મોરબીના મહિલા કોન્સ્ટેબલ વધુ એક વખત ગિરનાર આરોહણ સ્પર્ધામાં પ્રથમ ક્રમે

માત્ર ૪૪. ૬ મિનિટમા સ્પર્ધા પૂર્ણ કરીને એ ડિવિઝન પોલીસ મથકના ભૂમિકાબેન ભુતે મોરબીનું ગૌરવ વધાર્યું

મોરબી : મોરબીના એ ડિવિઝન પોલીસ મથક ખાતે ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલે વધુ એક વખત ગિરનાર આરોહણ સ્પર્ધામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે. મોરબીના ગૌરવ સમા આ મહિલા કોન્સ્ટેબલની શ્રેષ્ઠ પ્રદર્શનના કારણે રાષ્ટ્રીય કક્ષાની આરોહણ સ્પર્ધા માટે પણ પસંદગી કરવામાં આવી છે.

જૂનાગઢ ખાતે રમત ગમત અને યુવા, સાંસ્કૃતિક પ્રવૃતિઓના વિભાગ તેમજ જૂનાગઢ વહીવટી તંત્ર દ્વારા આજે ૩૪મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સિનિયર બહેનોના વિભાગમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલ ભૂમિકાબેન દુર્લભજીભાઈ ભુતે ૪૪.૬ મિનિટમાં સ્પર્ધા પૂર્ણ કરીને પ્રથમ ક્રમાંક હાંસલ કર્યો છે.

નોંધનીય છે કે મોરબીના આ મહિલા કોન્સ્ટેબલે ગત વર્ષની સ્પર્ધામાં પણ પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. આ વર્ષે પણ તેઓએ આ સ્પર્ધામાં મેદાન મારીને મોરબીનું ગૌરવ વધાર્યું છે. સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક મેળવવા બદલ તેઓનું રૂ. ૨૧ હજારના રોકડ પુરસ્કારથી સન્માન કરવામાં આવ્યું છે. સાથે તેઓની આગામી ૧૦મીએ યોજાનાર રાષ્ટ્રીય કક્ષાની ઓલ ઇન્ડિયા ગિરનાર આરોહણ- અવરોહણ સ્પર્ધા માટે પણ પસંદગી કરવામાં આવી છે.આ સિદ્ધિ બદલ મોરબી જિલ્લા પોલિસ વડા કરણરાજ વાઘેલા , એ ડીવીજન પીઆઇ ચૌધરી સહિતના એ શુભેચ્છા પાઠવી છે