મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખને બદલી નાખો : આગેવાનોની પ્રદેશ પ્રમુખને રજુઆત

હાલના જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સામેના આંતરિક અસંતોષે વધુ જોર પકડ્યું

મોરબી : મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સામે સ્થાનિક આગેવાનો અને કાર્યકરોમાં પ્રવત્તતા અસંતોષે વધુ જોર પકડ્યું છે. કોંગી આગેવાનોએ પ્રદેશ કોંગ્રેસને રજુઆત કરી નવા પ્રમુખ તરીકે ત્રણ નામોની ભલામણ કરી ત્રણમાંથી કોઈ એકને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બનાવવાની માંગ કરી છે.

મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સામે સર્જાયેલો આંતરિક અસંતોષ વધુને વધુ પ્રબળ બની રહ્યો છે. ખાસ કરીને જિલ્લા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં કોંગ્રેસના સદસ્યોમાં બે જૂથ પડી ગયા હતા. બાદમાં નારાજ જૂથના સદસ્યએ જિલ્લા પંચાયતનું સુકાન સંભાળ્યુ હતું. ત્યારબાદ આંતરિક ચંચુપાતને લઈને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સાથે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોમાં ભારે અસંતોષ ચાલી રહ્યો હતો.

જેથી જિલ્લા કોંગ્રેસ પ્રમુખને બદલવા માટે રજૂઆતો કરવામાં આવી રહી છે. કોંગી આગેવાનો ભીમજીભાઈ ડાભી, હાસમભાઈ આમદભાઈ, જયંતીભાઈ પટેલ, પ્રવિણસિંહ જાડેજા સહિતનાએ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઇ ચાવડા અને વિપક્ષી નેતા પરેશ ધાનાણીને રજુઆત કરી હતી કે મોરબી જિલ્લામાં કોંગ્રેસના પ્રમુખ પદે મોરબી શહેરમાં જ રહેલા અને શહેર તથા જિલ્લાના કોંગી અગ્રણીઓ, કાર્યકરો સાથે રોજિંદા સંપર્ક ધરાવતા મૂળભૂત કોંગ્રેસી વિચારધારાને વરેલા આગેવાનની પસંદગી કરવી.

રજુઆતમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પદ માટે કોંગી અગ્રણી જયંતિભાઈ પટેલ, લખમણભાઈ કંઝારીયા અને રમેશભાઈ રબારીના નામોની ભલામણ કરી આ ત્રણમાંથી કોઈ એકને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બનાવવાની માંગ કરવામાં આવી છે.