મોરબીમાં પ્રદુષણ ઓકતા વધુ આઠ સિરામિક એકમોને ક્લોઝર નોટિસ

પ્રદુષણ નિયંત્રણ બોર્ડ આખરે પાણીએ : ત્રણ ફેક્ટરીઓનો ખુલાસો પુછાયો : પાંચ માસમાં 35 ફેકટરીઓને ક્લોઝર નોટિસ

મોરબી : મોરબીમાં ખુલ્લેઆમ પ્રદુષણ ઓકતા સીરામીક એકમો અને પેપરમિલો વિરુદ્ધ પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ધડાધડ નોટિસો ફટકારવામાં આવી રહી છે જેમાં ચાલુ માસે વધુ આઠ ફેકટરીઓને ક્લોઝર નોટિસ ફટકારી હરીપરની ત્રણ ફેકટરીઓને પાણી પ્રદુષિત કરવા બદલ કલમ 33-એ હેઠળ ખુલાસો પૂછવામાં આવતા ઉદ્યોગકારોમાં ફફડાટ મચી જવા પામ્યો છે.

પ્રદુષણ નિયંત્રણ કચેરીના સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ કચેરી દ્વારા 6 ઓક્ટોબર સુધીમાં સોલેન્જો સીરામીક, શેરવીન સીરામીક, ગોપાલ ક્રિષ્ના પેપરમીલ, રંગરેસીયા ટાઇલ્સ, મિસન સીરામીક, દિવ્યેશ ઇન્ડસ્ટ્રીઝ, બેનિટો સીરામીક અને ફોટોન સીરામીકને ક્લોઝર નોટિસ ફટકારી છે જેમાં કેટલાકને તાત્કાલિક અસરથી ફેક્ટરી બંધ કરવા તો કેટલાક આસામીઓને અમુક દિવસોની મુદત આપી ક્લોઝર નોટિસ ફટકારવામાં આવી છે.

આ ઉપરાંત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા હરીપર નજીક આવેલ રાજા ક્રાફટ પેપરમીલ, ક્રીપ્ટોન ગ્રેનિટો સીરામીક અને સીમાંતો સીરામીક ફેકટરીને પાણીમાં પ્રદુષણ ફેલાવવા બદલ ખુલાસો પૂછી ક્લોઝર નોટિસ સુધીના પગલાં ભરવા કલમ 33-એ હેઠળ નોટિસ ફટકારવામાં આવતા પ્રદુષણ ફેલાવતા ઉદ્યોગકારોમાં ફફડાટ મચી જવા પામ્યો છે.

ઉલ્લેખનીય છે કે, પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ચાલુ વર્ષે જૂન 2018 થી ઓક્ટોબર માસ દરમિયાન કુલ મળી 35 પ્રદુષણ ઓકતા કારખાના વિરુદ્ધ પગલાં લેવામાં આવ્યા છે અને બેન્ક ગેરંટી તેમજ અન્ય નિયમોના પાલન કરાવી 35 પૈકી 15 જેટલા કારખાનાઓ પુનઃ શરૂ કરવા મંજૂરી આપવાંમાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

file photo