મોરબીના પુસ્તક પરબને ૫ દાતાઓ તરફથી મળી ૪૫૦ પુસ્તકોની ભેટ

 

છેલ્લા ૨ વર્ષથી નગરજનોને વાંચન અર્થે વિનામૂલ્યે પુસ્તકો પુરા પાડતી સંસ્થાને દાતાઓના સહયોગથી અઢળક પુસ્તકો મળ્યા

મોરબી : મોરબીના નગરજનોને વિનામૂલ્યે જ્ઞાનવર્ધક પુસ્તકો વાંચન અર્થે મળી રહે તેવા આશયથી છેલ્લા ૨ વર્ષથી કાર્યરત પુસ્તક પરબને એક જ દિવસમાં ૫ દાતાઓ તરફથી ૪૫૦ પુસ્તકોની ભેટ મળી છે. જેથી પુસ્તક પરબ પાસે રહેલા પુસ્તકોના ખજાનામાં વધુ ૪૫૦ પુસ્તકો દાતાઓના સહયોગથી ઉમેરાયા છે. આ સાથે દાતાઓ તરફથી વાંકાનેર પુસ્તક પરબને પણ ૩૦૦ પુસ્તકોની ભેટ આપવામાં આવી છે.

મોરબીમાં વસતા બાળકો,યુવાનો અને વૃદ્ધ સહિતના લોકોમાં સાહિત્ય તેમજ ઇતર વાંચન પ્રત્યે રૂચી જગાવવાનાં ઉદેશથી શહેરનાં સરદાર બાગ ખાતે બે વર્ષ પહેલાં નવયુવાનો દ્વારા પુસ્તક પરબ શરૂ કરવામાં આવ્યું હતું. ખૂબ ઓછા પુસ્તકોથી શરૂ કરવામાં આવેલ પુસ્તક પરબને ખૂબ ઓછા સમયમાં સારી એવી સફળતાં મળી છે. આ પુસ્તક પરબમાં દર મહીનાનાં પ્રથમ રવિવારે સરદાર બાગ ખાતે પુસ્તકોનો મેળો રાખવામાં આવે છે. અને જે પણ વ્યક્તિ પુસ્તક વાંચવા માગતા હોય તે માત્ર નામ નોંધાવી એક પણ પ્રકારનો રૂપિયા આપ્યા વિના પુસ્તક વાંચવા લઈ જઈ શકે છે.બાદમાં પુસ્તક વંચાઈ જાય એટલે ફરી પુસ્તક પરબમાં જમા કરાવી જતા હોય છે.

યુવાનો દ્વારા શરૂ કરાયેલ આ પહેલને દાતાઓ દ્વારા શરૂઆતથી સહકાર આપવામાં આવ્યો હતો અને અલગ અલગ સમયે પુસ્તકો ભેટ રૂપે આપી જતા હોય છે. આજે યોજાયેલ ૨૩માં પુસ્તક પરબમાં પણ આવા ત્રણ દાતાઓએ ૪૫૦ પુસ્તકોની ભેટ આપી હતી. જેમાં સીરામીક એકાઉન્ટીગ કામ સાથે જોડાયેલ અલ્પેશભાઈ વળગાસીયા અને સંદીપભાઇ રૂપાલાએ ૬૦૦ જેટલા પુસ્તકો ભુજનાં સહજાનંદ ટ્રસ્ટ પાસેથી ખરીદી કરીને ૩૦૦ મોરબીના પુસ્તક પરબને અને ૩૦૦ વાંકાનેરનાં પૂસ્તક પરબની ટીમને ભેટ આપી હતી. આ ઉપરાંત અન્ય એક દાતા ચતુરભાઈ ભલોડિયા એ ૧૨૫ જેટલા પુસ્તક ભેટ આપ્યા હતા. ચતુરભાઈ પહેલી વાર પુસ્તક પુરબની મુલાકાત લીધી હતી અને કામગીરીથી પ્રેરાઇ પુસ્તક ભેટ આપવાનું નક્કી કર્યું હતું.

આ ઉપરાંત વર્ષોથી બાળકોમાં સર્જનાત્મક શક્તિ ખીલવવા મથતા શારદા બાલ ઘરના સંચાલક વીણાબેન પારેખ અને સી. પી.શાહે પણ ૧૦૦ જેટલા પુસ્તકોની ભેટ આપી હતી.આમ મોરબીનાં પુસ્તક પરબને એક જ દિવસમાં કુલ ૫ દાતાઓએ ૪૫૦ જેટલા નવા પુસ્તકોની ભેટ મળી હતી.આ તકે મોરબીના જ આર.એસ.એસ પશ્ચિમનાં સરસંઘસંચાલક ડો. જ્યંતિભાઈ ભાડેશીયા,શિક્ષકો એવા વિજયભાઈ દલસાણીયા અને ડો. અમૃત કાંજીયા, સીએ રાજેન્દ્રભાઇ પંડિત, ગૌ સેવક લેખક પ્રાણજીવનભાઈ કાલરીયા, આર્યાવર્ત સ્કૂલ સંકુલના નરેન્દ્ર દેસાઈ, સાર્થક વિદ્યાલયના કિશોરભાઈ શુક્લ વગેરે હાજર રહ્યા હતા. નોંધનીય છે કે પુસ્તક પરબમાં હાલ ૨૫૦૦ થી વધુ પુસ્તકોનો ખજાનો છે. જેનો લાભ લેવા માટે જાહેર જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે.