કાલ શુક્રવારથી અચોક્કસ મુદત માટે ટ્રક હડતાલ : મોરબીના ઉદ્યોગોની મુશ્કેલી વધશે

- text


મોરબીના ટ્રાન્સપોર્ટસ પણ દેશવ્યાપી હડતાલમાં જોડાશે : મોરબીના ૩૦૦૦ ટ્રકોના પૈડાં થંભી જશે

મોરબી : ટ્રાન્સપોર્ટરો દ્વારા દેશવ્યાપી હડતાલનું એલાન કરવામાં આવ્યું છે. ટ્રક ટ્રાન્સપોર્ટ એસો ગુજરાત દ્વારા દેશવ્યાપી ટ્રાન્સપોર્ટ હડતાલમાં જોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જેથી મોરબી ટ્રક ટ્રાન્સપોર્ટ એસો દ્વારા પણ હડતાલને ટેકો જાહેર કરવામાં આવ્યો હોવાથી તા. ૨૦થી ૩૦૦૦ ટ્રકોના પૈડા થંભી જશે.

મોરબી ટ્રક ટ્રાન્સપોર્ટ એસોની તાજેતરમાં સિરામિક એસોસીએશન સાથે બેઠક યોજવામાં આવી હતી જેમાં મોરબી ટ્રાન્સપોર્ટ એસોના પ્રમુખ પ્રભાતભાઈ આહીર, રાજકોટ ટ્રાન્સપોર્ટ એસોના પ્રમુખ અને અખિલ ગુજરાત ટ્રાન્સપોર્ટ એસો ઉપપ્રમુખ હસુભાઈ ભગદેવ તેમજ સિરામિક એસોના અગ્રણીઓ અને ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા ટ્રાન્સપોર્ટ ઉદ્યોગના ડીઝલના ભાવોનો વધારો, ટોલ ટેક્સ ફ્રી ભારત, ઇન્સ્યુરન્સના મુદા તેમજ ટીડીએસ અને જીએસટી મુદે ટ્રાન્સપોર્ટ એસો દ્વારા દેશવ્યાપી હડતાલ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે અને તા. ૨૦ થી થનારી દેશવ્યાપી હડતાલમાં મોરબી ટ્રક ટ્રાન્સપોર્ટ એસો પણ જોડાવવાનું હોવાની માહિતી સિરામિક એસોને આપવામાં આવી હતી

- text

જે હડતાલને પગલે મોરબીના ૩૦૦૦ ટ્રકોના પૈડા થંભી જશે, ૭૦૦ ટ્રાન્સપોર્ટર હડતાલમાં જોડાશે જેથી આ વ્યવસાય સાથે જોડાયેલા ૧૦,૦૦૦ લોકોની રોજીરોટી પર અસર પડશે તો વળી સિરામિક ઉદ્યોગના માલની હેરફેર અટકી જવાથી સિરામિક ઉદ્યોગને અસર થશે તેમજ જો હડતાલ લાંબી ચાલી તો સિરામિક ઉદ્યોગ સાથે જોડાયેલા લાખો લોકો પ્રભાવિત થશે.

મોરબીમાં યોજાયેલી બેઠકમાં મોરબી ટ્રાન્સપોર્ટ એસોના હોદેદારો ઉપરાંત રાજકોટ, ચોટીલા, વાંકાનેર, થાન સહિતના ટ્રાન્સપોર્ટ એસોના અગ્રણીઓ જોડાયા હતા અને હડતાલને ટેકો જાહેર કર્યો છે જેથી ૨૦ તારીખથી હડતાલનો પ્રારંભ કરવામાં આવશે.

- text