મોરબી તાલુકા પંચાયતમાં ભડકો : હોદા ન મળતા કોંગ્રેસના સભ્યો નારાજ

રવાપરના નારાજ સભ્યે લેખિત આપી દીધું કે નવા જૂની થાય તો પછી ન કહેતા !!!

મોરબી : મોરબી જિલ્લા પંચાયતમાં બાગીઓની બગાવત અને માળીયા તાલુકા પંચાયતમાં બહુમતી છતાં કોંગ્રેસના હાથમાંથી સતા છીનવાઈ ગયા બાદ હવે મોરબી તાલુકા પંચાયતમાં હોદાની લાલસામાં કોંગ્રેસમાં ભડકો થયો છે અને રવાપર બેઠકના સભ્યએ નવા – જુની કરવાની ચીમકી પણ આપી દેતા સનસનાટી મચી જવા પામી છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકા પંચાયતમાં ૧- રવાપર બેઠક પરથી ભારે બહુમતી સાથે ચૂંટાઈ આવેલા સભ્ય લલિતભાઈ ચતુરભાઈ કાસુન્દ્રાએ તાલુકા પંચાયતમાં પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી સમિતિમાં વરણી સમયે પોતાને તેમજ અન્ય સભ્યોને વિશ્વાસમાં લેવામાં ન આવ્યા હોવાનો ધડાકો કરી પ્રેસ – મીડિયાને ખુલ્લો પત્ર લખી તાલુકા પંચાયતમાં જો હુકમી અને મનમાની કરી હોદ્દાઓની લ્હાણી કરવામાં આવી હોવાનો ઘટસ્ફોટ કર્યો છે.

વધુમાં રવાપર બેઠકના નારાજ સભ્ય લલિતભાઈ કાસુન્દ્રાએ જો મોરબી કોંગ્રેસના કર્તા હર્તા દ્વારા યોગ્ય પગલાં નહિ લેવાય તો આવનાર દિવસોમાં નવા જૂની કરવાની પણ ચીમકી આપી છે.

આમ, મોરબી કોંગ્રેસ માટે એક સંઘે ત્યાં તેર તૂટેના ઘાટ વચ્ચે કોંગ્રેસમાં ઘરના જ ઘાતકી કહેવત સાચી પડી રહી છે અને સતાલાલચુઓ પોતાના સ્વાર્થ માટે કોઈ પણ હદે જવા તૈયાર હોવાનું પણ સ્પષ્ટ બન્યું છે.