૧ લી માર્ચે મોરબી નગરપાલિકાની રિકવિઝેશન બેઠક બોલાવવા કલેક્ટરનો હુકમ

- text


મોરબી : મોરબી નગરપાલિકાના સતાધીશો દ્વારા નગરપાલિકા અધિનિયમ મુજબ જનરલ બોર્ડ ન બોલાવતા કોંગ્રેસના ૧૮ સભ્યો દ્વારા રિકવિઝેશન બેઠક બોલાવવા માંગ કરવામાં આવી હતી આમ છતાં પાલિકાના પ્રમુખ – ઉપપ્રમુખે બેઠક ન યોજતા અંતે જિલ્લા કલેકટરે ૧ લી માર્ચે રિકવિઝેશન બેઠક બોલાવવા આદેશ કરતા સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે અને રાજકીય ઉથલ પાથલ થાય તેવા સંકેતો સાંપડી રહ્યા છે.

પ્રાપ્ત વિગતો મુજબ મ્યુનિસિપાલટી એક્ટ મુજબ નિયમોનુસાર પાલિકાનું જનરલબોર્ડ બોલાવવું જરૂરી હોવા છતાં મોરબી પાલિકાના સતાધીશો દ્વારા જનરલ બોર્ડ બોલાવવામાં આવતું ન હોવાથી કોંગ્રેસના ૧૮ સભ્યો દ્વારા ૭-૧-૨૦૧૮ ના રોજ રિકવિઝેશન બેઠક બોલાવવા ચીફ ઓફિસર અને જિલ્લા કલેકટર સમક્ષ લેખિત માંગણી ઉઠાવી હતી.

જો કે બાદમાં ચીફ ઓફિસર દ્વારા મોરબી પાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખને બબ્બે વખત લેખિત પત્ર પાઠવી મ્યુનિસિપલ એકટની જોગવાઈ મુજબ દિવસ ૧૫ માં બોર્ડ બોલાવવા જણાવાયું હતું આમ છતાં કાયદાનુસાર કાર્યવાહી કરવામાં ન આવતા અંતે મામલે જિલ્લા કલેકટર સુધી પહોંચ્યો હતો.

- text

દરમિયાન જિલ્લા કલેકટર આઈ.કે.પટેલે આ મામલે કડક આદેશ કરી આગામી તા. ૧ માર્ચ ના રોજ સવારે ૧૧ કલાકે મોરબી પાલિકાના સભા ખંડમાં રિકવિઝેશન બેઠક બોલાવવા હુકમ કરી તમામ સભ્યોને બેઠક અંગે જાણકારી આપી બેઠક પૂર્ણ થયે કાર્યવાહીની નોંધનો રિપોર્ટ મોકલવા આદેશ કરતા રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.

ઉલ્લેખનીય છે કે મોરબી પાલિકાની ચૂંટણીમાં ભાજપનો સફાયો થયો હતો અને કોંગ્રેસને બહુમત હાંસલ થયો હતો પરંતુ કોંગ્રેસના બાગીઓએ વિકાસ પાર્ટી બનાવી સતા ખૂંચવી લેતા બાદમાં ડખ્ખા સર્જાતા ભાજપે કોંગ્રેસના બાગીઓનો ટેકો મેળવ્યો હતો અને હાલમાં ભાજપ સતાના સૂત્રો સાંભળી રહ્યું છે પરંતુ ભાજપ શાસનના છ થી સાત માસના ટૂંકા ગાળામાં જ પાલિકામાં અસંતોષનો જ્વાળામુખી ફાટ્યો છે ત્યારે આ રિકવિઝેશન બેઠક તરફ સૌની મીટ મંડાઈ છે.

 

- text