મોરબી : શાંતિવન શાળામાં શરૂ કરાયો નવતર અક્ષર સુધારણા પ્રોજેકટ

- text


મોરબી : શહેરી વિસ્તારમાં આવેલી સરકારી પ્રાથમિક શાળામાં દાતાઓના સહયોગથી ‘અક્ષર સુધારણા’ પ્રોજેકટ અમલમાં મુકવામાં આવ્યો છે.

રણછોડનગર વિસ્તાર પાછળ આવેલી શાંતિવન શાળા સતત નવા નવા પ્રયોગો માટે જાણીતી છે. આ શાંતિવન શાળામાં ધોરણ 1 થી 4 ના બાળકો માટે અમલમાં મુકાયેલ આ પ્રોજેકટમાં દાતાઓના સહયોગથી તમામ બાળકોને ચેકસલાઇન તેમજ ડબલલાઇનની નોટબુક તથા સારી કંપનીની પેન્સિલ આપવામાં આવી છે. દાતાશ્રી ધીરેનભાઈ કક્કડ (ભવાની ગોલાવાળા) તરફથી તેમના પિતાશ્રી સ્વ. બાબુલાલ મગનલાલ કક્કડની સ્મૃતિમાં તેમની 18મી પુણ્યતિથિ નિમિત્તે શાળાના 250થી વધુ ભૂલકાંઓ માટેના આ પ્રોજેક્ટ માટે સહયોગ મળ્યો હતો.

- text

બાળકોના અક્ષર સુધારવા માટે શિક્ષકો દ્વારા આ પ્રોજેકટ અમલમાં મુકવામાં આવ્યો છે. જે અંતર્ગત મુલાક્ષરોના વળાંકો સુધારવા કેલિગ્રાફીની મદદ લેવામાં આવશે. જે બાળકોના અક્ષરો ખરાબ થતાં હોય તેને વધુ મહાવરો આપવામાં આવશે. યોગ્ય મરોડદાર અક્ષર કરનાર વિદ્યાર્થીને પ્રોત્સાહન આપવામાં આવશે. નોટિસબોર્ડ પર ઉદાહરણરૂપ લખાણને સ્વ-હસ્તાક્ષરમાં મુકવામાં આવશે.

શાળાના આચાર્ય મનનભાઈ બુદ્ધદેવ, જેઓ પાઠ્યપુસ્તકના લેખક તરીકે પણ સેવા આપે છે, તેઓએ જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં જ્યારે કલમ કરતાં કી-બોર્ડનો ઉપયોગ વધી રહ્યો છે એવા સમયમાં સારા અક્ષરો એ વિદ્યાર્થિકાળથી જ વૈજ્ઞાનિક રીતે શીખવવા જરૂરી છે. આ માટે જ નવત્તર પ્રયોગ શાળામાં અમલી બનાવવામાં આવ્યો છે.

આ પ્રોજેકટમાં સહયોગ આપનાર દાતાશ્રી ધીરેન કક્કડને સમગ્ર શાળા પરિવારે અભિનંદન પાઠવ્યા હતાં.

- text