મોરબીમાં પાત્રતા ધરાવતા તમામને રાશનકાર્ડ પર નિઃશુલ્ક અનાજ આપવા રજુઆત

- text


અગાઉ પૂરતો પુરવઠો આવતો ન હોય 50 ટકા લાભાર્થીઓ અનાજથી વંચિત રહી જતા હતા, તેઓને પણ યોજનામાં સામેલ કરવા તાલુકા પંચાયતના ઉપપ્રમુખની માંગણી

મોરબી : ગઈ કાલથી બીપીએલ કાર્ડ ધારકો, અંત્યોદય યોજનાના કાર્ડ ધારકો તેમજ NFSA (રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા) હેઠળ આવરી લેવાયેલા લોકોને રાજ્ય સરકાર તરફથી નિઃશુલ્ક રાશન વિતરણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે પાછલા સમયમાં જે લોકો આ કાર્ડ હેઠળ અનાજ મેળવતા ન હતા તેવા લોકોને હાલની નિઃશુલ્ક યોજનામાંથી બાકાત રાખતા તેવા લોકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. જે બાબતે રાજકોટ જિલ્લા પંચાયતના માજી સિંચાઈ ચેરમેન અને મોરબી તાલુકા પંચાયતના ઉપપ્રમુખ નાથાભાઇ સામતભાઈ ડાભીએ મોરબી કલેકટરને જાણકારી આપી વિસ્તૃત રજુઆત કરી છે.

- text

નાથાભાઈની રજુઆતમાં જણાવ્યા મુજબ પાછલા ઘણા સમયથી ત્રાજપર, માળીયા વનાળીયા વિસ્તાર, ઉમિયાનગર, ભડિયાદ, લાલપર, જાંબુડિયા, રફાળેશ્વર, મકનસર, પાનેલી, ગીચડ ગામ સહિતના વિસ્તારોમાં રાશનની મોટાભાગની દુકાનોમાં માત્ર 50 ટકા જ પુરવઠો આવતો હતો. જેને કારણે આ વિસ્તારના 50 ટકા લાભાર્થીઓને પાત્રતા હોવા છતાં અનાજથી વંચિત રહી જતા હતા. જે અંગે વારંવાર અગાઉ રજૂઆતો કરેલ પણ તેનો નિવેડો આવતો ન હતો. હાલમાં જ્યારે પહેલી તારીખથી પાત્રતા ધરાવતા રેશનકાર્ડની કેટેગરીમાં આવતા હોવા છતાં સરકારે જાહેર કર્યું છે કે જે લોકો અગાઉથી રાશન મેળવી રહ્યા હતા તેવા લોકોને જ હાલ નિઃશુલ્ક રાશન મળશે, ત્યારે પૂરતો પુરવઠો ન હોવાથી અગાઉ જે લોકો રાશન મેળવી શકતા ન હતા તેવા લોકોને પણ અત્યારે નિઃશુલ્ક રાશન અપાઈ રહ્યું નથી. અગાઉ રાશન ન મેળવવા માટે આવા લોકો સ્વયં દોષી નથી પણ અપૂરતો જથ્થો દુકાનો પર પહોંચતો હોવાથી પાત્રતા ધરાવતા હોવા છતાં 50 ટકા લોકો અગાઉ પણ રાશનથી વંચિત જ રહેતા હતા.

ઉપરોક્ત વિસ્તારોમાં મોટાભાગના ગરીબ અને શ્રમિક વર્ગના લોકો જ રહે છે, જે રોજનું કમાઈને રોજ લાવી ખાવાવાળા છે. જે હાલમાં મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. તો હાલની પરિસ્થિતિની સમીક્ષા કરી અગાઉ રાશન ન મેળવી શકનાર લોકોને પણ અત્યારે રાશન મળી રહેવું જોઈએ એવી નાગરિકો વતી મારી માંગણી છે તેવું નાથાભાઈએ તેની રજુઆતમાં જણાવ્યું છે.

- text