મોરબીમાં રક્ષાબંધન નિમિતે રાખડીઓના માર્કેટમાં 40 ટકા મંદી

ગતવર્ષ કરતા આ વર્ષે રાખડીઓમાં સરેરાંશ 40 મંદી : બે દિવસમાં રાખડીઓના માર્કેટમાં તેજી આવવાની વેપારીઓને આશા : રક્ષાબંધન નિમિતે ઠેરઠેર જનોઈ ધારણ વિધિના કાર્યક્રમો યોજાશે

મોરબી : મોરબીમાં રક્ષાબંધન નિમિતે રાખડીઓના માર્કેટને આ વખતે મંદીનું ગ્રહણ નડી ગયું છે.રાખડીઓના વેપારીઓના જણાવ્યા મુજબ ગત વર્ષ કરતા આ વખતે રાખડીઓના માર્કેટમાં 40 ટકા મંદીનો માહોલ છે.જોકે આગામી બે દિવસમાં રાખડીના માર્કેટમાં તેજી આવે તેવી વેપારીઓને આશા છે.જ્યારે રક્ષાબંધન નિમિતે ઠેરઠેર જનોઈ ધારણ વિધિના કાર્યક્રમો યોજાશે.

ભાઈ બહેનના પવિત્ર હેત પ્રેમને ઉજાગર કરતાં રક્ષાબંધનું પર્વ નજીક આવી રહ્યું છે અને 15 ઓગસ્ટના રોજ રક્ષાબંધનનું પર્વ છે.રક્ષાબંધનના દિવસે તમામ બહેનો પોતાના વ્હાલ સોયા વિરાના કાંડે રાખડી બધીને તેમના રક્ષણની ઈશ્વર સમક્ષ પ્રાર્થના કરે છે.રક્ષાબંધનના આગલા દિવસોમાં જ મોટાભાગની બહેનો અવનવી વેરાયટીની રાખડીઓ બજારમાંથી ખરીદી લેતી હોય છે.પણ આ વખતે રક્ષાબંધન નજીક હોવા છતાં હજુ રાખડીઓના માર્કેટમાં રાખડીની ખરીદી જોઈએ તેવી જામી નથી તેવું વેપારીઓનું કહેવું છે.રાખડીઓના વેપારીઓના જણાવ્યા મુજબ ગત વર્ષ કરતા આ વર્ષે રાખડીઓના માર્કેટમાં 40 ટકા મંદી છે.જોકે દર વર્ષે સરેરાંશ રૂ.20 લાખ જેવું રાખડીઓનું માર્કેટ છે અને રાખડીઓના 200 થી વધુ નાના મોટા વેપારીઓ રાખડીઓનો વેપાર કરી રહ્યા છે. અને અવનવી વેરાયટીઓનો રાખડીનો મોટા જથ્થો બજારમાં ઉપલબ્ધ છે.જેમાં બાળકોમાં છોટા ભીમ સહિતની રાખડીઓ હોટ ફેવરિટ છે જ્યારે મોટેરાઓમાં ક્રિસ્ટલ મોતી અને ડાયમંડની રાખડીઓની ભારે ડિમાન્ડ છે.વેપારીઓ કહે છે કે,હાલમાં રાખડીઓની જોઈએ તેવી ખરીદી જામી નથી પણ હાલ જે થોડી મંદી છે તે આગામી બે દિવસમાં ભારે ખરીદી નીકળતા સરભર થઈ જશે.જ્યારે રક્ષાબંધન નિમિતે જનોઈ ધારણ કરવાનું ભારે મહત્વ છે તેથી રક્ષાબંધનના પર્વ નિમિત્તે જનોઈ ધારણ વિધિ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે.