લતીપર ગામની ગૌશાળામાં ગૌવંશ વેચવાનું કારસ્તાન ખુલ્લું પાડતા મોરબીના જીવદયાપ્રેમીઓ

- text


લતીપરની ગૌશાળામાંથી ૪૦ ધણખૂટ રાજકોટ કતલખાને ધકેલાય તે પૂર્વે જ પોલીસે ઓપરેશન પાર પાડ્યું : પાંચ ટ્રક સહિત ૨૨,૫૦,૦૦૦ નો મુદામાલ જપ્ત : ગૌશાળાના સંચાલક અને લતીપરના સરપંચ સહિતના શખસો વિરુદ્ધ ફોજદારી ફરીયાદ

મોરબી : ગૌશાળાના નામે દાન ધર્માદો લઈ ગાયોની સેવા કરવાને બદલે કતલખાને ધકેલવાના ચોકવનારા કારસ્તાનનો મોરબીના જીવદયા પ્રેમીઓએ ઘટસ્ફોટ કરી પોલીસની મદદથી ૪૦ અબોલ ધણખૂટને ક્રૂરતા પૂર્વક મોતને ઘાટ ઉતારાય તે પૂર્વે જ પાંચ ટ્રક ચાલક અને લતીપર ગામના ગૌશાળા સંચાલક અને સરપંચ સાહિતનાઓની ઘાતકીવૃત્તિ ખુલ્લી પાડતા સમગ્ર રાજ્યમાં પડઘા પડ્યા છે.

ગાયોની સેવાના નામે ગૌવંશને કતલખાને ધકેલવાના આ ચકચારી કારસ્તાનની વિગતો જોઈએ તો ટંકારા – લતીપર હાઇવે ઉપર આવેલી રામરોટી આશ્રમ મંદિર નામની ગૌશાળામાંથી પાંચ ટ્રક ભરીને ગૌવંશ કતલખાને મોકલવામાં આવનાર હોવાની સચોટ બાતમી જીવદયા પ્રેમી અનિલભાઈ ઉર્ફે દેવભાઈ વિનુભાઈ બોરાણા, રે.ચોટીલાવાળા મોરબી હતા ત્યારે મળતા તેમના ગ્રુપના કમલેશભાઈ ભગવાનભાઈ, મિલનભાઈ સોલંકી, વિજયસિંહ ઝાલા, પાર્થભાઈ નેસડીયા વગેરે લોકો લતીપર ચોકડીએ ભેગા થયા હતા અને તાત્કાલિક બાતમી વાળી જગ્યાએ એટલે કે લતીપરની ગૌશાળાએ પહોંચ્યા હતા જ્યાં તાલપત્રી બાંધેલા જુદા – જુદા ટ્રકમાં ગૌવંશ ભર્યા હોવાનું જણાતા તાત્કાલિક ધ્રોલ પોલીસને બોલાવી પંચનામું કરાવતા એક ટ્રકમાં ૮ – ૮ પશુઓ મળી કુલ ૪૦ ઘણખૂટને ક્રૂરતા પૂર્વક બાંધી રાજકોટ લઈ જવાતા હોવાનું ખુલ્યું હતું.

- text

આ મામલે મોરબી પંથકના ગૌરક્ષકો અને જીવદયા પ્રેમીની ફરિયાદના આધારે પોલીસે આરોપી ટ્રક ચાલક સદામહુસેન કરીમભાઈ પરમાર, ફિરોઝ અજિતભાઈ નકાણી, મનુભાઈ ભલાભાઈ પરમાર, સતારભાઈ જુમાભાઈ કેડાને અટકાયતમાં લીધા હતા જ્યારે પાંચમો ટ્રક ચાલક નાસી છૂટ્યો હતો.

ગૌશાળામાંથી ગૌવંશને કતલખાને ધકેલવાના આ કારસ્તાનમાં ધ્રોલ પોલીસે ૪૦ ધણખૂટ જેની કિંમત પ્રત્યેકના રૂપિયા ૫ હજાર ગણી રૂપિયા ૨,૦૦,૦૦૦ ને પાંચ ટ્રક કિ.૨૨,૫૦,૦૦૦ ગણી મુદામાલ જપ્ત કરી અબોલ પશુઓને રાજકોટ મહાજન પાંજરાપોળ ખાતે મોકલવાની વ્યવસ્થા ગોઠવી હતી.

જ્યારે બીજી તરફ આ અધમ પાપી કૃત્ય આચરનાર લતીપર ગૌશાળાના સંચાલક ગણેશ મુંગરા, જગા જેઠા રામાણી, હસમુખ રામાણી, ભગવત રામાણી, સંજય પટેલ અને લતીપરના સરપંચ લાલજીભાઈ વિરુદ્ધ પશુ પ્રત્યે ઘાતકીપણુ આચરી અબોલ પશુઓને કતલખાને ધકેલવા મામલે ફોજદારી ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

- text