માળીયા કોર્ટના ઇન્ચાર્જ રજીસ્ટાર સામે વધુ એક રૂ.૭૬,૬૮૦ની ઉચાપત કર્યાનો ગુનો નોંધાયો

- text


અગાઉની ઉચાપત કેસની તપાસમાં વધુ એક ઉચાપત ખુલતાં પોલીસે કાર્યવાહી કરી

માળીયા : માળીયા કોર્ટના ઇન્ચાર્જ રજીસ્ટારે અગાઉ કોર્ટમાંથી લાખોની રકમની ઉચાપત કરી હોય તેની તપાસ દરમિયાન કોર્ટમાંથી વધુ એક ઉચાપત થયાનું ખુલતાં પોલીસે કાર્યવાહી કરી છે. જેમાં આ રજીસ્ટાર સામે વધુ એક કોર્ટમાંથી રૂ ૭૬,૬૮૦ની ઉચાપત કર્યાનો ગુનો નોંધાયો છે. માળીયા પોલીસે તેમની સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

માળીયા મીયાણાની પ્રીંસીપલ સીવીલ કોર્ટના તત્કાલીન રજીસ્ટ્ર્રાર કમ નાઝીર યોગેશસિંહ એચ.ચૌહાણએ થોડા સમય પહેલા માળીયાની કોર્ટમાંથી લાખોની રકમની ઉચાપત કરી હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે તેમની જે તે વખતે ધરપકડ કરી હતી. આ કેસમાં હાલ તેઓ જેલહવાલે છે. ત્યારે પોલીસની તપાસ દરમિયાન કોર્ટમાંથી વધુ એક તેમણે ઉચાપત કર્યાનું બહાર આવ્યું છે. આથી જીલ્લા અદાલત મોરબીના જીલ્લા રજીસ્ટ્રાર વી.એચ.રાવલે તેમની સામે ઉચાપતની માળીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

- text

ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપી યોગેશસિંહ એચ. ચૌહાણ પ્રીંસીપલ સીવીલ કોર્ટ માળીયા મીયાણા ખાતે રજીસ્ટ્રાર કમ નાઝર તરીકે ફરજ બજાવતા હતા. તે દરમ્યાન તા.૫/૧૨/૨૦૧૮ થી ૨૯/૦૧/૨૦૨૦ ના સમયગાળા દરમ્યાન માળીયા મિયાણા પોલીસસ્ટેશન દ્વારા અલગ-અલગ ગુનાના કામે કોર્ટમા રજુ કરવામા આવેલ વેલ્યુએબલ મુદામાલની વેલુએબલ મુદામાલ રજીસ્ટરમા મુદામાલ સ્વીકાર્યા અંગેની કોઈ નોંધ નહી કરી તેમજ કોર્ટ હસ્તકની મુદામાલ પાવતીમા મુદામાલ રિસીવ કર્યા બાબતે કોઇ શેરો નહી કરી તેમજ કીમતી મુદામાલ રજીસ્ટારમા કોઇ નંબર આપ્યા અંગેની નોધ નહી કરી મુદામાલ પેટે જમા કરવામા આવેલ રોકડા રૂ.૭૬૬૮૦ પોતાના અંગત ફાયદા માટે લઇ ઉપયોગ કરી સરકારી નાણાની ઉચાપત કરી હતી. પોલીસે આ બનાવની ફરિયાદ નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text