ઢાંકી પમ્પીંગ સ્ટેશનેથી વધુ જળજથ્થો છૂટે તો જ મોરબી પાણી પહોંચે ! ઘટસ્ફોટ

- text


પાણીચોરી યથાવત નર્મદા કેનાલમાંથી વધુ 164 બકનળી અને 10 દેડકા હટાવતી મોરબી જિલ્લા કલેકટરની મલ્ટી ડિસીપ્લીનરી ટીમ

મોરબી : છેલ્લા દસ દિવસથી ઢાંકી પમ્પીંગ સ્ટેશનથી નર્મદા કેનાલમાં પાણીનો પ્રવાહ વહેતો કરાયો હોવા છતાં આજદિન સુધી મોરબી સુધી પાણી પહોંચ્યું નથી ત્યારે પાણીચોરી ડામવા મેદાને પડેલા ઉચ્ચ અધિકારી વર્તુળો એ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે જો ઢાંકી પમ્પીંગ સ્ટેશનેથી વધારે ફોર્સથી પાણી છોડવામાં આવે તો જ પાણીનો જથ્થો મોરબી સુધી પહોંચી શકે તેમ છે, બીજી તરફ પાણીચોરી ઝડપી લેવા મેદાને આવેલી ટીમો દ્વારા વધુ 164 બકનળી દૂર કરી 10 દેડકા જપ્ત કર્યા છે અને હજુ પાણી મોરબીથી હજુ 17 કિલોમીટર દૂર હોવાનું સત્તાવાર સૂત્રો જણાવી રહ્યા છે.

મોરબી જિલ્લાના ખેડૂતોની રવિ સીઝન બગડે તેવા સ્પષ્ટ સંકેતો વચ્ચે નર્મદા બ્રાન્ચ કેનાલમાં ધીમી ગતિએ જળપ્રવાહ આગળ વધી રહ્યો છે, જોકે નર્મદા કેનાલમાં થઈ રહેલી પાણી ચોરી ડામવા મોરબી જિલ્લા કલેકટર દ્વારા મલ્ટી ડિસીપ્લીનરી ટિમ મેદાનમાં ઉતારવામાં આવતા અધિકારીઓ દ્વારા દિવસ રાત એક કરી પાણી ચોરી ડામવામાં આવી રહી છે જેમાં ગઈકાલ બાદ આજે પણ અધિકારીઓની ટીમ દ્વારા 164 બકનળી દૂર કરી 10 દેડકા કેનાલમાંથી દૂર કરવામાં આવ્યા હતા.

- text

ઉલ્લેખનીય છે કે અધિકારીઓ દ્વારા સતત કેનાલ ઉપર ચેકીંગ કરવામાં આવતું હોવા છતાં ઢાંકી પમ્પીંગ સ્ટેશનેથી પાણીનો ધીમો પ્રવાહ આવી રહ્યો હોય દાસ દિવસ બાદ પણ મોરબી મચ્છુ ડેમ સુધી પાણી પહોંચ્યા નથી બીજી તરફ ધીમા ફોર્સ ઉપરાંત ધ્રાંગધ્રા વિસ્તારમાં ખેડૂતોને વાવેતર સંપન્ન થઈ જવા છતાં હજુ પણ બેફામપણે પાણી ઉપાડવામાં આવી રહ્યું હોય મોરબી જિલ્લામાં પાણી પહોંચાડવું હોય તો પાણીચોરી બંધ કરાવી ઢાંકી પમ્પીંગ સ્ટેશનેથી વધુ ફોર્સથી પાણી છોડવામાં આવે તો જ મોરબી માળીયા પંથકની કેનાલમાં પાણી આવી શકે તેમ હોવાનું અધિકારીઓ નામ ન આપવાની શરતે જણાવી રહ્યા છે.

જો કે ગઈકાલે નર્મદા કેનાલમાં પાણીની એક મીટરની સપાટી સાથેનો જળજથ્થો દિઘડીયા પહોંચ્યો હતો જે  આજે મોરબીના નીચી માંડલ સુધી પહોંચી ગયો હોવાનું સિંચાઈ વિભાગ જણાવી રહ્યો છે આ સંજોગોમાં રવિ સિઝનનના વાવેતર માટે મોરબી પંથકના ખેડૂતોને પાણી મળવા સામે અનેક પ્રશ્નાર્થ ખડા થયા હોવાનું સ્પષ્ટ બન્યું છે.

દરમિયાન માળીયા કેનાલની સ્થિતિ પણ આવી જ હોય ખેડૂતો દ્વારા આજે પાંચમા દિવસે પણ આંદોલન યથાવત ચાલુ રાખવામાં આવ્યું હોવાનું ખેડૂત હિત રક્ષક સમિતિના પ્રભાતભાઈ ડાંગર દ્વારા જણાવી આંદોલન સતત ચાલુ રાખવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું.

 

- text