જેતપરમાં ડોકટર સામે નોંધાયેલી ફરિયાદ રદ કરવાની માંગ સાથે ગ્રામજનોનું કલેકટરને આવેદન

- text


તબીબ સામે થયેલી છેડતી અને એસ્ટ્રોસિટીની ફરિયાદ ખોટી હોવાનું જણાવીને ડોકટરના સમર્થનમાં ગ્રામજનોનું કલેકટરને આવેદન : હોસ્પિટલને તાળાબંધી : ધરણાની ચીમકી

મોરબી : મોરબીના જેતપર ગામે સરકારી હોસ્પિટલના તબીબ સામે નોંધાયેલી છેડતી અને એસ્ટ્રોસિટીની ફરિયાદના વિરોધમાં ગ્રામજનોએ આજે બંધ પાડ્યું હતું. સાથે આ ફરિયાદ ખોટી હોવાનું જણાવીને જિલ્લા કલેકટરને આવેદન પાઠવ્યું હતું. ઉપરાંત તબીબ સામેની આ ફરિયાદ રદ નહિ થાય તો સરકારી હોસ્પિટલને તાળાબંધી કરવાની ચીમકી પણ ગ્રામજનો દ્વારા ઉચ્ચારવામાં આવી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ માળીયા તાલુકાના ઘાટીલા ગામે રહેતી ૨૦ વર્ષીય યુવતિને તાવ આવતો હોવાથી તેના નિદાન અર્થે ગત તા. ૨૩ના રોજ સવારે ૧૦ વાગ્યાના અરસામાં જેતપર ગામના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ગઈ હતી. તે સમયે યુવતિના નિદાનના બહાને સામુહિક આરોગ્ય કેન્દ્રના ડો. ડેનિશ પરસાણીયાએ જાતીય સતામણી કરી હોવાના ગંભીર આક્ષેપ સાથે યુવતીએ તાલુકા પોલીસ મથકે છેડતી અને એસ્ટ્રોસિટીની ફરિયાદ નોંધાવી હતી.

આ મુદ્દે જેતપરમા ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા અને ડોકટર સામે થયેલ ફરિયાદ ખોટી હોવાનું જણાવીને જેતપરના ગ્રામજનો દ્વારા રોષપૂર્ણ રીતે સરકારી દવાખાનાને તાળાબંધી કરી ડોકટરના સમર્થનમાં ગામ બંધ પાડ્યું હતું. બાદમાં ગ્રામજનોએ મોરબી જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચીને બનાવ સંદર્ભે જિલ્લા કલેકટરને આવેદન પણ પાઠવ્યું હતું.

- text

આવેદનમાં ગ્રામજનોએ જણાવ્યું હતું કે આ તબીબ છેલ્લા ૨ વર્ષથી ગામમાં ફરજ બજાવે છે.તેઓની આજ સુધી કોઈ ફરિયાદ મળી નથી. તબીબ પર કરવામાં આવેલ આક્ષેપો તદ્દન ખોટા છે. જેથી તેની સામે નોંધાયેલી એસ્ટ્રોસિટી અને છેડતીની ફરિયાદ પાછી ખેંચી લેવામાં આવે તેવી માંગ છે. જો આ ફરિયાદ પાછી ખેંચવામાં નહિ આવે તો ફરી સરકારી દવાખાનાને તાળાબંધી કરવામાં આવશે.

આ અંગે ગામના સરપંચ વીણાબેન ગોસ્વામીએ જણાવ્યું કે આ ઘટનાથી ગ્રામજનોમાં ભારે રોષની લાગણી ફેલાઇ છે.કારણ કે ડોકટર પર કરવામાં આવેલા આક્ષેપો પાયાવિહોણા છે. જો ડોકટર સામે નોંધાયેલી ફરિયાદ પાછી ખેંચવામાં નહિ આવે તો ગ્રામજનો દ્વારા ધરણા કરવામાં આવશે.

- text