વર્ગનાં માનવીઓ પર પડશે. આ કારણોસર સામાન્ય માનવી પણ સિરામિક ઉદ્યોગ પર લગાવેલા ૨૮ ટકા જીએસટી ટેક્સનાં વિરોધમાં જોડાય તે જરૂરી છે.

- text

– શા માટે છે સીરમિક ઉદ્યોગ પર લગાવેલો ૨૮ ટકા જીએસટી ટેક્સ ગેરવાજબી ?
મોરબી અપડેટનાં સંશોધન મુજબ જીએસટી ટેક્સમાં આવતા ૨૮ ટકાનાં સ્લેબમાં એવી વસ્તુઓનો સમાવેશ થાય છે જે વસ્તુઓ હાઈફાઈ કક્ષાની અને લક્ઝરીયસ હોય. સરકારે આપેલી વ્યાખ્યા મુજબ જીએસટીનો ૨૮ ટકા ટેક્સ એવી ઉત્પાદિત વસ્તુઓ પર લગાવવામાં આવ્યો છે જે માત્ર પૈસાદાર લોકો ઉપયોગમાં લે છે. પરંતુ અહીં સરકાર અને આપણે સૌએ વિચારવાનું છે કે શું સેનેટરી પ્રોડક્ટ કે જમીન-મકાન બાંધકામમાં ઉપયોગમાં લેવામાં આવતી ચીજવસ્તુઓ માત્ર પૈસાદારો જ ઉપયોગમાં લે છે? આથી સિરામિક ઉદ્યોગ પર લગાવાયેલો ૨૮ ટકા જીએસટી દર તદ્દન ગેરવાજબી કહી શકાય તેમ છે. આ અંગે સિરામિક ઉદ્યોગકારોએ અગાઉનાં સમયમાં સરકારી અધિકારીઓ સાથે બેઠક અને ચર્ચા કરી જરૂરી સૂચનો અને જાણકારી આપી હતી. તેમ છતા સિરામિક ઉદ્યોગ પર તોતીંગ જીએસટી લાગુ પાડી સરકારે આમ આદમીને હાની અને વેપારીનને નુકસાન પહોંચી શકે તેમ કાર્ય કર્યું છે.

– વિદેશથી આયાત થતા એપલ, સેમસંગ મોબાઈલ ઉપર ૧૨ ટકા વેટ અને સામાન્ય-મધ્યમ વર્ગનાં સંડાસ બાથરૂમમાં વપરાતી ટાઇલ્સ ઉપર ૨૮ ટકા વેટ : સરકારને વિચારવાની જરૂર.
આગામી સમયમાં સિરામિક ઉદ્યોગકારો જીએસટીનાં વિરોધભાસી અને બિનસંશોધનાત્મક સ્લેબને લઈ દેશવ્યાપી ઉગ્ર વિરોધ પ્રદર્શનથી લઈ સિરામિક એકમો બંધ પાડવાના ઈરાદા સાથે પોતાનાં અભિપ્રાયો આપવાનાં શરુ કર્યા છે એ સમયે સરકારે જીએસટીના સ્લેબમાં ફેરફાર કરી તાત્કાલિક ધોરણે સિરામિક ઉદ્યોગનાં ઉત્પાદન અને પ્રદાનને ધ્યાને લઈ ૧૨થી ૧૮ ટકાનાં જીએસટી સ્લેબમાં મૂકવાનું વિચારવું જોઈએ.

- text