હળવદના વિહોતનગરમાં પાંચ દિવસમાં પાણી નહિ મળે તો આત્મવિલોપન કરવાની ચીમકી

- text


તંત્રની વ્હાલા-દવલાની નીતિથી પાણી માટે તરસ્યા અગરીયા પરિવારો : છેલ્લા બે માસથી વિહોતનગરની પાણીની લાઇન બંધ કરાતાં ગામલોકોમાં રોષ

હળવદ : હળવદ અને કીડી ગામે થી પસાર થતી પાણીની પાઇપલાઇન બંધ કરી દેવામાં આવતા હળવદ પંથકના રણકાઠાના વિહોતનગરમાં અગરિયાઓને પાણી મળતું બંધ થયું હતું. જેને પગલે હળવદ મામલતદાર કચેરી ખાતે ધરણા શરૂ થયા હતા. બાદમાં તંત્રએ ખાતરી આપી ધરણા મોકૂફ રખાવ્યા હતા. છતાં પણ અગ્રણીઓએ પાંચ દિવસનું અલટીમેટમ આપીને આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે.

હળવદ તાલુકાના જોગડ અને કીડી ગામેથી પસાર થતી વિહોતનગરની પાણીની પાઇપલાઇન વાટે રણકાંઠાના અગરીયા પરિવારોને પાણી પુરવઠા બોર્ડ દ્વારા પીવાનું પાણી પુરૂ પાડવામાં આવતું હતું પરંતુ કોઇ રાજકીય ઇશારે વિહોતનગરની પાણીની લાઇન છેલ્લા બે માસથી બંધ કરી દેવાતા રણકાંઠાના અગરીયાઓ પાણીની પોકાર લગાવી છે ત્યારે આ બાબતે અગરીયા નિવારણ મંચ અને સમસ્ત ચુવાળિયા કોળી ઠાકોર સમાજના પ્રમુખ દ્વારા હળવદ મામલતદાર સહિત મોરબી, સુરેન્દ્રનગર કલેકટરને લેખિત રજૂઆત કરી છે.તેમ છતાં પણ પાણીની સમસ્યા હલ ન કરાતા વિહોતનગરના ગ્રામજનો દ્વારા હળવદ મામલતદાર કચેરી ખાતે ધરણાં પર ઉતરી જતાં તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી અને પાંચ દીવસમાં પાણીની સમસ્યા દુર કરવાની ખાતરી આપી હતી.

હળવદ પંથકમાં મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યામાં દિવસેને દિવસે વધારો થતો જોવા મળે છે ત્યારે હળવદના જોગડ, વિહોતનગર ગામે છેલ્લા બે માસથી પાણીનુ એક ટીપુય ન આવતું હોવાથી ગ્રામજનો દ્વારા અનેકવાર પાણી અંગે બહેરા તંત્રને રજુઆત કરી હોવા છતાં પણ કોઈપણ પ્રકારની રજુઆત ધ્યાને નહી લેવાતા આજરોજ સમસ્ત ચુવાળિયા કોળી ઠાકોર સમાજ અને અગરીયા સમસ્યા નિવારણ મંચના પ્રમુખ પપ્પુભાઈ ઠાકોરની આગેવાની હેઠળ જોગડ વિહોતનગરના ગ્રામજનો હળવદ મામલતદાર કચેરી ખાતે ધશી આવી આવેદનપત્ર આપી પાણી માટે ધરણાં પર ઉતરી ગયા હતા. જેથી તંત્રમાં ભારે દોડધામ મચી જવા પામી હતી.

- text

ગ્રામજનોની પાણીની સમસ્યાને ધ્યાને લઈ મામલતદાર દ્વારા પાંચ દિવસમાં પાણીની સમસ્યા દૂર કરવાની ખાતરી આપતા ધરણાંનો કાર્યક્રમ સમેટી લેવાયો હતો. આ તકે ઠાકોર સમાજના અગ્રણી પ્પપુભાઈ ઠાકોર, ચતુરભાઈ ચરમારી, ભરતભાઈ રાઠોડ સહિતનાઓ ધરણાંમા જોડાયા હતા. હળવદ મામલતદારને આપેલા આવેદનપત્રમાં જણાવ્યુ હતુ, કે ગામમાં બે માસથી પાણી નહીં આવતાં લોકોની સાથે પશુના અવાડા પણ ખાલી હોવાથી પશુ સણપાણી માટે ભાંભરડા પાડી રહ્યા છે જેથી પાંચ દિવસમાં અમારા ગામની પાણીની સમસ્યા દુર નહી કરવામાં આવે તો નાછુટકે પાણી માટે હળવદ મામલતદાર કચેરીના પટાંગણમાં આત્મવિલોપન કરીશું તેમ આવેદનપત્રમાં જણાવતા જિલ્લા સહિત તાલુકાના અધિકારીઓમાં દોડધામ મચી હતી.

આ અંગે પપ્પુભાઈ ઠાકોરે જણાવ્યું કે વિહોતનગરના ગ્રામજનોને તાલુકાના કીડી ગામેથી પાઇપલાઈન મારફત પાણી પુરૂ પાડવામાં આવતું હતું પરંતુ રાજકીય ઈશારે કિન્નાખોરી દાખવી ગ્રામજનોને બે માસથી પાણીથી વંચીત રખાયા છે. આ બાબતે સાંખી લેવામાં નહીં આવે તેવી ધારદાર રજૂઆત અગરીયા નિવારણ મંચના પ્રમુખ દ્વારા કરવામાં આવી હતી.

- text