ટંકારાના લજાઈ ગામની વિવાદિત ખરાવાડ જમીન પર પ્રવેશબંધી ફરમાવતા મામલતદાર

- text


જમીનની માલિકી બાબતે ને સમાજમાં વિવાદ : કોર્ટનો નિર્ણય ન આવે ત્યાં સુધી જમીનની સ્થિતિ યથાવત રાખવાની નોટિસ

ટંકારા : ટંકારાના લજાઈ ગામે આવેલ જમીન બાબતે બે સમાજમાં વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે આ વિવાદ વકરે એ પૂર્વે મામલતદારે વિવાદિત ખરાવાડ જમીન પર પ્રવેશબંધી ફરમાવી છે. ઉપરાંત જ્યાં સુધી કોર્ટનો હુકમ ન આવે ત્યાં સુધી આ જમીનની સ્થિતિ પહેલાની જેમ જ યથાવત રાખવાની નોટિસ પણ જાહેર કરી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ ટંકારા તાલુકાના લજાઈ ગામના સર્વે નં. ૬૯૪ પૈકીની ખરાબાની ખરાવાડ તરીકે ઓળખાતી જમીનની માલિકીને લઈને બે સમાજ દ્વારા છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. આ જમીન પરની માલિકી માટે બન્ને સમાજ દ્વારા સામસામી અનેક વખત રાજુઆતો પણ કરવામાં આવી છે. ઉપરાંત આ મામલે કોર્ટમાં કેસ પણ ચાલી રહ્યો છે.

- text

ખરાવાડ જમીનનો વિવાદ વધુ વકરે તે પૂર્વે મામલતદાર દ્વારા જમીન પર રૂબરૂ જઈને નોટિસ ચીપકવવામાં આવી છે. જેમાં જણાવાયું છે કે જ્યાં સુધી મોરબી સિવિલ કોર્ટનો નિર્ણય ન આવે ત્યાં સુધી આ જમીન પર કોઈએ પ્રવેશ કરવો નહિ. ઉપરાંત કોઈએ બાંધકામ કરવું નહીં. કોર્ટના નિર્ણય સુધી આ જમીનની સ્થિતિ યથાવત રાખવાની રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે વિવાદિત ખરાવાડ જમીનન લઈને બે સમાજો વચ્ચે પણ વિવાદ ચાલ્યો આવે છે. અગાઉ આ જમીન મુદે એક સમજે તો બીજા સમાજના વ્યક્તિની દુકાને વસ્તુ લેવા નહિ જવાનું, તેના વાહનમાં નહિ બેસવાનું તેમજ તેની સાથે કોઈ પણ જાતનો વ્યવહાર નહિ રાખવાનો ફતવો પણ બહાર પાડ્યો હતો. હાલ વિવાદ વકરે તે પૂર્વે મામલતદારે જરૂરી પગલાં લીધા છે.

- text