મોરબી – રાજકોટ હાઇવેનું અણઘડ રીતે ચાલતા કામે વધુ એક વાહન ચાલકનો જીવ લીધો

અર્પિત કોલેજ પાસે ટ્રાવેલ્સ ચાલકે સ્કૂટર ચાલકને હડફેટે લેતા મોત : અકસ્માતને પગલે ટ્રાફિકજામ

મોરબી : મોરબી-રાજકોટ હાઇવે પર અણઘડ રીતે ચાલતા કામે વધુ એક વાહન ચાલકનો જીવ લીધો છે.જેમાં મોરબી રાજકોટ હાઇવે પર અર્પિત કોલેજ પાસે આજે સવારે ટ્રાવેલ્સ ચાલકે એક સ્કૂટરને હડફેટે લીધા બાદ સ્કૂટર ચાલકનું મોત નીપજ્યું હતું.આ અકસ્માતના પગલે ટ્રાફિકજામ સર્જાયો હતો.

આ અકસ્માતના બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી રાજકોટ હાઇવે પર અર્પિત કોલેજ પાસે આજે સવારે એક ટ્રાવેલ્સ અને એક સ્કૂટર વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો હતો.જેમાં ટ્રાવેલ્સ બસની જોરદાર ટક્કર લાગતા સ્કૂટર ચાલકને ગંભીર ઇજા થવાથી તેનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું.આ બનાવની જાણ થતાં 108ની ટિમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી.જોકે આ અકસ્માતને પગલે મોરબી રાજકોટ હાઇવે પર ટ્રાફિકજામ સર્જાયો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે. મોરબી રાજકોટ હાઇવેને ફોરલેન બનાવવા માટે છેલ્લા ઘણા સમયથી કામ ચાલી રહ્યું છે.પણ આ કામમાં નીતિ નિયમોને નેવે મૂકી અણઘડ રીતે કરાતું હોવાથી છાસવારે મોરબી રાજકોટ હાઇવે વચ્ચે નાના મોટા અકસ્માતના બનાવો બને છે.ત્યારે આજે અણઘડ રીતે ચાલતા કામે વધુ એક વાહન ચાલકે જીવ ગુમાવતા ભારે રોષ વ્યાપી ગયો છે.