મોરબીમાં પાસપોર્ટ ઓફીસ શરુ કરવાની ઉચ્ચકક્ષાએ રજુઆત

- text


મોરબીના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ રાજેશ અરણીયાએ વિદેશ મંત્રી સહિતનાને લેખિતમાં વિગતવાર રજુઆત કરી

મોરબી : સીરામીક ઉદ્યોગમાં મોરબી વિશ્વનું બીજા નંબરનું હબ ગણાય છે. જ્યારે શિક્ષણ ક્ષેત્રે પણ મોરબી અવિરત હરણફાળ ભરી રહ્યું છે ત્યારે વિદેશ સાથે મોરબી શહેરનો નાતો અગાઉની સરખામણીમાં ખૂબ વધ્યો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે સીરામીક ઉધોગકારોનું જોડાણ વધ્યું છે ત્યારે મોરબીમાં પાસપોર્ટ ઓફીસ ન હોવાને કારણે મોરબીવાસીઓને ઘણી હાલાકી ભોગવવી પડી રહી છે. આથી મોરબીમાં પાસપોર્ટ ઓફીસ માટેની માંગણી બળવત્તર બની છે. જે માટે મોરબીના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ રાજેશ અરણીયાએ વિદેશ મંત્રી સહિતનાને લેખિતમાં વિગતવાર રજુઆત કરી છે.

- text

વિદેશ મંત્રી ડૉ. સુબ્રમણ્યમ જયશંકરને મોરબીમાં પાસપોર્ટ સેવા કેન્દ્ર શરૂ કરવા માટે કરવામાં આવેલી રજુઆતમાં જણાવાયું છે કે મોરબી શહેરમાં 8 લાખ કરતા વધુની વસ્તી છે. મોરબીએ ભારતના સિરામિક શહેર તરીકે ઓળખ પ્રાપ્ત કરેલી છે. દેશના કુલ સિરૅમિક ઉત્પાદનના 90 ટકાથી વધુ ટકા ઉત્પાદન મોરબીમાં થાય છે. વિશ્વમાં થતા સિરામિક ઉત્પાદનમાં મોરબી બીજું સ્થાન ધરાવે છે. આ ઉદ્યોગ દ્વારા 6 લાખ સીધો રોજગાર અને 3 લાખ પરોક્ષ રોજગાર લોકોને મળે છે. મોરબી સિરૅમિક ઉદ્યોગનું વાર્ષિક ટર્નઓવર રૂ. 35 હજાર કરોડથી વધુ છે અને કુલ ટર્ન ઓવરમાંથી બીજા દેશમાં નિકાસ કરીને રૂ. 10 હજાર કરોડનો વિદેશી બિઝનેસ ધરાવે છે. આ ઉદ્યોગ 2000 મિલિયનથી વધુ ચોરસફૂટ ટાઇલ્સ ઉત્પાદન કરે છે અને જે આ ક્ષેત્રે ચીન સાથે સીધી સ્પર્ધા કરે છે. સિરૅમિક વ્યવસાય માટે સાઉદી અરેબિયા, યુરોપ, આફ્રિકા, લેટિન અમેરિકા, એશિયન દેશો, મધ્ય પૂર્વ સહિતના સેંકડો દેશોમાં મોરબીના 50 હજારથી વધુ વ્યવસાયિકો દર વર્ષે મુસાફરી કરે છે. દરેક વ્યવસાયીઓ નવા પાસપોર્ટ બનાવવાને લઈને વિવિધ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. મોરબી શહેરમાં પાસપોર્ટ સેવા કેન્દ્ર ન હોવાને કારણે નવા પાસપોર્ટ બનાવવા માટે રાજકોટ શહેરમાં ધક્કા ખાવા માટે વ્યાવસાયિકો મજબુર છે. જો નવુ પાસપોર્ટ સેવા કેન્દ્ર મોરબી શહેરમાં ફાળવાશે તો બીજા દેશ સાથે વેપાર કરવાનું ઉધોગકારો માટે સરળ બનશે અને તેના કારણે નિકાસ વેપારમાં વધારો થશે અને અંતે તે જીડીપીમાં વધારો કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે. આથી અમે ભારત સરકારના ફોરેન મિનિસ્ટ્રી વિભાગને મોરબી શહેરમાં નવા પાસપોર્ટ સેવા કેન્દ્ર માટે અભ્યાસર્થે કેન્દ્રની ટિમ મોકલી સર્વેક્ષણ કરી યોગ્ય કરવા અને મંજૂરી આપવા માટે વિનંતી કરીએ છીએ એમ અંતમાં મોરબીના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ રાજેશ અરણીયાએ પોતાની રજુઆતમાં જણાવ્યું હતું.

- text