વાંકાનેરમા ભરવાડ સમાજે શિક્ષણની જયોત પ્રગટાવી

- text


સંતોના હસ્તે શિક્ષણની ધ્વજાનું આરોહણ : લોકડાયરામા ગીતાબેન રબારી અને હકાભા ગઢવીએ ભજન અને લોકગીતોની રમઝટ બોલાવી, લોકો ઉમટી પડયા

હળવદ : ગોપાલક કુમાર છાત્રાલય આયોજિત શિક્ષણ જયોત તેમજ શિક્ષણ ધ્વજા આરોહણનો પ્રથમ કાર્યક્રમ મોરબી જિલ્લાના વાંકાનેર ખાતે યોજાયો હતો. જેમાં ભરવાડ સમાજ શિક્ષિત બને તેવા ઉદેશ સાથે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિક્ષણ જયોતના સમારોહમાં ભરવાડ સમાજના ધર્મગુરૂ અને સંતો-મહંતો તેમજ રાજકીય અગ્રણીઓ વિશેષ અતિથિ તરીકે ખાસ ઉપસ્થિતિ રહ્યા હતા

આજના હરણફાળ ભર્યાં યુગમાં શૈક્ષણિક રીતે ભરવાડ સમાજના બાળકો ઉચ્ચ શિક્ષણ મેળવી સમાજની સાથે સાથે અન્ય સમાજના લોકોને પણ ઉપયોગી બને તેમજ સમાજને ગૌરવ પ્રદાન કરે તેવા ખરા ઉદેશ્ય સાથે વાંકાનેર ગૌપાલક કુમાર છાત્રાલય દ્વારા શિક્ષણ જયોત તેમજ શિક્ષણ ધ્વજા આરોહણના કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ. આ કાર્યક્રમની રૂપરેખામાં પ્રથમ સંધ્યા આરતી પહેલા મચ્છો માતાજીના મંદિરે ભરવાડ સમાજના ધર્મગુરૂની હાજરીમાં શિક્ષણ જયોત પ્રગટાવામાં આવી હતી અને ત્યારબાદ ગોપાલક છાત્રાલય પર શિક્ષણની ધજા ફરકાવવામાં આવી હતી.

- text

શનિવારની સાંજે ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોકિલકંઠી અને લોકગાયીકા ગીતાબેન રબારી તેમજ લોક સાહિત્યકાર હકાભા ગઢવીએ ધૂન ભજન તેમજ લોકગીતોની રમઝટ બોલાવી હતી. જેમાં ભરવાડ સમાજની સાથે અન્ય સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા

આ તકે ભરવાડ સમાજ ના ધર્મગુરૂ પ.પુ.સંતશ્રી ઘનશ્યામપુરી બાપુ થરા, પ.પુ સંતશ્રી રાજેન્દ્રદાસ બાપુ તોરણીયા, શ્રી બંશીદાસબાપુ આપા જાલાની જગ્યા મેસરીયા, શ્રી કરશનભગત વાસંગીની જગ્યા-નાગલપર, લખમણભગત, કનુભગત, નાથાભગત સહિતના સંતો મહંતો તેમજ વીરમગામના ધારાસભ્ય લાખાભાઈ ભરવાડ, સાસંદ મોહનભાઈ કુંડાળીયા, મોરબી જીલ્લા નોડલ ઓફીસર ગીરીશભાઈ સરૈયા, ભરવાડ સમાજના અગ્રણી માત્રાભાઈ મુંધવા, જયેશભાઈ ગોલતર, નાથાભાઈ ડાભી, રૈયાભાઈ મુધવા, રેવાભાઈ ખરગીયા, કાળુભાઇ માંગુડા વગેરે ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભામાં અભિવૃદ્ધિ આપી હતી.

આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ગેલાભાઇ ડાભી, કવાભાઇ ગોલતર, ડાયાભાઇ સરૈયા, હીરાભાઈ બામ્ભા તેમજ ગૌપાલક યુવા સંગઠન વાકાનેર દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.

- text