મોરબીને દુષ્કાળગ્રસ્ત જાહેર કરો : ૧૦૨ ગામના સરપંચોએ આવેદનપત્ર પાઠવ્યુ

કૂવાના તળ સુકાયા : એકપણ તળાવ ભરાયું નથી છતાં મોરબી દુષ્કાળગ્રસ્ત નહિ ?

મોરબી : ચાલુ વરસે અપૂરતા વરસાદને કારણે અત્યારથી જ મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કૂવાના તળ સુકાઈ ગયા છે અને એકપણ ગામના તળાવો પણ ભરાયા નથી છતાં સરકારે મોરબી તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર ન કરતા આજે મોરબી તાલુકાના ૧૦૨ ગામના સરપંચોએ જિલ્લા કલેકટરને આવેદન પાઠવી તાકીદે મોરબી તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા માંગ ઉઠાવી હતી.

તાજેતરમાં સરકારે મોરબી જિલ્લાના હળવદ, માળીયા અને વાંકાનેર સહિત ૫૧ તાલુકાને દુષ્કાળઅછતગ્રસ્ત જાહેર કર્યા છે પરંતુ મોરબીમાં શહેરી વિસ્તારના આંકડાને ધ્યાને લઇ મોરબી તાલુકાને દુષ્કાળ ગ્રસ્ત જાહેર કરવામાં ન આવતા મોરબી તાલુકાના ૧૦૨ ગામોના સરપંચો ઉકળી ઉઠ્યા છે, સરપંચ એસોસિએશનના જણાવ્યા મુજબ વરસાદના આંકડામાં ક્યાંક ને કયાંક ક્ષતીઓ રહી જવા પામેલ છે, માટે સરકાર પુનઃવિચારણા કરી મોરબી તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરે તેવી મોરબી તાલુકાના ૧૦૨ ગામના સરપંચો વતી મોરબી તાલુકાના સરપંચ એસોસીએશનની માંગણી છે.

ખરેખર મોરબી તાલુકાના ૨૦૧૮ ના વર્ષમાં પુરતો વરસાદ થયેલ નવી જેના કારણે મોરબી તાલુકાના એકપણ ગામનુ તળાવ પાણીથી ભરાયેલ નથી અને કુવાઓના તળ સુકાઈ ગયા છે આવી પરીસ્થિત્તીમાં મોરબી તાલુકાના ખેડુતો પોતાના માલઢોરનું પોષણ કરી શકે તેમ નથી તેમજ ખેડૂતોએ પોતાનુ ગુજરાન ચલાવવા માટે પણ ફાંફા મારવા પડે તેમ છે.

આથી આવી પરિસ્થિતિમાં સરકાર પુનઃવિચારણા કરીને મોરબી તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરે તો પોતાના માલઠોરનું પોષણ કરી શકે તેમજ અછતગ્રસ્તના કારણે ખેડૂતોને આર્થિક સહાય મળે તો પોતે પણ પોતાનુ ગુજરાન ચલાવી શકે અને આવતા વર્ષના ચોમાસા સુધી નભી શકે ખેડૂતોને પોતાનો પાક પણ સંપુર્ણ નિષ્ફળ ગયેલ છે, આ તેમનો રોજો રોટી માલ ઢોરનું પોષણ ઘાસચારો વિગેરેની ખાસ જરૂરીયાત ઉપસ્થિત થયેલ છે. જે ધ્યાને લઈ મોરબી તાલુકાને તાત્કાલિક અછતગ્રસ્ત જાહેર કરવા ૧૦૨ ગામના સરપંચો દ્વારા આવેદનપત્ર પાઠવી માંગણી ઉચ્ચારવામાં આવી છે.