ઢુંવા ચોકડી પાસે મોબાઇલની દુકાનમાં ચોરી કરનાર ચાર શખ્સો ઝડપાયા

મોરબી એલસીબી ટીમે પાંચ દિવસમાં ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો : પોલીસે રૂ.97170ની કિંમતના ચોરાઉ 16 મોબાઈલ કબ્જે કર્યો

વાંકાનેર : મોરબી વાંકાનેર હાઇવે પર ઢૂંવા ચોકડી પાસે ઓબેરબ્રિજ નીચે સર્વિસરોડ ઉપર આવેલી મોબાઇલની દુકાનને શનિવારની રાત્રીના તસ્કરોએ નિશાન બનાવી મોબાઈલ થતા રોકડ રકમ સહિત કુલ 1.56 લાખનો મુદ્દામાલ ચોરી ગયા હતા. મોરબી એલસીબીએ આ ચોરીના બનાવનો ભેદ પાંચ દિવસમાં ઉકેલી નાખ્યો હતો અને ચોરી કરનાર ચાર તસ્કરોને રૂ.97170ના 16 ચોરાઉ મોબાઈલ સાથે ઝડપી લીધા હતા.

વાંકાનેર તાલુકાના ઢુવા ચોકડી પાસે આવેલ ખોડીયાર ચેમ્બરમાં મોહિત ટેલિકોમ નામની દુકાનમાં ગત શનિવારની રાત્રે તસ્કરોએ દુકાનના શટર તોડી તેનો લોક તોડી તેમાંથી સેમસંગ કંપનીના મોબાઈલ નંગ 5 ઓપો કંપનીના મોબાઈલ નંગ 4, વિવો કંપનીના મોબાઈલ નંગ 5 તથા લાવો કંપનીના સાદા મોબાઇલ નંગ બે મળી કુલ મોબાઈલ ફોન નંગ 16 તથા ટેબલના ખાનામાં રાખેલ મની ટ્રાન્સફરના રોકડા રૂ.50 હજાર મળી કુલ મુદ્દામાલ રૂ.1.56 લાખની માલમતા ચોરી કરી ગયા હતા. બાદમાં દુકાન માલિક હિતેશભાઈ ચંદ્રકાંતભાઈ ધરોડીયાએ વાંકાનેર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.

આ ચોરીના બનાવનો મોરબી એલસીબી ટીમે પાંચ દિવસમાં ભેદ ઉકેલી નાખ્યો છે અને આ ચોરીમાં સંડોવાયેલા આરોપીઓ ધવલભાઈ નટવરભાઈ સોલંકી, રામજીભાઈ નવધણભાઈ કોળી, પ્રેમજીભાઈ ઘોઘાભાઈ ડાભી, મુકેશભાઈ ઘેલાભાઈ કોળી રહે ચારેય, અભેપર, થાનગઢને રૂ.97170ના ચોરાવ 16 મોબાઈલ સાથે ઝડપી લીધા હતા.

આ ચારેય યુવાનોને કામ ધંધો ન મળતા કામની શોધમાં વાંકાનેરના ઢુંવા વિસ્તારમાં આવ્યા હતા અને અહીંયા પણ કામ ન મળતા ચોરી કરી હોવાની પોલીસ સમક્ષ કબુલાત આપી હતી. જિલ્લા પોલીસ વડા કરનરાજ વાઘેલા અને એલસીબીના પીઆઇ વી.બી.જાડેજાના માર્ગદર્શન હેઠળ સ્ટાફના ઇશ્વરભાઈ ક્લોતરા,ચંદુભાઈ કલોતરા, કોશિકભાઈ મારવણીયા, ભગીરથસિંહ ઝાલા, પૃથ્વીરાજસિંહ જાડેજા,દશરથસિંહ પરમાર,જયેશભાઇ વાઘેલાએ આ ચોરીનો ભેદ ઉકેલાવી કામગીરી કરી હતી.