મોરબી જિલ્લાના બોર્ડના ૨૫૮૬૧ છાત્રો સોમવારથી આપશે પરિક્ષા

- text


પરીક્ષા દરમિયાન કોઈ પણ પ્રકારની અગવડતા ઊભી ન થાય તે પ્રમાણે વ્યવસ્થા ગોઠવાઈ: છાત્રો માટે ખાસ કન્ટ્રોલ રૂમ શરૂ કરાયો

મોરબી,
મોરબી જિલ્લામાં ધો.૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષાની તૈયારીઓ પૂર્ણ થવાના આરે છે.પરીક્ષાર્થીઓને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે મુજબ જિલ્લા વહીવટી તંત્ર અને શિક્ષણ તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે. નિરીક્ષકોની નિમણુક,સ્થાનિક સ્કવોડ ,પરીક્ષા બ્લોક અંગેની તૈયારીઓ પૂર્ણ થઈ છે.આ સાથે વિદ્યાર્થીઓના પ્રશ્નોના નિરાકરણ માટે કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે.

આગામી સોમવારથી ધો.૧૦ અને ૧૨ની પરીક્ષા શરૂ થવા જઇ રહી છે.ત્યારે મોરબીમાં જિલ્લા વહીવટી તંત્ર અને શિક્ષણ વિભાગ દ્વારા બોર્ડની પરીક્ષા અંગેની તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે.ધો ૧૦ ના કુલ ૧૦ કેન્દ્રો છે. ૫૫ બિલ્ડિંગ અને ૫૫૭ બ્લોકમાં ૬૭૦ સુપરવાઈઝરો પરીક્ષાનું સુપરવિઝન કરશે. ધો૧૦ ના કુલ ૧૫૬૭૦ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે.

- text

ધો.૧૨ સામાન્ય પ્રવાહ માટે ૪ પરીક્ષા કેન્દ્રો,૨૧ બિલ્ડિંગ,૨૩૪ બ્લોકમાં ૨૬૦ સુપરવાઈઝરો પરીક્ષાનું સુપરવિઝન કરશે. કુલ ૭૫૧૧ પરીક્ષાર્થીઓ ધો.૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષા આપશે.ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહ માટે ૩ પરીક્ષા કેન્દ્રો,૧૧ બિલ્ડિંગ,૧૪૨ બ્લોકમાં ૧૬૦ સુપરવાઈઝરો પરીક્ષાનું સુપરવિઝન કરશે. કુલ ૨૬૮૦ પરીક્ષાર્થીઓ ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા આપશે.બોર્ડની પરીક્ષામાં નિરીક્ષણ માટે જિલ્લા કલેકટરે ૧૫ જેટલા ક્લાસ ૧ અને ક્લાસ ૨ ઓફિસરની નિમણુક કરી છે. વધુમાં ગેરરીતિને ડામવા તમામ પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવી કેમેરા મારફતે પણ ચાંપતી નજર રાખવામાં આવશે.મોરબી જિલ્લાના પીપળીયા અને વવાણીયા ગામના પરીક્ષા કેન્દ્રને સંવેદનશીલ જાહેર કરાયાં છે.વિદ્યાર્થીઓને મુંઝવતા પ્રશ્નોના નિરાકરણ માટે વહીવટી તંત્ર દ્વારા ખાસ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. જેના નંબર ૦૨૮૨૨- ૨૨૨૯૭૫ અને ૨૨૨૮૭૫ છે.
મોરબી જિલ્લાના કુલ ૮૩ દિવ્યાંગો પણ સોમવારથી ઉત્સાહભેર પરીક્ષા આપશે.ધો.૧૦ માં ૫૨ દિવ્યાંગો અને ધો.૧૨ માં ૩૧ દીવ્યાંગો પરીક્ષા આપનાર છે.દિવ્યાંગો સરળતાથી પેપર આપી શકે તે માટે પરીક્ષા કેન્દ્રોમાં ખાસ પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.સોમવારે પ્રથમ પેપરમાં જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી સહિતના વિદ્યાર્થીઓને કુમકુમ તિલક અને મો મીઠું કરાવીને પ્રવેશ અપાવશે.

- text