મોરબી : યુવા ઉદ્યોગપતિ મિત્રો દ્વારા ૫૫૦ બાળકોને બ્રાન્ડેડ કપડાં ભેટ અપાયા

વેપારી યુવાનો દ્વારા અલગ – અલગ વિસ્તારમાં બ્રાન્ડેડ કપડાં અને મીઠાઈ વિતરણ કરાતા ગરીબ બાળકો ખુશખુશાલ

મોરબી : સેવાભાવી નગરી મોરબીના કોલસાના વેપારી મિત્રો દ્વારા દિપાવલીના શુભપર્વે મોરબીના જુદા – જુદા પછાત વિસ્તારમાં જઈ ૫૫૦ બાળકોને બ્રાન્ડેડ કપડાંની જોડી અને મીઠાઈનું વિતરણ કરવામાં આવતા બાળકો ખુશખુશાલ બન્યા હતા.

મોરબીના નેકસસ કોલ કોર્પોરેશન વાળા જીતુભાઇ બરછાના જણાવ્યા મુજબ દિવાળીના તહેવારને અનુલક્ષીને તેમના સાથી મિત્રો અને વેપારીઓ દ્વારા ૫૫૦ બાળકોને બ્રાન્ડેડ કપડાંની જોડી અને મીઠાઈ વિતરણ કરવામાં આવ્યું હતું.

તહેવારના સમયે ગરીબ બાળકો પણ સમાજના મુખ્ય પ્રવાહમાં ભળી આનંદ પૂર્વક તહેવાર ઉજવી શકે તેવા ઉમદા આશયથી આ પરોપકારનું કાર્ય કરી વેપારીઓએ જણાવ્યું હતું કે અમે લોકો એવું ઈચ્છીએ છીએ કે અન્ય લોકો પણ અમારું કાર્ય જોઈ પ્રેરણા મેળવે અને આજ રીતે ગરીબ બાળકો પ્રત્યે કરુણાભાવ સાથે મદદરૂપ થાય.

વધુમાં ગરીબ બાળકોના ચહેરા ઉપર ખુશી લાવવાના આ પરમાર્થના કાર્યમાં જીતુભાઇ બરછા, હિતેશભાઈ ગઢવી, રાયમલ રબારી, રાજુ ઠક્કર, જીગ્નેશ પટેલ, આકાશ પટેલ, ટ્રાન્સપોર્ટર મયુરસિંહ જાડેજા, જયદેવસિંહ જાડેજા અને ધર્મેન્દ્રભાઈ આહીર સહિતના લોકોના સહયોગથી ગરીબ બાળકોને કપડાં અને મીઠાઈ વિતરણ કરવામાં આવ્યુ હતું.