ખંડણીકાંડના આરોપીનો ચોંકાવનારો ખુલાસો : પહેલા પરસોતમ સોલંકીને ટાર્ગેટ બનાવ્યા ‘તા

- text


બી અને સી ગ્રેડના કલાકારો અને મંત્રી પરસોતમ સોલંકી પાસેથી ખંડણી મેળવવામાં અસફળ રહ્યા બાદ પૂર્વ મંત્રી કવાડિયાને ટાર્ગેટ બનાવ્યા : આસી.ડાયરેકટર આર્થિક ભીંસના કારણે ક્રાઈમ તરફ પ્રેરાયો

મોરબી : મોરબી રહેતા પૂર્વ રાજયમંત્રી કવાડિયા પાસેથી ફોન પર રૂ.૫ લાખની ખંડણી માંગનાર બી અને સી ગ્રેડની ફિલ્મોના આસી. ડિરેક્ટરે પોલિસની પૂછપરછ દરમિયાન ચોંકાવનારી કબુલાત આપી હતી કે તેને અગાઉ બી અને સી ગ્રેડના કલાકારો પાસેથી પણ ખંડણી માંગવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ કલાકારોએ તેને ગણકાર્યો ન હતો. ઉપરાંત મંત્રી પરસોતમ સોલંકીને પણ ટાર્ગેટ કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તે અસફળ રહયો હતો.

હળવદ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ રાજયમંત્રી જયંતિભાઈ કવાડિયાને ગત તા. ૧૬ના રોજ અજાણ્યા શખ્સે ફોન કરી હિન્દીમાં વાત કરીને પોતે અર્જુન તરીકે ઓળખ આપી ગેંગસ્ટર રવિ પૂજારીના માણસ હોવાનું જણાવી જાનથી મારી નાખવાની ધમકી આપી રૂ.૫ લાખની ખંડણી માંગી હતી. આ બનાવને પોલીસે ગંભીરતાથી લઈને આરોપીનું લોકેશન મેળવી તેને ઝડપી લીધો હતો. આ આરોપી બી અને સી ગ્રેડની ફિલ્મોનો આસી. ડાયરેકટર આશિષકુમાર રામનરેશ શર્મા હોવાનું ખુલ્યું હતું. પોલીસે તેને મુંબઈથી પકડ્યો હતો.

- text

પોલીસ પૂછપરછમાં આરોપી ગેંગસ્ટર રવિ પૂજારીના પરિચયમાં ન હોવાનું ખુલ્યું હતું. આ આરોપીએ રવિ પૂજારીના નામનો ઉપયોગ કરીને પોતે આર્થિક સંકડામણમાં હોવાથી ખંડણી માંગવાનો પ્રયાસ કર્યો હતો. આરોપીના જણાવ્યા મુજબ તેને ફિલ્મ લાઈનમાં ઘણા ઓછા રૂપિયા મળતા તે આર્થિક ભીંસમાં મુકાઈ ગયો હતો. આરોપી પાસે તેના નાના ભાઈ બહેનની ફી ભરવાના પણ પૈસા ન હતા. ઉપરાંત તેના પિતા પર રૂ. ૧૦ લાખનું દેવું થઈ ગયું હતું. આ આર્થિક ભીંસ દૂર કરવા તે ગુનાહિત પ્રવૃત્તિ તરફ પ્રેરાયો હતો.

આરોપીએ ચોંકાવનારા ખુલાસા કર્યા હતા કે અગાઉ તેને બી અને સી ગ્રેડના કલાકારો પાસેથી ખંડણી ઉઘરાવવાના પ્રયાસ કર્યા હતા. પરંતુ કલાકારોએ તેને ગણકાર્યો ન હતો. જેના કારણે તેને રાજકારણી પાસેથી ખંડણી ઉઘરાવાનો નિર્ણય લીધો હતો. આરોપીએ પ્રથમ ઈન્ટરનેટ પરથી ગુજરાત અને મધ્યપ્રદેશના ધારાસભ્ય અને મંત્રીઓના નામ સર્ચ કરાવી તેના ટાર્ગેટ નક્કી કર્યા હતા. પ્રથમ તેને મંત્રી પરસોતમ સોલંકીને ટાર્ગેટ કર્યા હતા. પરંતુ તેમાં તે સફળ થયો ન હતો. અંતે તેને પૂર્વ મંત્રી જયંતીભાઈ કવાડિયાને ટાર્ગેટ બનાવીને તેની પાસેથી ખંડણી માંગી હતી અને તે ઝડપાઇ ગયો હતો.

- text