માળીયા પાલિકાની તાળાબંધી કરવાનો નગરજનો દ્વારા પ્રયાસ : ૨૫ની અટકાયત

- text


ગંદકી મુદે ૪ દિવસના અલ્ટીમેટમ બાદ વિફરેલા નગરજનોનું ટોળું પાલિકા કચેરીએ દોડી આવ્યું : કાલથી સફાઈકામ શરૂ કરી દેવાની ચીફ ઓફિસરની ખાતરી

માળીયા : માળીયામાં સફાઈકર્મીઓ છેલ્લા ૧૮ દિવસથી હડતાલ પર હોવાથી ગંદકીનો પ્રશ્ન વિકટ બન્યો છે. ત્યારે નગરજનોએ આ પ્રશ્નનું નિરાકરણ લાવવા ૪ દિવસનું અલ્ટીમેટમ આપ્યું હતું. તેમ છતાં કોઈ કાર્યવાહી ન થતા વિફરેલા નગરજનોનું ટોળું પાલિકાની તાળાબંધી કરે તે પૂર્વે ૨૫ લોકોની અટકાયત કરવામાં આવી છે.

માળીયા પાલિકાના સફાઈ કર્મીઓ વિવિધ પ્રશ્નોને ઉકેલવાની માંગ સાથે હડતાલ પર ઉતર્યા છે. આ હળતાલને ૧૮ દિવસ જેવો સમય વીતી ગયો છે. જેથી શહેરમાં સફાઈના અભાવે ઠેર ઠેર ગંદકી જામેલી પડી છે. ત્યારે નગરજનો દ્વારા આ ગંદકીના પ્રશ્નને ઉકેલવા માટે ચીફ ઓફિસરને ચાર દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું.

- text

આજે આ અલ્ટીમેટમ પૂર્ણ થતું હોય અને ચીફ ઓફિસર પણ પરિસ્થિતિ ભાળી ગયા હોવાથી તેઓએ અગાઉથી જ માળીયા પોલીસને આ અંગે જાણ કરી હતી. જેથી માળીયા પીએસઆઈ ઝાલા સહિતની ટીમ પાલિકા કચેરીએ અગાઉથી જ તૈનાત થઈ ગઈ હતી. આ સમયે વિફરેલા નગરજનોનું ટોળું પાલિકા કચેરીએ પહોંચી ગયું હતું. જેઓ પાલિકાની તાળાબંધી કરે તે પૂર્વે જ પોલીસે ૨૫ જેટલા નગરજનોની અટકાયત કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે ચીફ ઓફિસર અને અન્ય સ્ટાફ કચેરીએ નિયમિત હાજર ન રહેતા હોવાથી અગાઉ નગરજનો દ્વારા પાલિકાની તાલાબંધી કરી દેવામાં આવી હતી. જ્યારે આ વખતે તાળાબંધી પૂર્વે લોકોની અટકાયત કરી દેવામાં આવી હતી. ચીફ ઓફિસર પરાક્રમસિંહ પરમારે આ અંગે જણાવ્યું કે સફાઈ કામદારો સાથે સમાધાન સાધીને આવતીકાલથી સફાઈ કામ શરૂ કરાવવામાં આવશે.

 

- text