ટંકારામાં ઉપવાસ આંદોલનનો ત્રીજો દિવસ : મહિલા સરપંચ દંપતિ અડગ

- text


અધિકારીઓ અને પદાધિકારીઓ માત્ર કોણીએ ગોળ ચોપડવા જ છાવણીની મુલાકાતે આવતા હોય તેવો ઘાટ સર્જાયો

ટંકારા : ટંકારામાં ફિલ્ટર પ્લાન્ટ મામલે સરપંચ દંપતી દ્વારા ચાલુ કરવામાં આવેલા ઉપવાસ આંદોલનનો આજે ત્રીજો દિવસ છે. અનશન છાવણીની મુલાકાતે આવેલા અધિકારીઓ અને પદાધિકારીઓ જાણે કોણીએ ગોળ ચોપડવા જ આવ્યા હોય તેવો ઘાટ સર્જાયો છે.ત્રણ દિવસથી આંદોલન ચાલુ છે છતાં કોઈ ઉકેલ ન આવતા નગરજનોમાં પણ રોષ ભભૂકી રહ્યો છે.

આજથી છ વર્ષ પહેલા ટંકારા ગામને શુદ્ધ પીવાનું પાણી મળી રહે એ માટે સંપ અને ફિલ્ટર પ્લાન્ટ માટે શરૂ કરેલી વિચારણા ત્રણ વર્ષની લાંબી પ્રક્રિયા બાદ મંજુર થયા પછી પણ આજે તેને મંજૂર થયાના ત્રણ વર્ષ વીતી ગયા છતાં શુદ્ધ પાણીના પ્લાન્ટના કોઈ ઠેકાણા ન હોય અંતે પૂર્વ સરપંચ અને વર્તમાન મહિલા સરપંચ દંપતીએ હાલ પાણી ના પ્લાન્ટ બાબતે આમરણ ઉપવાસ છેડ્યું છે અને આ મુદો આખાય નગરમાં ચર્ચાસ્પદ બની છે કે ગતિશીલ ગુજરાતમાં છ વર્ષ પણ કામ થતું નથી.

- text

આશ્ચર્યજનક વાત તો એ છે કે ઉપવાસ ઉપર બેઠેલા સરપંચ અને તેમના સભ્ય ભાજપ પક્ષના હોદ્દેદારો અને સંગઠનને ટેકો આપનાર હોવા છતાં તેની સરકાર સામે અનશન કરવુ પડે તો આથી બિજી શરમની વાત શું કહી શકાય.દંપતીએ શરૂ કરેલા આમરણ ઉપવાસના ત્રીજા દિવસે પણ આ સમસ્યાનો કોઈ રસ્તો હજી સુધી નજરે પડતો નથી ત્યારે હવે નગરજનો અને સભ્યો દ્વારા આશ્ચર્યજનક કાર્યક્રમોની તૈયારી પણ કરી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.

શહેરના પ્રબુદ્ધ નાગરિકો અને જાહેર સંસ્થાઓ સાથે જોડાયેલા લોકોએ આંદોલનને ટેકો જાહેર કરવા મામલતદારને સમૂહમાં આવેદનપત્ર આપવાનું નક્કી કર્યાનું પણ જાણવા મળ્યું છે ત્યારે આ આંદોલન હજી કેટલું લાબું ચાલે તેનો કોઈ છેડો તો નથી પરંતુ સરપંચ દંપતી દ્વારા સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે શુદ્ધ પીવાના પાણીના પ્લાન્ટ ની માંગણી નહિ સંતોષાય ત્યાં સુધી ઉપવાસ આંદોલન ચાલુ રહેશે.

- text