બેસ્ટ ઓફ લક ! મોરબી જિલ્લામાં બોર્ડની પરીક્ષાને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ

- text


મોરબી જિલ્લામાં ધોરણ 10માં 12765 અને ધોરણ 12માં 9199 વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા

મોરબી : આગામી 11 માર્ચથી મોરબી સહિત સમગ્ર ગુજરાતમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે ત્યારે મોરબી જિલ્લામાં તમામ તૈયારીઓ પૂર્ણ કરી લઈ ખાસ કંટ્રોલ રૂમ તૈયાર કરાયો છે. અધિકારીઓ અને કર્મચારીઓ છેલ્લી ઘડીની તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યા છે. આ કંટ્રોલ રૂમની મુલાકાત લઈને મોરબી અપડેટ દ્વારા અધિકારીઓ સાથે રૂબરૂ વાતચીત કરીને પરીક્ષાની તૈયારી અંગેની માહિતી મેળવવામાં આવી હતી.

બોર્ડની પરીક્ષા અંતર્ગત મોરબી બોય્ઝ હાઈસ્કૂલ ખાતે પેપર ડિસ્પેચ અને રિસિવ માટે કંટ્રોલરૂમ ઉભો કરવામાં આવ્યો છે. કંટ્રોલરૂમ ખાતે ઝોનલ અધિકારી તરીકે ફરજ પર રહેલા બી.એલ. ભાલોડીયાએ મોરબી અપડેટ સાથે વાતચીતમાં જણાવ્યું કે, ધોરણ 12માં ત્રણ પ્રવાહની પરીક્ષા લેવામાં આવશે. જેમાં વિજ્ઞાન પ્રવાહમાં મોરબી જિલ્લામાં હળવદ, વાંકાનેર અને મોરબી એમ ત્રણ કેન્દ્રો છે. જ્યારે સામાન્ય પ્રવાહમાં હળવદ, મોરબી, ટંકારા અને વાંકાનેર એમ ચાર કેન્દ્રો છે. જ્યારે સંસ્કૃત માધ્યમમાં મોરબી ખાતે એક કેન્દ્ર અપાયું છે.

- text

મોરબી જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહમાં કૂલ 9 સ્થળ પર પરીક્ષા યોજાશે, સામાન્ય પ્રવાહમાં 25 સ્થળે પરીક્ષા યોજાશે. જેમાં વિજ્ઞાન પ્રવાહમાં મોરબી જિલ્લામાં 1932 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે જ્યારે સામાન્ય પ્રવાહમાં 7257 વિદ્યાર્થીઓ અને સંસ્કૃત માધ્યમમાં 10 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જેમાં વિજ્ઞાન પ્રવાહમાં 4 દિવ્યાંગ વિદ્યાર્થીઓ, સામાન્ય પ્રવાહમાં 15 દિવ્યાંગ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. તમામ પરીક્ષા સ્થળે દરરોજ કંટ્રોલરૂમ ખાતેથી એક-એક અધિકારી સુરક્ષા બંદોબસ્ત સાથે પેપર લઈને જશે. તમામ પરીક્ષા સ્થળે સીસીટીવીથી પણ નજર રાખવામાં આવશે. પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને કોઈ પણ મદદની જરૂર હોય તો તે માટે નોટિસ બોર્ડ પર લગાવેલા હેલ્પલાઈન નંબર પર ફોન કરીને મદદ મેળવી શકશે. 10 માર્ચથી જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે કંટ્રોલરૂમ પણ શરૂ કરાશે. બી.એલ. ભાલોડીયાએ આગળ કહ્યું હતું કે, વિદ્યાર્થીઓ સ્વસ્થ ચિતે, શાંતિપૂર્ણ વાતાવરણમાં એકદમ પ્રફુલ્લિત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તેવું વાતાવરણ ઉભું કરાયું છે. તેથી નિર્ભયતાથી ગરભરાહટ વગર પરીક્ષા આપે તેવી શુભકામના પણ પાઠવી હતી.

ધોરણ 10ના મદદનીશ ઝોનલ અધિકારી સુધીરભાઈ ગાંભવાએ જણાવ્યું હતું કે, મોરબી જિલ્લામાં કૂલ 45 સ્થળે 442 બ્લોકમાં 12765 વિદ્યાર્થીઓ ધોરણ 10ની પરીક્ષા આપશે. દરેક બ્લોકમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. દરેક સેન્ટર ઉપર પ્રથમ બિલ્ડિંગમાં પ્રથમ બ્લોક દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે રખાયો છે અને મોરબી જિલ્લામાં 39 દિવ્યાંગ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આવતીકાલે રવિવારે 10 માર્ચના રોજ બપોરે 3 થી 5 વાગ્યા સુધી વિદ્યાર્થીઓ પોતાના પરીક્ષા કેન્દ્ર પર જઈને બેઠક વ્યવસ્થા જોઈ શકશે. વિદ્યાર્થીઓ પરીક્ષા દરમિયાન પેપર લખવા માટેની સામગ્રી ઉપરાંત ટ્રાન્સપરન્ટ પાણીની બોટલ અને પેડ લઈ જઈ શકશે. જ્યારે કોઈપણ પ્રકારના ઈલેક્ટ્રોનિક ઉપકરણો લઈ જઈ શકશે નહીં.

- text