મોરબીમાં યોજાશે અનોખું સંમેલન : કડવા પટેલ અને મુમના પટેલ સમાજને નજીક લાવવાની પ્રેરણાદાયી પહેલ

- text


મુમના પટેલ સમાજ અને કડવા પટેલ સમાજનું ૧૫મીએ મોરબીમાં ભવ્ય સંમેલન : એક જ પૂર્વજોના વંશજો ગણાતા એવા બન્ને સમાજ આત્મીયતા કેળવી એકબીજાને ઉપયોગી થવાની ચર્ચા વિચારણા કરશે

મોરબી : વર્ષો પૂર્વે અનેક કડવા પટેલોએ ભિન્ન ધર્મ ઉપાસના સાથે જોડાતા તેઓ મુમના પટેલ(મુસ્લિમ) તરીકે ઓળખાવા લાગ્યા હતા. તેઓ ઘણા વર્ષો પહેલા વાંકાનેર તેમજ ટંકારા તાલુકામાં સ્થાયી થયા હતા. તેઓની સાથે આત્મીયતાનો સંબંધ કેળવવા મોરબી પંથકના કડવા પટેલ અગ્રણીઓએ આગામી ૧૫ મીએ પટેલ વિચાર ગોષ્ઠી પ્રતિનિધિ સંમેલનનું આયોજન કર્યું છે.

વર્ષો પૂર્વે મુખ્યત્વે ઉત્તર ગુજરાતમાં કડવા પટેલો વસતા હતા. જેમાંના અનેક લોકોએ કોઈ કારણોસર ભિન્ન ધર્મ ઉપાસના અપનાવતા તેઓ મુમના પટેલ(મુસ્લિમ) તરીકે ઓળખાવા લાગ્યા હતા. તેઓ ઉત્તર ગુજરાત છોડીને વાંકાનેર તેમજ ટંકારા તાલુકામાં આવીને વસ્યા હતા. જોગનું જોગ ઉત્તર ગુજરાતના હિન્દૂ કડવા પટેલ સમાજના લોકો પણ ઉત્તર ગુજરાતમાંથી સ્થળાંતર કરીને મોરબી પંથકમાં વસ્યા હતા અને એકબીજાના પાડોશી બન્યા હતા.

મોરબી તાલુકામા વસતા કડવા પટેલ અને વાંકાનેર – ટંકારા તાલુકામાં વસતા મુમના પટેલ આ બન્ને સમાજના આશરે ૩૦૦ થી ૪૦૦ વર્ષના ભૂતકાળ પર નજર કરવામાં આવે તો બન્ને સમાજ એક જ પૂર્વજોના વંશજો છે. બનેં સમાજમાં માત્ર ધાર્મિક ભિન્નતા આવી છે. બાકી વર્ણ, ગૌત્ર ,કુળ તથા રક્ત તો એક જ છે. ઉપરાંત બન્ને સમાજ ખેતી સાથે જ જોડાયેલો છે. બન્ને સમાજના વ્યક્તિઓમાં એક અતૂટ લાગણી તથા ભાવનાત્મક સંબંધ આજે પણ દ્રશ્યમાન થાય છે. ઉપરાંત બન્ને સમાજની જીવન પદ્ધતિનો અભ્યાસ કરતા આહાર , વિહાર, રહેણી-કરણી, દ્રષ્ટિકોણમાં સામ્યતા જોવા મળી છે.

ત્યારે ૬ માસ પૂર્વે કડવા પટેલ સમાજના યુવા સમાજ સેવીઓએ પટેલ વિચાર ગોષ્ઠી પ્રતિનિધિ સભા નામના સંગઠનની સ્થાપના કરી હતી. આ સંગઠન દ્વારા કડવા પટેલ અને મુમના પટેલ સમાજ વચ્ચે આત્મીયતા નો સંબંધ કેળવી ભાઈચારો વિકસાવવા માટે અથાગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. સંગઠનના યુવાનોએ વાંકાનેર અને ટંકારા તાલુકાના ૫૦ ગામોમાં જઈને મુમના પટેલ સમાજના લોકોને મળ્યા હતા. તેઓને આ વિશે વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી.

- text

અત્રે ઉલ્લેખનીય છે કે મુમના પટેલ સમાજ સાથે આત્મીયતાના સંબંધો કેળવવાનું વિચારબીજ મોરબીના અગ્રણી ઓ.આર. પટેલે રોપ્યું હતું. ઓ.આર.પટેલ જ્યારે મુમના પટેલ સમાજની વસ્તી વાળા એક ગામની મુલાકાતે ગયા હતા. ત્યારે તેઓને જાણ થઈ હતી કે મુમના પટેલ સમાજની દિકરીઓને ઉચ્ચ અભ્યાસ કરવો છે. પરંતુ સુવિધાના અભાવે તેઓ ઉચ્ચ અભ્યાસ કરી શકતી નથી. જેથી ઓ.આર.પટેલે તેમના દ્વારા સંચાલીત મોરબીની કડવા પાટીદાર કન્યા છાત્રાલયમાં મુમના સમાજની દીકરીઓને પ્રવેશ આપ્યો હતો. આમ મુમના પટેલ સમાજની દીકરીઓએ કડવા પાટીદાર કન્યા છાત્રાલયમાં રહીને બી.એડ.ની ડીગ્રી મેળવી હતી.

ઓ.આર.પટેલની આ પહેલથી પ્રેરાયને પટેલ વિચાર ગોષ્ઠિ પ્રતિનિધિ સભાના યુવાનો દ્વારા આ દિશામાં પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા હતા. હાલ પ્રથમ ચરણમાં મુમના પટેલ સમાજ સાથે આગામી તા.૧૫ સવારે ૮ થી ૧૨ સુધી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંમેલન ભરતવન ફાર્મ, ભરતનગર ગામની સામે, ૮-એ, નેશનલ હાઇવે, તા.મોરબી ખાતે યોજાશે.

વાંકાનેર અને ટંકારા તાલુકાના ૫૦ જેટલા ગામોમા કે જ્યાં મુમના પટેલ સમાજની વસ્તી છે. તેવા દેરક ગામો માંથી દસ દસ અગ્રણીઓને પટેલ વિચાર ગોષ્ઠિ પ્રતિનિધિ સંમેલનમાં ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. સંમેલનમાં કડવા પટેલ સમાજના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહેશે. અંદાજે ૭૦૦ જેટલા અગ્રણીઓની ઉપસ્થિતિમાં યોજાનાર આ સંમેલનમાં બન્ને સમાજના વિચારો, વિશેષતાઓ, સમસ્યાઓ , સમાધાનો તથા સહકારનું આદાન પ્રદાન કરવામાં આવશે. આ સંમેલન અંગે વધુ માહિતી માટે વાસુદેવભાઈ જેઠલોજા મો.નં. ૯૯૭૪૦ ૬૪૩૮૫ , નરશીભાઈ અંદરપા મો.નં. ૯૮૯૮૩ ૨૦૨૩૩, રણછોડભાઈ જીવાણી મો.નં. ૯૯૦૯૨ ૦૨૮૩૩ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

આ સંમેલનમાં બન્ને સમાજના અગ્રણીઓ આગામી કાર્યક્રમો વિશે ચર્ચા વિચારણા કરશે. એક જ સમાજમાંથી ધર્મ પરિવર્તન બાદ છુટા પડેલા બે સમાજ ફરી ભાઈચારો વધારી અને આત્મીયતાના સંબંધો કેળવવા જઇ રહ્યા હોવાની આ પ્રથમ અને અનોખી પ્રેરણાદાયી ઘટના બનવા જઈ રહી છે.

- text