મોરબીમાં મંજૂરી વગર બાંધકામનું પ્રમાણ વધતા ચીફ ઓફિસર સર્વે માટે ૩ ટીમો મેદાનમાં ઉતારશે

- text


ત્રણેય ટીમો દરરોજ રાઉન્ડ અપ કરીને શહેરમાં થતા બાંધકામની માહિતી એકત્ર કરી તેનો રિપોર્ટ પાલિકાને આપશે

મોરબી : બાંધકામ મંજૂરીની પ્રક્રિયા ઓનલાઈન કરવામાં આવી હોવા છતા મોરબીમાં મંજૂરી વગર બેફામ બાંધકામ થતા હોવાથી ચીફ ઓફિસરે ત્રણ ટીમ બનાવી તેને શહેરમાં સર્વે કરવાની કામગીરી સોંપી છે. કુલ ૯ અધિકારી અને કર્મચારીઓની આ ટીમ દરરોજ શહેરભરમાં રાઉન્ડ અપ કરીને બાંધકામનો રિપોર્ટ પાલિકાને સોંપશે.

રાજ્ય સરકારે તાજેતરમાં બાંધકામની ઓનલાઈન મંજૂરી આપવાની પ્રથા અમલમાં મૂકી છે. ઉપરાંત બાંધકામની પરવાનગી લેવામાં લોકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે ખાસ તકેદારી લેવામાં આવી રહી છે. આમ છતાં મોરબીમાં બાંધકામ કરતા પૂર્વે લોકો મંજૂરી લેતા ન હોવાનું પાલિકા તંત્રના ધ્યાને આવ્યુ છે.

- text

હાલ મોરબીમાં ચાલતા બાંધકામ અંગેની નોંધ રાખવા ચીફ ઓફિસર ગિરીશ સરૈયાએ ૩ ટીમો બનાવી છે. આ ટીમો ૧૨૫ ચો.મીટરથી વધુનું નવું બાંધકામ, પાયાનું ખોદાણ તેમજ જૂનું બાંધકામ પાડવાની કાર્યવાહી થતી હોય તેનો સર્વે કરશે. આ ટીમને આગામી ૩૦ દિવસ સુધી જે તે વિસ્તારો સોંપવામાં આવ્યા છે. વોર્ડ વાઇઝ આ ટિમો રાઉન્ડ અપ કરશે અને તેનો પાલિકામાં રિપોર્ટ આપશે.

મોરબી નગર પાલિકા વિસ્તારમાં મોટાપાયે ગેરકાયદે બાંધકામો થઈ રહ્યા છે. એક સર્વે મુજબ મોરબી શહેરમાં 500થી વધુ મંજૂરી વગરમાં એપાર્ટમેન્ટો ખડકાઈ ગયા છે. જેમાં અત્યંત જરૂરી તેવી ફાયરની સુવિધા પણ નથી. ત્યારે મોરબી નગર પાલિકા દ્વારા આવા મંજૂરી વગરના બાંધકામો રોકવા બનાવેલી ટિમ કેવી કામગીરી કરે છે તે જોવાનું રહ્યું.

- text