ઈશ્વરે ભલે આંખો છીનવી પણ ટંકારાના આર્યનનો હોસલો બુલંદ છે !!

- text


પ્રજ્ઞાચક્ષુ આર્યન કોમ્પ્યુટરમાં માસ્ટરી થકી અનેક દેખાતા લોકો માટે રોશની બન્યો : યુ ટ્યુબમાં ટેક વિથ આર્યન નામની ચેનલ ધૂમ મચાવે છે

મોરબી : “બુલંદ હો હોસલા તો મુઠી મે હર મકામ હૈ, મુશ્કિલે ઔર મુસીબતે તો જિંદગી મેં આમ હૈ,” આ ઉક્તિ ટંકારાના આર્યન અંદરપા માટે બરોબર બંધ બેસતી છે, રમવા – ભમવાની માત્ર ૭ વર્ષની ઉંમરમાં ઈશ્વરે આર્યનની આંખોની રોશની તો છીનવી લીધી પણ હોસલો બુલંદ બનાવી દીધો સામાન્ય માણસ પણ જે કામ ન કરી શકે તેવા પરાક્રમો કરી આજે આર્યન ૧૭ વર્ષની ઉંમરમાં કોમ્પ્યુટરનો માસ્ટર માઈન્ડ બની ગયો છે અને અનેક પ્રજ્ઞાચક્ષુઓ માટે રોશની બની સામાન્ય માણસો માટે પણ પ્રેરણાદાયી બન્યો છે.

મોરબી જિલ્લાના ટંકારા ગામમાં લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતા આર્યન કિરીટકુમાર અંદરપા આંખે અંધ હોવા છતાં ૧૭ વર્ષની નાની ઉંમરે અજબ – ગજબ સિદ્ધિ ધરાવે છે, જન્મ સમયે જામરની તકલીફને કારણે બાળપણ જેમ જેમ આગળ વધતું ગયું તેમ – તેમ આર્યનની આંખની રોશની ઝાંખી થતી ગઈ, આર્યનની આંખની રોશની બચાવવા મોટા ગજાના ડોકટરો દ્વારા ૫ થી ૬ ઓપરેશન પણ કરવામાં આવ્યા છતાં પણ આર્યન ૭ વર્ષની નાની વયે સંપૂર્ણ અંધત્વની પરિસ્થિતિ આવી ગયો ! છતાં પણ કોઈ પણ જાતની નિરાશા વિના પરિસ્થિતિને સ્વીકારીને પોતાની જાતે બધું શીખીને અભ્યાસ સાથે ઈત્તર પ્રવૃત્તિમાં પણ રસ હોવાથી તેમાં પણ આગળ વધવાનું ચાલું રાખ્યું હતું.

આંખની રોશની ન હોવા છતાં મોબાઈલ યુઝ કરતા આર્યને ગૂગલમાં ઓનલાઈન વિડીયો સર્ચ કરીને બધું નવું નવું શીખતો હતો. પરંતુ શરૂઆતના સમયમાં તેને જોઇતા વિડીયો સરળતાથી મળતા ન હતા અને અનેક મુશ્કેલીઓ પડતી હતી. બસ આ મુશ્કેલીઓ જ આર્યન માટે કંઈક નવું કરવાની અને અન્ય પ્રજ્ઞાચક્ષુઓને મુશ્કેલી ન પડે તે માટે તેને ત્યારે જ નિર્ણય લીધોકે, મને આ ટેકનોલોજી શીખવામાં મુશ્કેલીઓ પડી છે તે અન્ય લોકોને ન પડે તે માટે અન્ય લોકો સરળતાથી શીખી શકે તેવું કઈક કરવા મનમાં ગાંઠ વાળી લીધી.

- text

આર્યનની આ મહેનત અને આશાવાદી વિચારસરણીના કારણે તેણે કમ્પ્યુટર પ્રોગ્રામિંગમાં “ C ” , “ C++” , java web developing, જેવા પ્રોગ્રામ સૌ પ્રથમ મોરબીમાં કમ્પ્યુટર કલાસમાં જઈ શીખ્યા અને ત્યારબાદ પોતાની જાત મહેનતે શીખીને આજે આર્યનની યુ ટ્યુબમાં “ Tec with aryan “નામની ચેનલ સફળતા પૂર્વક ઓપરેટર કરતો થયો છે. જે લોકો સંપૂર્ણ ફિટ હોવા છતાં આવી ટેકનોલોજી શીખી નથી શકતા પરંતુ આર્યને પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં એમા મહારથ હાંસલ કરી છે.

આજ આધુનિક સમયમાં વધતી જતી ટેકનોલોજીનો સૌ કોઈ ઉપયોગ કરતા હોય છે. તેમાં પણ મોબાઈલ તો આજે અનિવાર્ય બની ગયો છે. મોબાઈલ સહિતની ટેકનીલોજીનો ઉપયોગ સામાન્ય લોકો તો આરામથી કરી શકે છે, પરંતુ આ આંખથી લાચાર એવા પ્રજ્ઞાચક્ષુઓને મોબાઈલનો ઉપયોગ કરવામાં મુશ્કેલી પડતી હોય છે. જેનો જાત અનુભવ કરી ચુકેલા આર્યને અંધ મિત્રો માટે મોબાઈલ સરળતાથી ઉપયોગ કરી શકાય તેવી યુ ટ્યુબ પર ચેનેલ શરુ કરી છે અને અન્ય પ્રજ્ઞાચક્ષુઓ માટે આંખની રોશની સમાન બની રહ્યો છે.

વાત આટલેથી અટકતી નથી બુલંદ હોસલાનો માલિક આર્યન સાયકલ પણ ચલાવી જાણે છે અને પોતાના ઘર પાસે સાયકલ ચલાવવાની મજા લઈ અન્ય બાળકો સાથે ક્રિકેટ પણ રમે છે.

આર્યનની શ્રવણ શક્તિ પણ ગજબ છે, તે કોઈના અવાજ પરથી ઘરમાં કોણ આવે છે, ઘરમાં કે શેરીમાં શુ શુ પ્રવૃત્તિ ચાલી રહી છે તે મનની આંખોથી જાણી લે છે.

હાલમાં આર્યન એમ.પી. દોશી વિદ્યાલયમાં ૧૧ આર્ટસમાં અભ્યાસ કરે છે. તેના અભ્યાસમાં પરિવારના દરેક સભ્યો તેની મદદ કરે છે અને આર્યનને કોઈ પણ જાતની ખોટ આવવા દેતા નથી.

આર્યનના પરિવારમાં માતા-પિતા અને એક નાની બહેન છે. સાથે ઘરે બેઠા યુ ટ્યુબમાં પોતાની ચેનલ દ્વારા લોકોને નવી નવી ટેકનોલોજી વિશે માહિતી આપે છે. સમય-સમય પર અવનવા વિડિયો પણ અપલોડ કરતો રહે છે, આજે અર્યાનની ચેનલને ૪૦૦૦ સબસ્ક્રાઇબર છે અને ૧૦૦૦૦ જેટલી વ્યુઅરશીપ છે.

આર્યને પોતાની ખામીને જ તેની આવડત બનાવી જીવનમાં આગળ વધવા માટે સતત પ્રયત્નશીલ રહેતો હોવાથી તેના પરિવારજનો તેના પર ગર્વ અનુભવી રહ્યા છે.

- text