શહિદ જવાનોના પરિવારજનોને સન્માનભેર મોરબી બોલાવી હાથો હાથ ફંડ અપાશે : સીરામીક એસોસિએશન

- text


ભારત વિકાસ પરિષદ અને માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવાઈ

મોરબી : જમ્મુ કાશ્મીરના પુલવામાં માં થયેલા આંતકી હુમલામાં સીઆરપીએફના ૪૪ – ૪૪ જવાનો શહીદ થતા દેશભરમાં આક્રોશ વ્યાપી ગયો છે ત્યારે આજે મોરબીમાં ભારત વિકાસ પરિષદ અને માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા વીર શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપવા યોજાયેલ કાર્યક્રમમાં લોકોમાં તીવ્ર આક્રોશ જોવા મળ્યો હતો અને પાકિસ્તાન હાય – હાયના નારા વચ્ચે લોકોએ પાકિસ્તાન મુર્દાબાદના સૂત્રોચ્ચાર કરી પાકિસ્તાની ઝંડાના બુરા હાલ કર્યા હતા.

પુલવામાં મા શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપવા મોરબી જીઆઇડીસી નાકા ખાતે ભારત વિકાસ પરિષદ અને સંસ્કારધામ દ્વારા કાર્યક્રમ યોજાયો હતો જેમા ભારત વિકાસ પરીષદના અગ્રણી, કાર્યકરો અને જાહેર જનતા મોટી સંખ્યામાં જોડાઈ વીર શહીદોને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

- text

જ્યારે રવાપર રોડ બાપા સીતારામ ચોક ખાતે માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમા ટ્રસ્ટના મહેશભાઈ ભોરણીયા, મોરબી સિરામિક એસોશિએશનના કિરીટભાઈ પટેલ, નિલેશ જેતપરિયા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા અને ઉપસ્થિત જનમેદનીએ પાકિસ્તાન પાકિસ્તાન મુર્દાબાદ, પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવી પાકિસ્તાની ઝંડાના બુરેહાલ કર્યા હતા.

દરમિયાન સીઆરપીએફના શહીદ જવાનો માટે બે દિવસ દરમિયાન મોરબી સિરામિક એસોશિએશન સહિત જુદા – જુદા સંગઠનો દ્વારા કરોડો રૂપિયાનું ફંડ એકત્રિત કરાયું છે ત્યારે લોકોના મનમાં સવાલો ઉઠી રહ્યા છે કે આ ફંડ શહીદ પરિવાર સુધી કેવી રીતે પહોચાડવામાં આવશે ??જેનો જાહેર મંચ ઉપરથી ખુલાસો કરતા મોરબી સિરામિક એસોશિએશન પ્રમુખ નિલેશભાઈ જેતપરિયાએ જણાવ્યું હતું કે વીર શહીદ જવાનોના પરિવારજનોને સન્માનભેર મોરબી બોલાવી હાથો – હાથ સહાય પહોંચાડવામાં આવશે.

ઉપરાંત આ તકે, માતૃભૂમિ વંદના ટ્રસ્ટના મહેશભાઈ ભોરણીયાએ જાહેર કર્યું હતું કે વીર શહીદોના બાળકો જો તેમના ટ્રસ્ટ દ્વારા બનનાર શાળામાં ભણશે તો ભણવાનો તમામ ખર્ચ ટ્રસ્ટ ઉઠાવશે અને પરીક્ષા ફી સહિતનો તમામ ખર્ચ ભણતર પૂર્ણ થાય ત્યાં સુધી આપવાની જાહેરાત કરતા ઉપસ્થિત જનમેદનીએ બન્ને નિર્ણયને આવકાર્યા હતા.

- text