મોરબીમાં હાથાજોડી અને ઇન્દ્રજાડ વેંચતા ત્રણ વેપારીઓને ફોરેસ્ટ વિભાગે પકડ્યા

વનયજીવોના અવશેષો વેચનાર ત્રણેય વેપારીઓને કોર્ટ હવાલે કરાયા

મોરબી : મોરબીના ગ્રીનચોકમાં ગેરકાયદે ગણાતા હાથાજોડી અને ઈન્દ્રજાડ વેંચતા ત્રણ વેપારીઓને ફોરેસ્ટ વિભાગની ટીમે પકડી પાડ્યા છે. હાલ આ વેપારીઓને કોર્ટ હવાલે કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

મોરબીના ગ્રીનચોકમા આવેલ કુબેરનાથ શેરીમાં ગેરકાયદે ગણાતા વન્યજીવોના અવશેષો વેંચતા ત્રણ વેપારીઓ ધીમંત જન્મશંકર દવે, રાજેશ મનહર મહેતા અને આશિષ પ્રમોદરાય શુકલને ફોરેસ્ટ વિભાગની ટીમે પકડી પાડ્યા છે. આ ત્રણેય વેપારીઓ હાથાજોડી અને ઇન્દ્રજાડનું વેચાણ કરતા હતા.

ફોરેસ્ટ વિભાગના જણાવ્યા અનુસાર હાથાજોડીએ ચંદન ઘોના શરીરનો એક અવશેષ છે.જેની પૂજા કરવાથી ધન લાભ થાય તેવી માન્યતા છે. જ્યારે ઇન્દ્રજાડ દરિયામાં થતું એક જીવ છે. ઇન્દ્રજાડને પણ મંદિરમા રાખવાથી લાભ થાય તેવી અંધશ્રદ્ધા ફેલાયેલી છે. આ બન્ને વસ્તુઓ વનયજીવોના અવશેષો છે. જેના વેચાણ ઉપર કે સંગ્રહ ઉપર પ્રતિબંધ છે. તેમ છતાં આ ત્રણેય વેપારીઓ તેનું વેચાણ કરતા હતા. જેથી તેઓને પકડી પાડી કોર્ટ હવાલે કરવામાં આવ્યા છે.

આ કામગીરીમા ડીએફઓ કોટડીયાના માર્ગદર્શન હેઠળ ફોરેસ્ટ વિભાગના કે.ડી. ગોહિલ, જે.એમ. વાળા, એમ.જી. દેત્રોજા, કે.આર. ગોહિલ, આર.કે. ચાવડા અને કે.આર. ચાવડા જોડાયા હતા.