મોરબી : આત્મહત્યા કરવા નીકળેલા અમદાવાદના યુવાનને પોલીસે બચાવ્યો

- text


છૂટાછેડા થાય બાદ પણ પત્ની હેરાન કરતા જીવનથી હતાશ થઈ ગયો હતો : પોલીસે તેના પારિવારિક પ્રશ્નનું સમાધાન લાવવાની હકારાત્મક સમજણ આપીને મુક્ત કર્યો

મોરબી : અમદાવાદનો એક યુવાન જીવન કંટાળીને મોરબી તાલુકાના લાલપર ગામ નજીક આત્મહત્યા કરવા નીકળ્યો હોવાની જાણ થતાં તાલુકા પોલીસે તાત્કાલિક ત્યાં દોડી જઈને આ યુવાનને બચાવી લીધો હતો.પોલીસની પૂછપરછમાં તેણે છૂટાછેડા થયા છતાં પત્ની હેરાન કરતી હોવાથી જીવનથી હતાશ થઈ ગયો હોવાનું જણાવ્યું હતું.આથી તાલુકા પોલીસે તેને સમજાવીને તેના પારિવારિક પ્રશ્નનું સમાધાન લાવવા હકારાત્મક સમજણ આપીને મુક્ત કરી દીધો હતો.

- text

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને આજે સ્ટેટ કંટ્રોલ રૂમ તરફથી 100 નબરમાં જાણ કરવામાં આવી હતી કે, આજે અમદાવાદના બ્રિજેશભાઈ રમેશભાઈ પટોળીયા નામનો યુવાન મોરબી તાલુકાના લાલપર ગામ નજીક હોટલ ગ્રાન્ડ વર્ધમાન પાસે હાજર હોય અને પોતાના અંગત પારિવારિક કારણોસર આત્મહત્યા કરવા જઈ રહ્યો હોય આ બાબતે તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવાની જાણ કરવામાં આવી હતી.જેના પગલે મોરબી તાલુકા પોલીસ સ્ટાફના કિશોરભાઈ સોલગમા, કીર્તિસિંહ જાડેજાએ આ બનાવની ગંભીરતાને ધ્યાને લઈને તાત્કાલિક મોરબીના લાલપર ગામે દોડી જઈને માનસિક રીતે ભાંગી પડેલા બ્રિજેશભાઈને શોધી કાઢીને મોરબી તાલુકા પોલીસ સ્ટેશને લાવી પૂછપરછ કરી હતી.જેમાં તેમણે પોતાના જીવનની આપવીતી જણાવી હતી કે, તેમના લગ્ન થયા બાદ છૂટાછેડા થઈ ગયા છે.પત્ની સાથે છૂટાછેડા થવા છતાં તેમને અને તેમના પરિવારને હેરાન કરતી હોવાથી તેઓ માનસિક રીતે ભાંગી પડ્યા હતા અને તેમને આત્મહત્યાનો વિચાર આવ્યો હોવાનું પોલીસ સમક્ષ નિવેદન નોંધાવ્યું હતું.આથી પોલીસે તેમના પારિવારિક પ્રશ્નનું સમાધાન લાવવાની સમજણ આપીને મુક્ત કર્યા હતા.

- text