લગ્ન પ્રસંગે ડી.જે. બંધ કરાવવાને લઈને થયેલા ડખ્ખામાં વરરાજાના પિતા, કાકા સહિત છ ઘાયલ

- text


ડી.જે. સંગ રાસ રમી રહેલા પરિવાર પર 10 જેટલા લોકો બેઝબોલના ધોકા અને લાકડીઓ વડે તૂટી પડ્યા 

મોરબી : શહેરમાં મચ્છુ નદીના કાંઠે રામઘાટ પાસે આવેલ રામાનંદી સાધુ સમાજની વાડીમાં ગઇકાલે રાત્રીના સમયે લગ્ન પ્રસંગ નિમિત્તે વર પક્ષના લોકો ડી.જે સાથે રાસ રમી રહ્યા હતા. ત્યારે આસપાસમાં રહેતા ૯થી ૧૦ જેટલા શખ્સો ડી.જે બંધ કરાવા માટે વાડીમાં ઘસી આવ્યા હતા અને વરરાજાના પિતા સહિતના કૌટુંબીજનો સાથે માથાકુટ કરી હતી. આ દરમ્યાન વરરાજાના પિતા તેમજ કૌટુંબિક ભાઈઓ અને કાકાને માર માર્યો હતો. આ બનાવમાં છ જેટલા લોકોને ઈજાગ્રસ્ત હાલતમાં મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. વરરાજાના પિતાએ કુલ મળીને ૯થી ૧૦ જેટલા શખ્સો સામે નામ જોગ ફરિયાદ નોંધાવતા એ ડિવિઝન પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ હાથ ધરી છે.

- text

બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબી શહેરના નવલખી રોડ ઉપર આવેલ રણછોડનગરમાં રહેતા વિનોદભાઈ કરસનભાઈ રામાવત (ઉંમર ૫૫)ના દીકરાના લગ્ન હોવાથી મોરબી શહેરના રામઘાટ પાસે આવેલ રામાનંદી સાધુ સમાજની વાડી ભાડે રાખી હતી. ગઇકાલે રાત્રીના સમયે પરિવારજનો ડીજેના તાલે ગરબા લઇ રહ્યા હતા આ સમયે રામઘાટ પાસે આવેલા વિસ્તારમાં રહેતા ૯થી ૧૦ જેટલા શખ્સો વાડીમાં ઘસી આવ્યા હતા અને તેઓએ ડીજે બંધ કરવા માટે પરિવારને ધમકાવ્યો હતો. ત્યારે જેના ઘરે પ્રસંગ હતો એ સહિતના તમામ લોકોએ ડી.જેનો અવાજ ધીમો કરવા સુધીની તૈયારી બતાવી હતી તેમ છતાં પણ ઘસી આવેલા શખ્સો દ્વારા વરરાજા પિતા વિનોદભાઈ કરસનભાઈ રામાવત, કાકા મનહરભાઇ કરસનભાઈ રામાવત તથા ઇન્દ્રપ્રસાદ કરસનભાઈ રામાવત તેમજ ભત્રીજા પ્રફુલ્લભાઇ મનહરભાઇ રામાવત, શરદભાઇ મનહરભાઇ રામાવત અને વિજયભાઇને બેઝબોલના ધોકા તથા લાકડા વડે હાથે પગે અને માથામાં મારમાર્યો હતો. બનાવ બાદ તમામ ઇજાગ્રસ્તોને મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવમાં વિનોદભાઈ કરસનભાઈ રામાવતે મકરાણીવાસમાં રહેતા ઇસ્માઇલ યારમામદ બ્લોચ, મુસ્તફા, ખાલીદ, નદીમ, સોયેબ, મકબુલ, આવેશી, કાનો અને ઇસ્માઇલ સહિતના શખ્સોની સામે ફરીયાદ નોંધાવેલ છે. પોલીસે હત્યાની કોશીશ, રાયોટીંગ સહિતની કલમ હેઠળ ગુન્હો નોંધીને આરોપીઓને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

- text